આજના યુગમાં બાળકથી મોટેરા ડીજેના તાલે રૂમઝૂમ થતા હોય છે , શુભ પ્રસંગોએ ડાન્સ ફંકશન સૌથી પ્રિય જલ્સો
નૃત્ય એટલે પોતાની લાગણી, સંસ્કૃતિ, ભક્તિ અને કલાને અભિવ્યક્ત્ત કરવાનું ઉતમ માધ્યમ
ડાન્સ એ શબ્દ સાંભળતા જ બધાનું મન થનગનાટ કરવા માંડે છે લોકોને વિવિધ પ્રકારના ડાન્સ કરવાના શોખ હોય છે અને સાથે શાસ્ત્રીય નૃત્ય પણ કેટલાક નૃત્યકારોને આકર્ષે છે. હાલમાં જમાનો ડાન્સમાં ફ્રી સ્ટાઈલ અને હિપહોપ તેમજ સાલસા જેવા વેસ્ટન ડાન્સનો છે. બદલાતા સમય સાથે બાળકોથી માંડીને મોટી ઉમરના લોકો પણ ડાન્સ કરતા જોવા મળે છે. ખાસ ગુજરાતીઓ ગરબા માટે ક્યારેય છોછ અનુભવતા નથી. ડાન્સ કરવાની કોઈ સીમા હોતી નથી જે સ્ટેપ કરવાથી તમારું મન મોર બની થનગાટ કરે એ જ તો ડાન્સની પરિભાષા છે. ભારતમાં નૃત્ય કલા યુગોથી ચાલી આવતી પરંપરા છે. તેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ કરાયો છે. વૈદિક સાહિત્યથી માંડી રામાયણ, મહાભારત, સંસ્કૃત નાટકો, પુરાણો, જૈન સાહિત્ય આદિમાં આ નૃત્યપ્રકારોની ઝાંખી થાય છે હાલ આ નૃત્યકળા વિસરાઈ રહી છે. સન 1983માં ઇન્ટરનેશનલ ડાન્સ કાઉન્સિલ દ્વારા વિશ્વ ડાન્સ દિવસ તરીકે આજના દિવસને જાહેર કરાયો હતો. જેનો ઉદ્દેશ વધુમાં વધુ લોકો ડાન્સ અંગે જાણે અને તેમા રસ લઇને જોડાય તેવો હતો. હાલ પ્રસારિત થતાં ડાન્સ રિયલિટી શોના કારણે યુવા વર્ગમાં ડાન્સ પ્રત્યે સારી જાગૃતતા આવી છે. ભારતનો યુવવર્ગ આંતરરાષ્ટ્રિય કક્ષાએ નૃત્ય કલાક્ષેત્રે દેશનું નામ રોશન કરી રહ્યો છે.
નૃત્ય, કલાઓની જનની છે. માણસે રંગ, પથ્થર કે શબ્દમાં પોતાની આંતરિક અનુભૂતિને વાચા આપી તે પહેલાં પોતાના દેહ દ્વારા એની અભિવ્યક્તિ સાધી છે. શાસ્ત્રીય નૃત્ય માત્ર મનોરંજન માટે નહીં, પણ તેના વિવેકપૂર્ણ વિવેચન માટે છે. જ્યારે આજના દિવસના લોકપ્રિય નૃત્યો જોનારને વધુ પસંદ આવી રહ્યા છે. આજના આ ખાસ દિવસે અબતકે રાજકોટ શહેરની કેટલીક નામાંકિત ડાન્સ એકેડમિની મુલાકાત લીધી હતી. જેમાં નાના ભૂલકાઓ થી લઈને મોટી ઉમરની સ્ત્રીઓ બદલાતા સમય સાથે પોતાની કલાને વિકસાવી રહ્યા છે.
ડાન્સથી બાળકમાં રહેલી પ્રતિભા નિખરે છે: ગૌતમી (કોરિયોગ્રાફર)
5678 ડાન્સ એકેડમીના કોરિયોરીયોગ્રાફર ગૌતમીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 5678 ડાન્સ એકેડમીમાં બોલીવુડ,હિપહોપ , સેમી ક્લાસિકલ ,જેવા ફોમ્સ શીખવાડવામાં આવે છે ખાસ ત્યાં એકેડમીમાં 4 ટ્રેનરો દ્વારા ડાન્સ સિખડાવવામાં આવે છે. દર એક અઠવાડિયે એક ડાન્સ શુટ પણ કરવામાં આવે છે. ઉનાળુ વેકેશન માટે ખાસ બેચ રાખવામા આવેલ છે. તેમાં દરેક બેચમાં 50 જેટલા સ્ટુડન્ટ ડાન્સ સિખવા માટે આવે છે. અને તે દરમિયાન બોલીવુડ, હિપ હોપમાં પણ વેકિંગ, લોકિંગ સાથે ઘણા બધા સ્ટંટ પણ સિખડાવવામાં આવે છે. 1 મિનિટની કોરિયોગ્રાફી હોય છે તે બાદ તેનું શુટ કરવામાં આવે છે. સાથેજ તેમના દ્વારા મેરેજ માટે પણ ડાન્સ સિખડાવવામાં આવે છે. ડાન્સથી બાળકોમાં રહેલી આવડત વિકસે છે.
સ્પોર્ટ્સ ક્વોટા જેટલું જ કલ્ચરલ ક્વોટાનું મહત્વ: ડો.કર્તવી ભટ્ટ
કથક નૃત્ય વિશે ડો. કર્તવી ભટ્ટએ જણાવ્યું હતું કે 7 વર્ષના અભ્યાસ બાદ ગ્રેજ્યુએશન, અલંકાર (એમ.એ.), શિક્ષા વિશારદ (બી.એડ્) અને ત્યારબાદ પીએચ.ડી. સુધીની ડિગ્રી મેળવી શકીએ છીએ. 4 વર્ષની ઉમરથી લઈને કથક ‘રસ અને ભાવ’ વિષયમાં પીએચ.ડી. સુધીનો અભ્યાસમાં કર્તવી પોતાના માતા પિતાના જ નકશેકદમ પર ચાલી રહ્યા છે. વધુમાં તેમણે કથકના 3 ઘરાના લખનૌ ઘરાના,બનારસ ઘરાના અને જયપુર ઘરાના વિશે માહિતી
આપી હતી.ઉપરાંત આજે પણ ગુરુ શિષ્ય પરંપરાને અનુસરીએ છીએ. એટલે કે જેમને શૂન્ય માંથી કંઇક શીખવ્યું હોય એવા ગુરુ ને જ હંમેશા ગુરુ માનવાની પ્રથા ને જાળવી રાખી છે. હાલના સમયમાં કેટલાક લોકો મોટા ગુરુ પાસે વર્કશોપ કરી લે છે પણ અમે હજુ એ ગુરુ શિષ્ય પરંપરા જાળવી છે.
અહીં બાળકો સાથે તેમના મમ્મી પણ ડાન્સ કરે છે : દીયાબેન
નૃત્ય દિન નિમીત 5678 ડાન્સ એકેડમીના સંચાલક દિયા અજમેરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 5678 ડાન્સ એકેડમી છેલ્લા 9 વર્ષથી કાર્યરત છે તેમના દ્વારા બાળકોને પોતાના બાળકો સમજીને ડાન્સ શિખડાવવામાં આવે છે . સારા ડાન્સ કરતાં વિદ્યાર્થીઓને તેમના દ્વારા ડાન્સ ઈન્ડિયા ડાન્સના પ્લેટફોર્મ સુધી પહોચાડ્યા છે.વિદ્યાર્થીઓને અહીં પોતાના ઘર જેવુ જ
વાતાવરણ મહેસુસ થાય તે મુજબની વ્યવસ્થા રાખવામાં આવી છે. ફકત બાળકો જ નહીં પરંતુ તેમની સાથે તેમની માતાઓને પણ ડાન્સનું જ્ઞાન પીરસવામાં આવે છે. મમ્મીઓ માટે ખાસ સવારના સમયમાં ઝૂમબા ક્લાસીસ ચલાવવામાં આવે છે.
બોલીવુડ, કલાસિકલ, હીપહોપ હાલના સમયનો મુખ્ય ટ્રેન્ડ: ઋત્વા પંડ્યા
સુરભિ ડાન્સ એકેડમીમાં કોરિયોગ્રાફર ઋત્વા પંડયાએ અબતક સાથે ખાસ વાતચીત દરમિયાન જણાવ્યુ હતું કે તેઓ સુરભિ સાથે દોઢ વર્ષથી જોડાયેલા છે અને બાળકોને ડાન્સ શિખડાવી રહ્યા છે. સ્ટુડન્ટને બોલીવુડ, હિપ હોપ, ક્લાસિકલ, કનટેમ્પ્રી, સાથેજ અત્યારના ટ્રેન્ડના તમામ ડાન્સ ફોમ્સ સિખડાવવામાં આવે છે.એકેડમીમાં અઢી વર્ષથી 30 વર્ષ સુધીના તમામ લોકોને ડાન્સ શીખડાવવામાં આવે છે.તેમને ત્યાં સાંજે 5 થી 9 ડાન્સની બેચ લેવામાં આવે છે. સાથેજ ઉનાળા વેકેશન માટે સવારના સમયમાં બેચ શરૂ કરવામાં આવેલ છે. મહિલાઑ માટે પણ અલગ બેચ લેવામાં આવે છે. તેમના દ્વારા બાળકોને ગરબા શીખડાવે છે ગરબામાં લોકોને વધુ ફ્રી સ્ટાઈલ ગમે છે. અને બાળકોને પણ ગરબામાં ફ્રી સ્ટાઈલ કરી ખુબજ મજા આવે છે.
ડાન્સની કોઈ ઉંમર હોતી નથી: રિદ્ધિબેન
સુરભિ ડાન્સ એકેડમીના સંચાલક રિધ્ધિબેન ત્રિવેદીએ અબતક સાથેની વાતચીતમા જણાવ્યુ હતું કે તેમની ડાન્સ એકેડમી 12 વર્ષથી કાર્યરત છે. તેના પતિદેવ પણ કલાક્ષેત્રના આ વ્યવસાય સાથે જોડાયેલા છે. અને સુરભિ ડાન્સ એકેડમી રાજકોટ, જેતપુર, મોરબી આમ 3 શહેરોમાં હાલ પોતાની એકેડમી ચલાવી રહી છે. તેમની પાસે 20 જેટલા કોરિયોગ્રાફરની ટિમ છે. અને તેમનો મુખ્ય હેતુ એ છે કે તેઓ કોઈ પણ બાળક ડાન્સ સિખી પોતાનામાં રહેલી આવડતને નીખારી આગળ વધી પોતાની કારકિર્દી બનાવે . સાથે જ લોકોને સંતુષ્ટ કામગીરી આપી શકે. પોતે ડાન્સર નહીં કોરિયોગ્રાફર બનાવે છે તેમને તે વાતનો ગર્વ છે. ડાન્સ સિખવા માટે કોઈ ઉમર હોતી નથી. સાથેજ હાલની ઓરીજનલ સ્ટાઈલ ભુલાઈ ગયેલ છે. અત્યારના સમયમાં ઘણા બધા અલગ- અલગ ફોમ્સ ટ્રેન્ડમાં છે. જૂના પહેલાના ડાન્સ ફોમ્સ ભૂલાતા જાઈ છે ને અત્યારના ફાસ્ટ ડાન્સ લોકોને વધુ ગમી રહ્યા છે. તેમની એકેડમી દ્વારા અનેક પુરસ્કારો પણ પ્રાપ્ત કરવામાં આવી છે. સાથેજ અનેક મહાન ડાન્સરોના હસ્તે ઈનામ પ્રાપ્તિ થયેલ છે.
કથક લાસ્ય ભાવ અને ફૂટવર્કના કારણે બધાથી અલગ: દિવ્યાબેન ભટ્ટ
સ્પંદન ડાન્સ એકેડમીના સંચાલક દિવ્યાબેન ભટ્ટે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા પતિદેવ ડો. નિખિલ ભટ્ટ કેજેઓએ કલાક્ષેત્રે અમૂલ્ય પ્રદાન આપ્યા બાદ રાજય સરકારે ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’ એનાયત કર્યો છે અને કથકમાં એમ.એ. દિવ્યાબેન ભટ્ટે જણાવ્યું હતું કે છેલ્લા 33 વર્ષોમાં આ એકેડમી દ્વારા કથકમાં વિશારદ, શિક્ષા વિશારદ, અલંકાર અને પીએચ.ડી. જેવી ઉપાધિ પ્રાપ્ત કરીને નૃત્યકારો ભારત ઉપરાંતના અન્ય દેશોમાં પણ આપણા આ વારસાને ફેલાવી રહ્યા છે. ભારતના 7 શાસ્ત્રીય નૃત્યોમાં કથક તેના લાસ્ય ભાવ અને ફૂટવર્કના કારણે અલગ તરી આવે છે. શાસ્ત્રો અનુસાર કથક ભગવાન કૃષ્ણ અને તેમની કથાઓ સાથે સંકળાયેલું છે.
55 વર્ષની ઉંમરે પણ ડાન્સ માનસિક શાંતિ આપે છે: પ્રિતીબેન
સ્પંદન એકેડમીમાં નૃત્યની પ્રેક્ટિસ અર્થે આવતા પ્રિતિબેને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ડાન્સની કોઇ ઉંમર હોતી જ નથી. હું છેલ્લા 10 વર્ષની ડાન્સ શીખતા શીખતા ખૂબ જ આગળ વધી ગઇ છું. આ ઉંમરે પણ કથક નૃત્ય મને મનથી શાંતિ આપે છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે જયારે પણ હું કથક નૃત્ય કરુ છું. ત્યારે તમામ વસ્તુ ભુલીને મારા નૃત્યમાં મગ્ન થઇ જાવ છું.
અનેક સ્ટાઈલના ડાન્સ બાળકો અહીં શીખે છે: જિયા(વિદ્યાર્થી)
સુરભિ ડાન્સ એકેડમીના વિદ્યાર્થી જિયા તેરૈયાના જણાવ્યા મુજબ એકેડમી ખાતે બાળકોને અલગ અલગ ફોમ્સમાં ડાન્સ શિખડાવવામાં આવે છે. બાળકોને ઘર જેવુ વાતાવરણ આપી ડાન્સની પ્રેક્ટિસ કરવવામાં આવે છે. સાથે જ સંસ્થા જોડાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ અનેક સ્ટાઇલના ડાન્સ શીખ્યા છે અને સારું એવું પ્લેટફોર્મ મેળવ્યું છે સાથેજ બાળકોને તેમના અંગત જીવનમાં પીએન ડાન્સથી ઘણા ફાયદા થયા છે.
બાલભવન હાલના યુવાનોમાં ફ્રી સ્ટાઈલનો ક્રેઝ વધુ: ડો.માલાબેન મહેતા
રાજકોટ મ્યુન્સિપલ કોર્પોરેશન સંચાલિત બાલભવન ખાતે ડાન્સ કલાસ ચાલાવતા ડો. માલાબેન મહેતાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલના ટ્રેન્ડ મુજબ અહીં ઘણા બધા અલગ અલગ ડાન્સ ફોમ્સ શીખડાવવામાં આવે છે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ પાછલા 24 વર્ષથી ડાન્સ ક્લાસ ચલાવે છે તેઓ એ કથક માં ઙ.વમ કરેલું છે. ગુજરાતમાં ગુજરાતમાં પ્રથમ ગોલ્ડ મેડાલિસ્ટ છે.અહી તેઓ ફોક, વેસ્ટન, હિપ હોપ, સાલસા તેમજ ગ્રુપ ડાન્સ શીખવાડે છે હાલ ફ્રી સ્ટાઇલનો ક્રેઝ વધુ છે. તેમના જણાવ્યા અનુસાર તેમના પરિવારથી અને ખાસ માતા તરફથી સારો સપોર્ટ મળ્યો છે. ખાસ તેમને જણાવ્યું હતું કે ડાન્સ કરતાં પહેલા એક્સરસાઇઝ નુ વધુ મહત્વ રાખવું અને ડાન્સ માટે કોઇ ઉંમર હોતી નથી.