નન્હે મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠી મેં ક્યા હે?
બાળકોના અધિકારોના રક્ષણ સાથે તેમને વિશાળ અને સમાન તકો આપવી જોઇએ, જેથી તે રાષ્ટ્રના વિકાસમાં લાંબા ડગલા ભરી શકે: બાળકનો શિક્ષિત અને સ્વસ્થ નાગરીક તરીકે વિકસવાનો અધિકાર છે: બાળ મજૂરી વિરોધી કાયદાનો કડક અમલ જરૂરી
ચિલ્ડ્રન્સ ડે એ બાળકોના સન્માનમાં દર વર્ષે ઉજવાય છે. 1925માં જીનીવામાં બાળ કલ્યાણ ઉપર વિશ્ર્વ પરિષદ યોજાય જેમાં પ્રથમ વખત ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ડે ઉજવવાની ઘોષણા થઇ. 1950 પછી મોટાભાગના દેશોમાં 1 જૂને આ દિવસ ઉજવવાનું શરૂ થયું હતું. 1959માં યુ.એન.ની જનરલ એસેમ્બલી દ્વારા બાળ-અધિકારોની ઘોષણાની યાદમાં વિશ્ર્વ બાળ દિવસ 20મી નવેમ્બરે ઉજવવામાં આવે છે. કેટલાક દેશોમાં તે ચિલ્ડ્રન વીક તરીકે ઉજવાય છે. આપણાં દેશમાં પૂર્વ વડાપ્રધાન નહેરૂજીની યાદમાં 14મી નવેમ્બરે ‘બાળ દિન’ ઉજવાય છે. વિશ્ર્વ બાળ દિવસ હવે યુનિવર્સલ ચિલ્ડ્રન ડે તરીકે જાણીતો થઇને આજે વૈશ્ર્વિક સ્તરે ઉજવાય છે.
આપણાં દેશમાં આ દિવસે બાળકોની મસ્તી અને આનંદનો દિવસ છે. આપણાં દેશમાં 1964થી આજના દિવસે બાળ દિવસ ઉજવાય છે. આ ઉજવણી દેશના ભવિષ્યના નિર્માણમાં બાળકોના મહત્વને દર્શાવે છે, સાથે સાથે તેના અધિકારો પ્રત્યે લોકોને જાગૃત કરવા પણ આજનો દિવસ મહત્વનો છે. ઘણા દેશોમાં 1લી જૂન, ચીનમાં 4 એપ્રીલ, પાકિસ્તાનમાં 1 જુલાઇ, અમેરિકામાં જૂનનો બીજો રવિવાર, બ્રિટનમાં 30 ઓગસ્ટ, જાપાનમાં 5મી મે, જર્મનીમાં 20 સપ્ટેમ્બર જેવી વિવિધ તારીખે બાળ દિવસ વિશ્ર્વભરમાં ઉજવાય છે. 14મી નવેમ્બર-2020 આજે ચિલ્ડ્રન્સ ડે આ દિવસ ચાચા નહેરૂના જન્મ દિવસે સમગ્ર દેશમાં ‘બાળ દિવસ’ તરીકે ઉજવાય છે. બાળકો માટેનો આ સ્પેશિયલ દિવસ ભારત જ નહીં વિશ્ર્વનાં અનેક દેશોમાં ઉજવાય છે. વિશ્ર્વમાં પ્રથમવાર 1954ના વર્ષમાં બાળ દિવસ ઉજવાયો હતો. આ ઉજવણીનો હેતુ બાળકોમાં સમજણ અને સાંપ્રદાયિક વિનિમયને વિકસતી કરવાનો એકમાત્ર હેતુ હતો. સંપૂર્ણ વિશ્ર્વમાં બાળકોના કલ્યાણને પ્રોત્સાહિત કરવામાં આવે અને તે બાબતે જનજાગૃત્તિ લાવવાનો પ્રયાસ કરાય છે.
વિશ્ર્વમાં બાળદિન 20મી નવેમ્બરે ઉજવણી થાય છે. યુ.એન.ની જનરલ એસેમ્બલી દ્વારા સ્વીકૃત બાળકોના હક્કોની ઘોષણા જે દિવસે કરવામાં આવી તે 1959માં હતી માટે ત્યારથી આ દિવસ ઉજવાય છે. 1989માં બાળકોના હક્કો પર કરારમાં વિશ્ર્વનાં 191 દેશો દ્વારા તેને માન્યતા મળી હતી. આપણા દેશમાં બાળ દિવસની શરૂઆત 1925માં થઇ હતી. બાળકોના કલ્યાણની વૈશ્ર્વિક કોન્ફરન્સમાં બાળ દિવસ ઉજવણીની ઘોષણા થઇને 1954માં દુનિયામાં બાળ દિવસને માન્યતા મળી હતી.
સંયુક્ત રાષ્ટ્રે 20 નવેમ્બર બાળ દિવસ માટે નક્કી કરી હતી. ઘણાં દેશોમાં 1950થી બાળ સંરક્ષણ દિવસ 1લી જૂને ઉજવણી કરાય છે. બાળકના સારા ભવિષ્ય માટે, સંર્વાંગી વિકાસ માટે તથા તેના મૂળભૂત હક્કોના રક્ષણ માટે કટીબધ્ધ થવા બાળ દિવસ સમગ્ર વિશ્ર્વમાં ઉજવાય છે. આપણાં દેશમાં બાળ દિવસ મસ્તી અને આનંદના દિવસ તરીકે મોજ-મજા કરવાનો પણ દિવસ છે. આપણાં દેશનાં બંધારણમાં પણ 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફ્ત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણની વાત કરી છે.
આવતીકાલના નાગરિકને વિકાસની હરણફાળમાં તમામ પ્રકારે મદદ સાથે તેમના કલ્યાણ બાબતેના કાર્યોમાં સમાજના દરેક વર્ગે મદદરૂપ થવું જરૂરી છે. આજે ગરીબ મા-બાપનાં સંતાનો આર્થિક ઉપાર્જન માટે દુકાનો, રેસ્ટોરન્ટો, ચા-પાનના ગલ્લે કે અન્ય સ્થળે બાળ મજૂરી કરીને પૈસા રળે છે. ભણવાની ઉંમરે કામ કરતાં બાળકોની સંખ્યા આપણાં દેશમાં ઘણી છે. આ બાબતે કાયદો તો છે પણ અમલવારી ન થવાથી બાળ મજૂરી પ્રથા આજે પણ ચાલુ છે. આજે બાળ દિવસે સૌ આ તરફ ચિંતા કરવાની જરૂર છે.
બાળકોને નાગરીક તરીકે વિકસવાનો અધિકાર છે. આજે તો બધા માટે વિવિધ કાર્યક્રમો થતા હોય છે પણ બાળકો માટેના કાર્યક્રમોની અછત છે. ચિલ્ડ્રન ક્લબો શરૂ કરીને કલ્ચરલ અને સ્પોર્ટ્સમાં વિકાસ કરવો અને તેના રસ, રૂચિ, વલણોને ધ્યાને લઇને તમામ મદદ કરવી સૌની નૈતિક જવાબદારી છે. 12મી જૂને બાળ મજૂરી વિરોધી દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ પણ સમસ્યા ત્યાંની ત્યાંજ છે. તેના માટે ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના કરવી જરૂરી છે. આજે રોડ ઉપર નાના બાળકો ભીખ માંગતા નજરે પડે છે. રોજબરોજ બાળકોને ઉપાડી જવાની ઘટના પણ બનતી જોવા મળે છે. ફેક્ટરી એક્ટ-1948ના કાયદા મુજબ 14 વર્ષથી નીચેના બાળકોને રોજગારી આપવા બાબતે મનાઇ ફરમાવેલ છે, છતાં આજે ચોમેર દિશાએ બાળમજૂરો નજરે પડે જ છે. બાળકએ માત્ર ઘરનું ખુશીનું કારણ નથી એ દેશનું ભવિષ્ય પણ છે. બાળકોનું શોષણ થતું અટકાવવું જરૂરી છે. બાળકોને યોગ્ય શિક્ષણ, પોષણ, સંસ્કાર મળે કારણ કે તે આપણાં દેશનું ભાવી છે. આજે દેશમાં બાળકો ઉપર અત્યાચારો, બાળ લગ્નો, દુરૂપયોગ જેવા વિવિધ દૂષણોને ડામવા જ પડશે. બાળક પોતે જ પોતાનામાં વિશિષ્ટ અને મહાન છે જરૂર છે ફક્ત આપણે જોવાની.
આજે બધે જ ‘બાળ મજૂરો’ દેખાય છે !
ફેક્ટરી એક્ટ-1948ના કાયદા મુજબ 14 વર્ષથી નીચેના બાળકોને રોજગારી આપવા બાબતે મનાઇ હોવા છતાં આજે ચોમેર દિશાએ ‘બાળમજૂરો’ જોવા મળે છે. બાળ મજૂરીના કાયદાનો કડક અમલ થાય તો આ બાળકો પર અન્ય બાળકોની જેમ વિકાસ કરી શકે છે.
આજે ઘણી સંસ્થાઓ ઝુપડપટ્ટીના બાળકો માટે શિક્ષણ સાથે વિવિધ પ્રવત્તિ કરાવી રહી છે પણ તેના મા-બાપો તેને મજૂરીએ મોકલીને આમદાની મેળવવામાં રસ હોવાથી તે તેના સંર્વાંગી વિકાસ માટે કશુ કરતાં જ નથી.
આ છે, બાળકોની વિવિધ સમસ્યા !
બાળકોના જીવનને ગુણવત્તાસભર બનાવવા માટે વિવિધ પડકારોમાં કુપોષણનું ઊંચું પ્રમાણ, રસીકરણનો ખરાબ વ્યાપ, ઘટતો સ્ત્રી-પુરૂષનું રેશીયો, બાળલગ્ન, બાળમજૂરી જેવી વિવિધ સમસ્યાઓ તેના સંર્વાગી વિકાસમાં આડે આવી રહી છે. ગરીબીને કારણે મા-બાપ પોતાના સંતાનોને ભણવાને બદલે કામે મોકલી આપે છે. આપણે બાળમજૂરીની સંખ્યા વિશેષ જોવા મળે છે. બાળપ્રવૃત્તિ કરતી સંસ્થાઓની અછત જોવા મળે છે. શાળાઓમાં પણ ઇત્તર પ્રવૃત્તિ ખૂબ ઓછી થવાથી તેના સંર્વાગી વિકાસમાં મુશ્કેલી પડી રહી છે. બાળકોના અધિકારોનું આજે કેટલું પાલન કે રક્ષણ થાય છે તે સૌને ખબર છે. યુનિસેફ દ્વારા બાળકનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે લિંગ ભેદ અને અન્ય અસમાનતા દૂર કરવાના હસ્તક્ષેપોને પ્રાધાન્ય અપાય છે.