- સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં રાત્રે ઠેર ઠેર હોળી પ્રગટાવાશે, હોળીની જાળના આધારે ચોમાસાનો વરતારો નકકી થાય છે: કાલે રંગે રમી કરાશે ધુળેટી મનાવાશે
આજે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં હોળીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. સુર્યાસ્ત બાદ શૂભમુહુર્ત હોલીકા દહન કરવામાં આવશે. આજે સવારથી ચોકે ચોકે છાણાની હોળી તૈયાર કરી લેવામાં આવી છે આવતીકાલે રંગોના પર્વ ધુળેટીની ઉજવણી કરવામાં આવશે. હોળી – ધુળેટી સાથે રમજાન માસની ઉજવણી પણ થઇ રહી હોય રાજયભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હોળીની જાળના આધારે ચોમાસાનો વરતારો નકકી થાય છે. હોળી ધુળેટીના પર્વને લઇ દેશભરમાં ભારે ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આજે આમ તો ફાગણ સુદ-14 છે પરંતુ સવારે 10.37 કલાકથી પુનમની તીથી શરુ થાય છે. આવતીકાલે શુક્રવારે 12.15 સુધી પુનમની તીથી છે આજે સાંજના સમયે પુનમનો ભાગ હોવાથી હોળી પ્રગટાવી શકાશે. આવતીકાલે બપોરે 12.25 કલાકે હોળાષ્ટક પુરા થશે. ત્યારબાદ શુભ કાર્યો શરુ થશે. હોળી પ્રગટયા બાદ હોળીની જાળ જે દિશામાં જાય તેના આધારે ચોમાસાનો વરતારો નકકી થતું હોય છે.
હોળીની કથા પર નજર કરવામાં આવે તો ભકત પ્રહલાદ વિષ્ણુ ભગવાનના પરમ ભકત હતા. આ વાત તેના પિતા હિરણ્ય કશ્યપને ગમતું ન હતું. આથી એક દિવસ હિરણ્ય કશ્યપે પોતાના પુત્ર પ્રહલાદને હોળીકાના ખોળામાં બેસાડી આ પ્રગટાવી દીધી હોળીકાને એવું વરદાન હતું કે તેને આગમાં બળશે નહી પરંતુ પ્રહલાદની ભકિતથી હોળીકા ભ્રસ્મ થઇ ગઇ અને પ્રહલાદને કશું જ ન થયું ત્યારથી હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. હોળીના બીજા દિવસે રંગોના તહેવાર ધુળેટીની ઉજવણી કરવામાં આવે છે. ચોટીલામાં ચામુંડા માતાજીના ડુંગર પર આજે સૌ પ્રથમ હોળી પ્રગટાવ્યા બાદ સમગ્ર પાંચળ પંથકમાં હોલીકા દહન કરવામાં આવશે. ગીરનાર પર્વત પર પણ આજે અંબાજી મંદિર ખાતે પણ હોળી પ્રગટાવવામાં આવશે.
ઈશાન ખુણામાં સારો વરસાદ થાય. 16 આની, -અગ્નિ ખુણામાં પવન વાયતો દુષ્કાળનો ભય રહે, વાયવ્ય ખુણામાં પવન વાપનો સારો વરસાદ થાય,
નૈઋત્ય ખુણામાં પવન વાય તો સાધારણ વરસાદ થાય, પશ્ચિમ દિશામાં પવન જાય તો 8 આની ચોમાસુ,દક્ષિણ દિશામાં પવન જાય તો પાક નાસ પામે,
પૂર્વે દિશામાં પવન વાય તો કયાંક વરસાદ પડે કપાંકનો પડે. 12 આની વર્ષ, ઉત્તર દિશામાં જાય તો વરસાદ સારો કહી શકાય. ધાન્ય સારું પાકે છે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો હોળીના દિવસે જે ઋતુ હોય છે તે મિશ્ર ઋતુ હોય છે કે જેમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી બને હોય છે આથી લોકોમાં કફ જન્ય બીમારીમાં વધારો થાય છે આથી હોળીનો તાપ લેવાથી તે બીમારી દૂર થાય છે ખાસ કરીને દાળિયા છે ધાણી છે તે કફને દૂર કરે છે તે ઉપરાંત હોળીમાં જે કપૂર અને લવિંગ પધરાવાથી વાતાવરણમાં રહેલા બેક્ટેરિયા દૂર થાય છે અને વાતાવરણ પણ શુદ્ધ થાય છે હોળીનો તાપ શરીરને મળવાથી શરીરમાં કફ પિત જેવી અનેક બીમારીઓ દૂર થાય છે
ખાસ કરીને હોલિકા દહન સમયે ભદ્રા હોવી જોઈએ નહીં આ વર્ષે ગુરૂવારે રાત્રિના સમયે ભદ્રા છે. પરંતુ, પંચાંગ પ્રમાણે ગુરૂવારે આવતી ભદ્રા પુણ્યવતી માનવામાં આવે છે આથી ગુરુવારે દિવસ આથમ્યા પછી રાત્રીના સમયે હોલિકા દહન કરવું શુભ ગણાશે
આજે રાત્રી હોલીકા દહન કર્યા બાદ આવતીકાલે રંગોના તહેવાર ધુળેટીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ, વિધાનસભાના અઘ્યક્ષ શંકરભાઇ ચૌધરી સહિતના મહાનુભાવોએ રાજયની જનતાને હોળી તથા ધુળેટીના પર્વની શુભકામના પાઠવી છે. વિવિધ રંગો, પીચકારી, કેસુડા, ખજુર, ધાણી અને દાળીયા સહિતની ચીજવસ્તુઓની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે.
- પ્રદોષકાળનો શુભ સમય સાંજે 6:55 થી 9.18 સુધી ચોઘડિયાં પ્રમાણે શુભ સમય
- અમૃત ચોઘડિયુ 6:55 થી 8.25 કલાક સુધી છે
- ચલ ચોઘડિયું રાત્રે 8.25 થી 9.55 સુધી સાંજે 6-55થી રાત્રે 9-55 સુધી હોળી પ્રાગટ્ય માટેનો શુભ સમય છે.
હોળીની જાળના આધારે નકકી થાય છે વરસાદનો વરતારો
* ઈશાન ખૂણામાં હોળીની જાળ જાય તો સારો વરસાદ પડે વર્ષ 16 આની રહે
* અગ્નિખૂણામાં જાળ જાય તો દુષ્કાળનો ભય રહે
* વાયવ્ય ખૂણામાં જાળ જાય તો સારો વરસાદ પડે
* નૈઋત્ય ખૂણામાં જાળ જાય તો સાધારણ વરસાદ પડે
* પશ્ર્ચિમ દિશામાં જાળ જાય તો આઠ આની વર્ષ રહે
* દક્ષિણ દિશામાં જાળ જાય તો પાકનો નાશ થાય
* પૂર્વ દિશામાં હોળીની જાળ જાય તો કયાંક વરસાદ પડે અને કયાંક ન પડે, વર્ષ સરેરાશ 12 આની રહે
* ઉત્તર દિશા તરફ જાળ જાય તો વરસાદ પ્રમાણમાં સારો પડે ધાન્યના ઢગલા થાય
* ઉપરની દિશામાં જાળ જાય તો યુધ્ધ થશય અને પ્રજા દુ:ખી થાય
* હોળીની જાળ ચારેય તરફ ફરતી રહે તો વાવાઝોડુ-વંટોળ થાય