કવિ ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોર વિશ્વક્ષેત્રે સાહિત્ય કલા અને સંગીતના મહાન પ્ર્રકાશસ્તંભ
ભારત અને બાંગ્લાદેશના રાષ્ટ્રગીતના રચયિતા તેમજ પ્રસિઘ્ધ ‘ગીતાંજલી’ કાવ્ય સંગ્રહના અંગ્રેજી અનુવાદક ઉત્કૃષ્ટ કવિહૃદય ધરાવતા હતા
ભારત ભૂમિ વ્યકિતત્વ દર્શન કરાવતી ઉત્કૃષ્ટ પવિત્ર ભૂમિ છે. જેમાં અનેક મહાપુરૂષોએ પોતાનામાં રહેલી રચનાત્મકતા વડે અનેક લોકોને પ્રેરણા આપી છે. એ પૈકીના ઉત્તમ મહાપુરૂષ છે રવિન્દ્રનાથ ટાગોર, રવિન્દ્રનાથનો જન્મ 7 મે 1861 ના કોલકાતામાં થયો હતો. તેઓ એક કવિ ઉપન્યાસકાર, નાટકકાર, ચિત્રકાર તેમજ દાર્શનિક જેવી બહુમુખી પ્રતિભાના ધની હતા.
ટાગોરજી એશિયાના પ્રથમ એવા વ્યકિત થઇ ગયા જેને નોબલ પુરસ્કારથી સન્માનીત કરાયા હતા.
તેઓ પોતાના માતા-પિતાનું તેરમું (13) સંતાન હતા. ‘રબી’ તેઓનું હુલામણુ નામ હતું. માત્ર આઠ વર્ષની ઉંમરે તેઓએ પોતાની પ્રથમ કવિતાની રચના કરી હતી. તથા સોળ વર્ષની ઉંમરમાં તેમણે વાર્તાઓ અને નાટક લખવાનું શરુ કર્યુ હતું.
પોતાના લેખનકાળ દરમિયાન ટાગોરજીએ એક હજાર કવિતાઓ, આઠ ઉપન્યાસ , આઠ વાર્તાઓનો સંગ્રહ તથા વિવિધ વિષયો પર અનેક લેખો લખ્યા છે. એટલું જ નહીં તેઓ એક સંગીતપ્રેમી પણ હતા તથા તેમણે પોતાના જીવનકાળ દરમિયાન ર000 થી વધારે ગીતોની રચના કરી છે. તેઓએ લખેલા બે ગીત આજે ભારત અને બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત છે.
જીવનના 51 વર્ષો સુધી તેમની ઉપલબ્ધિઓ અને સફળતા માત્ર કોલકાતા તથા તેની આસપાસના ક્ષેત્ર સુધી સીમીત રહી હતી. ત્યારબાદ તેઓ પોતાના પુત્ર સાથે ઇગ્લેન્ડ જતા હતા. દરિયાઇ માર્ગથી ભારતથી ઇગ્લેન્ડ જતી વખતે તેમણે પોતાના કવિતા સંગ્રહ ગીતાંજલીનો અંગ્રેજી અનુવાદ કરવાનો પ્રારંભ કર્યો હતો. માત્ર સમય પસાર કરવાના આશયથી તેમણે અનુવાદ કરવાની શરુઆત કરી હતી. લંડન પહોંચીને સ્ટીમરમાંથી ઉતરતી વખતે તેમના પુત્રની સુટકેસ જે વ્યકિતને મળી તેમણે બીજા દિવસે જ ટાગોરજીને આ સુટકેસ પરત કરી હતી. લંડનમાં ટાગોરજીના અંગ્રેજી મિત્ર ચિત્રકાર રોથેંસ્ટિન ને જયારે આ વાતની ખબર પડી કે ગીતાંજલીની રચના ટાગોરજીએ અનુવાદિત કરી છે તો તેમણે ગીતાંજલી વાંચવાની ઇચ્છા વ્યકત કરી હતી. અને તેને વાંચ્યા બાદ રોથેંસ્ટિન તેના પર મંત્રમુગ્ધ બની ગયા.
તેમણે પોતાના મિત્ર ડબલ્યુ બી. ચીટસને ગીતાંજલી વિશે જણાવ્યું અને એ જ નોટબુક તેમને પણ વાંચન માટે આપી હતી. અને ત્યારબાદ જે બન્યું તે એક ઇતિહાસ બની ગયો, યીટસએ પોતે ગીતાંજલીના અંગ્રેજી મુળ સંસ્કરણની પ્રસ્તાવના લખી હતી. સપ્ટેમ્બર 1912માં ગીતાંજલીના અંગ્રેજી અનુવાદની કેટલીક ગણીગાંઠી કોપીઓ ઇન્ડીયા સોસાયટીના સહયોગથી પ્રકાશિત કરવામાં આવી હતી. અને લંડનના સાહિત્ય પ્રેમીઓએ આ પુસ્તકની ખુબ સરાહના કરી, અને આમ ‘ગીતાંજલી’ શબ્દના માધુર્યએ સમગ્ર વિશ્ર્વને સમ્મોહિત કર્યુ.
ગીતાંજલીના પ્રકાશિત થવાના એક વર્ષ બાદ 1913માં રવિન્દ્રનાથ ટાગોરજીને નોબલ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતા.
પોતાની રચનાત્મકતા દ્વારા પૂર્વ અને પશ્ચિમના સેતુ બન્યા
રવિન્દ્રનાથ ટાગોરજી માત્ર મહાન રચનાત્મકતાના ધનીજ નહી બલકે એટલું મહાન વ્યકિતત્વ હતું, જેમણે પૂર્વ અને પશ્ચિમ દુનિયા વચ્ચે સેતુ બનવાનું કાર્ય કર્યુ હતું. તેઓ માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વના સાહિત્ય કલા અને સંગીતના એક મહાન પ્રકાશસ્તંભ છે.
રવિન્દ્રનાથ ટાગોર માત્ર આઠ વર્ષની ઉમરમાં જ કવિ બન્યા
રવિન્દ્રનાથજીએ પોતાના જીવનકાળ દરમિયાન એક હજાર કવિતાઓ, આઠ ઉપન્યાસ આઠ વાર્તાઓ સંગ્રહ અને વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. તેઓ સંગીત પ્રેમી હતા. અને તેમણે પોતાના જીવનમાં ર000 થી વધારે ગીતોની રચના કરી ટાગોરજીએ માત્ર આઠ વર્ષની ઉમરમાં પોતાની પ્રથમ કવિતા લખી હતી.