જનમાનસમાં પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાય અને લોકો પર્યાવરણનું જતન કરવા પ્રેરાય એ હેતુથી તા. ૫ જૂનને ’વિશ્વ પર્યાવરણ દિવસ’ જાહેર કરવામાં આવ્યો છે. ઇ.સ. ૧૯૭૨ ની ૫મી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કાર્ય કરવાની નેમ સાથે એકત્ર થયા અને પર્યાવરણની જાળવણી માટે જાહેરનામું બહાર પાડ્યું ત્યારથી સયુંકત રાષ્ટ્ર સંઘ દ્વારા ૫ જુન વિશ્વ પર્યાવર્ણદિન તરીકે ઉજવાય છે. દર વર્ષે આ દિવસે પર્યાવરણની જાળવણીને લગતા વિવિધ કાર્યકમો યોજાય, વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થાય અને કોઈ એક સૂત્ર આપવામા આવે જેના પર વર્ષ દરમ્યાન પર્યાવરણની જળવણીને લાગતા અલગ અલગ કાર્યક્રમો યોજાય.
પર્યાવરણની જાળવણી એ દરેક દેશ માટે જટિલ પ્રશ્ન બની ગયો છે. સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિક ક્ષેત્રે પ્રગતિ થતા અને ઔદ્યોગિક ક્રાંતિ આવતા પર્યાવરણની સમસ્યા વધી છે. ગ્લોબલ વોર્મિંગ, વિવિધ પ્રદુષણ,ઋતુચક્રમાં બદલાવ વગેરે. છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોઈએ છીએ કે ઋતુચક્ર બદલાઈ રહ્યું છે. વરસાદ જાતે કરવામાં આવતી તમામ આગાહીઓ ખોટી પડતી જોવાઇ રહી છે. કોઈપણ ઋતુનું એક ચોક્કસ વાતાવરણ જળવાતું નથી હોતું અને આ બધા પ્રશ્નો પર્યાવરણની જાળવણી પ્રત્યેની આપણી ઉદાસીનતા દર્શાવે છે.
આડેધડ કપાઈ રહેલા વૃક્ષો, ઉદ્યોગો અને વાહનોના ધુમાડાથી વાતાવરણમાં સતત ફેલાઈ રહેલું પ્રદુષણ આ બધુજ પર્યાવરણને નુકશાનકર્તા છે. કુદરત તરફથી મળતું સુંદર વાતાવરણ, દરિયાઓ, પહાડો, જંગલો, ઘાસિયા મેદાનો, કિંમતી જીવસૃષ્ટિ, એ માનવજાતને ઈશ્વરનું વરદાન છે અને આ બધાની યોગ્ય જાળવણી કરવી એ આપણી ફરજ છે એટલું જ નહીં પરંતુ ખુદની તંદુરસ્તી અને સ્વસ્થતા માટે પણ પર્યાવરણની જાળવણી આવશ્યક છે. આપણે જોઈએ છીએ કે ભરઉનાળે પણ અચાનક કડાકા ભડાકા સાથે કરાંની વર્ષા થાય છે, વાવાઝોડું કે ત્સુનામી જેવી ઘટનાથી માનવજીવન જોખમાય રહ્યું છે, ચામડીના રોગ તથા કેન્સર જેવા ગંભીર પ્રાણઘાતક રોગનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે એ બધુજ પર્યાવરણને થઈ રહેલા નુક્શાનનું પરિણામ છે.
દરવર્ષે વિશ્વપર્યાવરણ દિને એક થીમ નક્કી થાય છે અને એના સૂત્રો તૈયાર થાય છે. નક્કી કરેલા વિષય પર વર્ષ દરમ્યાન કામગીરી હાથ ધરાતી હોય છે. જેમ કે, વૃક્ષો વાવવા પર ફોક્સ હોય ત્યારે વૃક્ષો વાવો, જીવન બચાવો જેવા નારા ગુંજે છે અને વૃક્ષો વાવવા પર ફોક્સ કરવામાં આવે છે . આ વર્ષની થીમ હવાના પ્રદુષણને લગતી હોઈ, હવાનું પ્રદુષણ નિયંત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આધુનિક જીવનશૈલી અને અત્યંત વ્યસ્તતાને લીધે આજકાલ દરેક ઘરમાં જેટલા સભ્યો હોય એ તમામ પાસે પોતપોતાના અલગ વાહનો હોય છે. ઘર દીઠ ત્રણથી ચાર કે પાંચ વાહન એ સામાન્ય વાત છે. આમ વધતા જતા વાહનોને લીધે પેટ્રોલ-ડીઝલ, હવાનું પ્રદુષણ અને ટ્રાફિકની સમસ્યાઓમાં વધારો થયો છે. પ્રદુષિત હવા શ્વસ્તો માણસ ફેફસાં, હૃદય,આંખો અને ચામડીના રોગનો શિકાર બને છે. આપણે આપણા એશોઆરામ કે મોજશોખને ખાતર પર્યાવરણને કેટલું નુકશાન પહોંચાડી રહ્યા છીએ એનો ક્યારેય વિચાર કરીએ છીએ ખરા?આપણો દેશ જંગલોથી સમૃદ્ધ દેશ છે.
જંગલો ઋતુચક્રને જાળવી રાખતો સૌથી મોટો સ્ત્રોત છે એ આપણે જાણીએ છીએ પરંતુ ધીમે ધીમે આપણાં શોખ અને જરૂરિયાત વધતાં જંગલો નાશ પામી રહ્યા છે . અતિશય ગરમી, વરસાદની ઉણપ અને પ્રદુષણ કારણે વૃક્ષો વાવવા અને એનું જતન કરવાનો સમય પાકી ગયો છે. આજકાલ વૃક્ષો વાવવા માટે સરકારથી લઈને અલગ અલગ પર્યાવરણ માટે કામ કરતી સંસ્થાઓ તરફથી પણ અપીલ થઈ રહી છે. વૃક્ષો, પાણી, હવા, જીવસૃષ્ટિ અને પર્યાવરણને અસર કરતા દરેક પરિબળોનું જતન કરવુ અને એ રીતે માનવજીવન સુરક્ષિત બનાવવું એ આપણે જ કરવાનું છે.સરકાર કે સંસ્થાઓ પર્યાવરણની જાળવણી પાછળ સમય,શક્તિ અને નાણાં બધુજ ખર્ચી રહી છે ત્યારે આપણે પણ એમાં આપણો હિસ્સો નોંધાવીએ એ જરૂરી છે.
પર્યાવરણની જાળવણી એ માત્ર કોઈ સંસ્થા કે સરકારનીજ જવાબદારી નથી, સમાજનો એક એક માણસ આ પ્રવૃત્તિમાં જોડાય અને પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થાય એ એટલું જ જરૂરી છે. પર્યાવરણને થતું નુકશાન અટકાવી શકાય અબે વાતાવરણને વધુ શુદ્ધ બનાવી શકાય એવા કેટલાક પગલાં છે જે દરેકે અપનાવવા જોઈએ જેમકે,
અગાસી કે ઓટલા ધોવા માટે વધારે પડતા પાણીનો ઉપયોગ ન કરો.
ફૂલ છોડમાં આડેધડ પાણી છાંટવાને બદલે ટંપક સિંચાઈ પદ્ધતિ કે ફુવારા પદ્દતિનો ઉપયોગ કરવો. અથવા તો પછી બજારમાં મળતી વોટર સ્પ્રે બોટલમાં પાણી ભરીને પણ ફૂલ છોડ પર જરૂરિયાત મુજબનું જ પાણી છાંટો.
કપડાં અને વાસણના પાણી માટે એવી વ્યવસ્થા કરો કે તે આપોઆપ ફૂલ છોડના ક્યારા સુધી પહોંચે. અને તમારે ફૂલ છોડ માટે વધારાનું પાણી ન બગાડવું પડે.
અન્ય કામ કરી રહ્યા હો તો પાણીનો નળ ખુલ્લો ન રાખવો.
ઘર કે બિલ્ડિંગના કામમાં નડતા વૃક્ષોને કાપવાને બદલે ઇકો ફ્રેન્ડલી ટેકનિક અપનાવીને વૃક્ષને નુકસાન ન થાયે એ રીતે બાંધકામ કરો.
શાકભાજીના કચરાને ક્યારામાં નાખવો તે ફૂલ છોડ માટે ઉત્તમ ખાતરનું કામ કરશે. અતિશય કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા નાશ પામે છે.
વૃક્ષોનું જતન ભવિષ્યની સુરક્ષા
ઘર કે ઓફિસની આસપાસની જગ્યામાં અવકાશ હોય તો આસપાસ વૃક્ષો અવશ્ય ઉછેરવા.
ઓછી જગ્યા હોય તો કીચન ગાર્ડન પણ વિકસાવી શકાય છે.
તમારી આસપાસ ગેરકાયદે વૃક્ષ છેદન થતું હોય અતવા તો પશુ પક્ષીઓનો શિકાર થતો હોય તો તરત સંબધિત વિભાગને જાણ કરવી.
વૃક્ષો જમીનના ધોવાણને અટકાવે છે. માટે જ્યારે વૃક્ષો કાપવાની અનિવાર્યતા ઉભી થાય ત્યારે પહેલા એટલા જ વૃક્ષો ઉછેરી શકાય તેવું આયોજન કરવું જોઈએ.
આ અને આવી અનેક તકેદારી રાખીને પર્યાવરણનું જતન કરી શકાય છે. સરકાર દ્વારા પર્યાવરણની જાળવણીના ભાગરૂપે વિવિધ નિયમો જાહેર કરવામાં આવે છે જેમ કે પ્લાસ્ટિક બેગ પર સરકાર દ્વારસ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પાણીના વ્યયને ધ્યાનમાં રાખી પાણીકાપથી લઈને પાણી બચાવવાના સૂત્રો તથા જાહેરાતો પણ કરવામાં આવે છે એ જ રીતે પેટ્રોલ બચાવવા અને વાતાવરણમાં ફેલાતું પ્રદુષણ અટકાવવા પણ સરકાર કટિબદ્ધ થઈ છે પરંતુ આ અને આવી તમામ પ્રવૃતિઓમાં જ્યાં સુધી આપણે સાથ સહકાર નહિ આપીએ ત્યાં સુધી એ દરેક નિયમો, ખર્ચ અને જાહેરાતો માત્ર ઠાલી વાતો જ રહેશે.
’વિશ્વ પર્યાવરણ દિન’ નિમિતે ઠેરઠેર પર્યાવરણના જતન માટે લોકોને જાગૃત કરવાના આશયથી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. પર્યાવરણ પ્રેમીઓ આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં પર્યાવરણનું મહત્વ અને એના જતન માટે જાગૃતિ ફેલાવવાનું ઉમદા કાર્ય કરતા હોય છે.
આવો આપણે પણ જળ,જંગલ,જીવસૃષ્ટિનું જતન કરીએ અને એ રીતે માનવજીવન વધુ સ્વસ્થ બનાવવામાં આપણો ફાળો આપીએ.
કવિશ્રી ચેતન ચંદુલાલ ફ્રેમવાલાની એક રચના જે પર્યાવરણ માટે ઘણું કહી જાય છે.
પ્રદૂષણ..
બસ કરો કે શ્વાસ મુજ રૂંધાય છે,
રે, અહીં ઝેરી હવાઓ વાય છે.
સીઓટૂ, સી.એફ.સી. ને સલ્ફરો,હર તરફ વાયુ પ્રદૂષણ થાય છે.
જળ મહીં મરતા હવે તો જળચરો!
કાં રસાયણ સાગરે ઠલવાય છે.
કોક દી’, ગંગાનું જળ અમરત હતું!
બસ હવે તો માંદગી ફેલાય છે.
ધરતી-જળ દૂષિત ,કરે દૂષિત હવા,
રે, ઘડો તુજ પાપનો છલકાય છે.
ના ફિકર પર્યાવરણની આપને!
કેટલી લાગે, જો તમને હાય છે.
નિત વધે ઓઝોનનું બાકોરું,જો
કેટલા વર્ષો હવે જીવાય છે.
આંધળું છે દૂષણોનું આક્રમણ.
સંસ્કારો ક્યાં કશે દેખાય છે.
બસ જરી ઠંડક મળે ચેતન તને,
ભોગ આખી અવનીનાં લેવાય છે.
મિરર ઇફેક્ટ :
આજે જે પર્યાવરણના જતન તરફ આપણે ઉદાસીન બની રહ્યા છીએ એજ પર્યાવરણ આગળ જતાં આપણાં સ્વાસ્થ્ય અને સુખાકારીને ભરડામાં લેશે એ નિશ્ચિત છે.