ભારતના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન, ભારત માતાના એવા ઘણા લાલ જન્મ્યા હતા જેમના નામ ઈતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે લખાયેલા છે. જેમ કે ગાંધીજી,સુભાષચંદ્ર બોઝ, ભીમરાવ આંબેડકર આ બધી જ મહાન હસ્તીઓમાના એક છે ‘બિરસા મુંડા’. જેમણે બિહાર અને ઝારખંડનો વિકાસ અને ભારત ભારતને આઝાદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બિરસા મુંડાના અતુલ્ય યોગદાનને કારણે બિહાર અને ઝારખંડના લોકો તેમજ સમગ્ર આદિવાસી સમાજ તેમને ભગવાનની જેમ પૂજે છે.આ મહાન વ્યક્તિની આજે જન્મ જયંતિ છે.તો જાણીએ ‘બિરસા મુંડા’નો ઈતિહાસ:
બિરસા મુંડાનો ઈતિહાસ :
બિરસા મુંડાનો જન્મ 1875માં લિહતુમાં થયો હતો. તેમના પ્રારંભિક અભ્યાસ બાદ તેઓ ચાઈબાસા ઈંગ્લિશ મિડલ સ્કૂલ (ચાઈબાસા ગોસ્નર ઈવેન્જેલિકલ લ્યુથરન મિશન સ્કૂલમાં)માં અભ્યાસ કરવા ગયા હતા. બિરસા મુંડાને બાળપણથી જ અંગ્રેજ સરકાર સામે રોષ હતો. તેમણે ક્યારેય બ્રિટિશ સત્તા સ્વીકારી નહોતી.
નાનપણથી જ બિરસા અંગ્રેજોના વિરોધી
અંગ્રેજો વચ્ચે ઉછર્યા છતાં પણ બિરસા નાનપણથી જ અંગ્રેજોના વિરોધી હતા. ચાઈબાસામાં અભ્યાસ માટે વિતાવેલા ચાર વર્ષોએ બિરસાના જીવનને પ્રભાવિત કર્યું. 1894માં દુષ્કાળ દરમિયાન, બિરસા મુંડાએ તેમના મુંડા સમુદાય અને અન્ય સમુદાયના લોકોને અંગ્રેજો વિરુદ્ધ ઉભા કર્યા હતા.તેમણે ટેક્સ (લગાન) માફ કરવાની માગણી માટે આંદોલન પણ કર્યું હતું.
‘ધરતી બાબા’ તરીકે પૂજાય છે બિરસા મુંડા
ઈ.સ 1895માં, બિરસાની અંગ્રેજો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને હજારીબાગ જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. પરંતુ બિરસા તેમના શિષ્યોને અને પ્રદેશના દુષ્કાળગ્રસ્ત લોકોને મદદ કરવા માટે પોતાના ઈરાદાઓ પર મક્કમ હતા.અને આ જ કારણ છે કે તેમના જીવનકાળ દરમિયાન તેમના શિષ્યોએ તેમને મહાપુરુષનો દરજ્જો આપ્યો હતો. લોકો તેમને ‘ધરતી બાબા’ના નામથી બોલાવતા અને તેમની પૂજા કરતા.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદને સંબોધતા માહિતી આપી હતી કે 15 નવેમ્બરે, ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ છે. આ મહાન આત્માની જન્મજયંતિને ‘આદિવાસી ગૌરવ દિવસ’ તરીકે ઓળખવામાં આવશે તેવી જાહેરાત અનુરાગ ઠાકુર દ્વારા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આદિવાસી લોકોના ગૌરવશાળી ઈતિહાસ, સંસ્કૃતિ અને સિદ્ધિઓની ઉજવણી કરવા માટે, આ દિવસ દર વર્ષે 15-22 નવેમ્બર 2021 સુધી આદિવાસી સમુદાયોના ગૌરવશાળી ઈતિહાસ, સિદ્ધિઓ પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન થશે.