6ઠી ડીસેમ્બર રાજ્યમાં ‘હોમગાર્ડ ડે’ની ઉજવાય છે. વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યના 50 હજાર હોમગાર્ડ જવાનો દયાજનક સ્થિતિમાં જીવી રહ્યાં છે. આજે હોમગાર્ડ સ્થાપના દિવસે ‘બળતાં જીવે’ હોમગાર્ડ ડે મનાવી રહ્યાં છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિઓને પગલે કોવિડ-19માં પ્રથમ હરોળમાં સેવા બજાવનારા કોરોના વોરિયર્સ અતિ જોખમી ફરજ બજાવતાં રાજ્યભરના 50,000 હોમગાર્ડ બેહાલ છે. શિસ્ત અને સેવાના નામે ગુજરાત રાજ્ય હોમગાર્ડ દળના વ્યાજબી અને અણઉકેલ પ્રશ્ર્નો ભોંમા ભંડારી દેવાયા છે.
આજે હોમગાર્ડ દિન છે પરંતુ ગુજરાત રાજ્ય હોમગાર્ડ દળના જવાનો પ્રત્યેની બેદરકારી અને લાપરવાહીને પગલે આજે રાજ્યના 50 હજાર હોમગાર્ડ ‘દીન’ એટલે ગરીબ છે. રાજ્યમાં ગૃહરક્ષક દળ (હોમગાર્ડ)ની સ્થાપના 6ઠી ડીસેમ્બર 1947ના કરવામાં આવી તત્કાલીન સમયે હોમગાર્ડ દળના માત્ર 1850 જવાનો હતા.
આજે રાજ્યમાં હજારો હોમગાર્ડ દળના જવાનો રક્તદાન, વૃક્ષારોપણ, પ્રૌઢ શિક્ષણ જેવી સમાજોપયોગી પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે. આગ, લૂંટ, કાયદાની જાળવણી અતિવૃષ્ટિ કે મોટી હોનારતના પ્રસંગોએ દળના જવાનો પોતાની જાનની પરવા કર્યા વગર ફરજો બજાવે છે. જે ગુજરાત સરકારના રેકોર્ડ પર પણ મૌજુદ છે. મુખ્યમંત્રી કેબીનેટ મંત્રીઓએ પણ હોમગાર્ડની સેવાઓને વખતો-વખત બિરદાવેલી છે.
પોલીસની સાથે ખભ્ભે-ખભ્ભા મિલાવી ચુંટણી બંદોબસ્ત, વીઆઇપી સુરક્ષા, નાઇટ પેટ્રોલીંગ, ટ્રાફીક, ઇમરર્જન્સી, યુધ્ધ કાળ દરમિયાન સિવિલ ડીફેન્સની ફરજોમાં રાઉન્ડ ધ ક્લોક સેવા બજાવતાં જવાનોના પ્રશ્ર્નોની ઉપેક્ષા થઇ રહી છે.
અગાઉ કમાન્ડર જનરલ હોમગાર્ડની માનદ પોષ્ટ હતી. આજે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસના ઉચ્ચ હોદ્ા સાથે કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ માટે પોલીસ વિભાગના અધિકારી દ્વારા પ્રાપ્ત થાય છે. રાજ્ય સરકારે વર્ષ 2008, 2013, 2018, 2019 અને 2021માં રાજકોટ જિલ્લા અને શહેર હોમગાર્ડ કમાન્ડન્ટની જાહેરાતો અને અરજીઓ મંગાવ્યા બાદ પણ આજે 13 વર્ષોથી ઇન્ચાર્જથી ગાડુ ગબડાવાય છે. હાલ વર્ષોથી રાજકોટ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડનો ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક રાજકોટ રૂરલ (ડીવાયએસપી) અને શહેર કમાન્ડન્ટ હોમગાર્ડનો ચાર્જ આસીસ્ટંટ પોલીસ કમિશ્નર રાજકોટ શહેરના (એસીપી) પાસે છે.