પંચાગ મુજબ આવતીકાલે ધુળેટી, સરકારી રજા બુધવારે: શાળા-કોલેજ, બેન્કો, માર્કેટીંગ યાર્ડમાં પણ પરમ દિવસે જ રજા પાળશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે રાત્રે હોલી કા દહન કરવામાં આવશે. હોળીના બીજા દિવસે જ ઉજવવામાં આવતા ધુળેટીના પર્વને લઇ લોકોમાં થોડી અસમંજસ સર્જાઇ છે. કારણ કે હિન્દુ પંચાગ મુજબ આવતીકાલે ધુળેટી છે. જ્યારે સરકારી રજા બુધવારના દિવસે છે. લોકો બુધવારે જ રંગે રમશે. દ્વારકામાં પણ ફૂલડોલ ઉત્સવની ઉજવણી બુધવારે જ કરવામાં આવનાર છે. આજે ચોકે-ચોકે છાણાની હોળી ગોઠવી દેવામાં આવી છે.

વેંદાત રત્ન શાસ્ત્રી રાજદીપભાઇ જોશીના જણાવ્યાનુસાર આજે સોમવારે ચૌદસના દિવસે જ હોળી પ્રગટાવવી ઉત્તમ ગણાય છે. કારણ કે આજે સાંજના સમયે પ્રદેશકાળ સમયે પૂનમની તીથી છે. જે મંગળવારે નથી આથી આજે સાંજે હોલી કા દહન કરવામાં આવશે. હિન્દુ પંચાગ, જ્યોતીષ શાસ્ત્ર અને ધાર્મીક ગ્રંથોના નિયમાનુસાર આવતીકાલે મંગળવારે જ ધુળેટીની ઉજવણી કરવાનું જણાવી રહ્યા છે. આજે સાંજે 6:51 કલાકથી 8:23 કલાક સુધી ચલ ચોઘડીયામાં હોળી પ્રગટાવવાનું ઉત્તમ મુહુર્ત છે.

બીજી મુહુર્ત રાત્રીના 10:30 પછીનું હોવાના કારણે ચલ ચોઘડીયુંનું ઉત્તમ છે. ગીરનાર પર્વત, ચોટીલા ડુંગરે, અંબાજી મંદિર સહિતના ધાર્મિક સ્થળોએ આજે રાત્રે હોલી કા દહન કરવામાં આવશે. જ્યારે દ્વારકા સહિતના મંદિરોમાં આવતીકાલે જ ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. પંચાગ મુજબ કાલે ધુળેટી છે. પરંતુ સરકારી રજા બુધવારે હોવાથી તમામ શાળા-કોલેજો, બેન્કો, માર્કેટીંગ યાર્ડ સહિતની સંસ્થાઓ બુધવારે ધુળેટીની રજા પાળશે. સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં આજે હોળીની ઉજવણી કરવામાં આવશે.

આવતીકાલે બ્રેક એટલે કે ધોક્કાનો દિવસ રહેશે અને બુધવારે રંગોનો તહેવાર બુધવારે ઉજવાશે. લોકોના મનમાં ભારે અસમંજસની સ્થિતિ સર્જાઇ છે. એકાબીજાને એક જ પ્રશ્ર્ન પૂછી રહ્યા છે કે ધુળેટીની ઉજવણી ક્યારે કરવામાં આવી રહી છે.

હોળીના ઉત્સવ પાછળ કથા પણ ખૂબજ પ્રસિધ્ધ છે. હિરણ્યકશ્યપુ નામે એક રાક્ષસ હતો. તેને બધે જ હિરણ્ય એટલે કે સોનું જ દેખાય ! ભોગ વિલાસ જ એના જીવનમાં મુખ્ય હતો. તે પોતાની જાતને જ ઇશ્વર સમજતો તેથી પ્રજા પોતાના સિવાય કોઇ અન્ય ઇશ્વરને પૂજે તે તો એ કયાંથો સાંખી લે ?પરંતુ, કાદવમાં જેમ કમળ ખીલે તેમ હિરણ્યકશ્યપુને ત્યાં પ્રહલાદ નામે પરમ વિષ્ણુભકત પુત્ર જન્મ્યો. પ્રહલાદ જયારે માતાના ગર્ભમાં હતો ત્યારે તેની માતા નારદજીના આશ્રમમાં રહી હતી. ત્યાંના સંસ્કારોની અસર પ્રહલાદ પર પડી હતી.

પ્રહલાદનું અંત:કરણ ભગવદભક્તિથી ભરેલું હતું. રાક્ષસીપિતાએ તેને બદલવાના અને વિષ્ણુ ભક્તિ કરતો અટકાવવાના અનેક પ્રયાસો કર્યા. પણ બાળકને બદલવામાં સમર્થ રહ્યો નહીં છેવટે તેણે પ્રહલાદને મારવાના પ્રયત્નો શરૂ કર્યા. એ અનેક પ્રયત્નોમાંનો એક એટલે તેને જીવતો જ અગ્નિમાં બાળી મૂકવો. પ્રહલાદ અગ્નિમાંથી ઊઠીને ભાગી ન જાય તે માટે તેને ફોઇ હોલિકાના ખોળામાં બેસાડયો. હિરણ્યકશ્યપુુની બહેન હોલિકાને વરદાન હતું કે અગ્નિ તેને બાળશે નહીં. ભાઇના આગ્રહને વશ થઇને હોલિકા બાળક પ્રહલાદને ખોળામાં લઇને બેઠી પરંતુ પરિણામ કંઇક જુદું જ આવ્યું હોલિકા બળીને ભસ્મ થઇ ગઇ અને વિષ્ણુભકત પ્રહલાદ હસતો હસતો અગ્નિની બહાર આવ્યો. ત્યારથી હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે.

સોમનાથ મંદિર પરિસરમાં પથિકાશ્રમ ગ્રાઉન્ડ ખાતે આજે  સાંજે 7:45 કલાકે હોલિકા દહનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ટ્રસ્ટની ગીરગાય માતાનું ઘી.. ગૌ માતાના પવિત્ર છાણમાંથી બનતા છાણા.. ભીમસેન કપુર, પવિત્ર સમીધ કાષ્ટ અને ધૂપ તેમજ જડીબુટ્ટી સાથે સોમનાથ મંદિર ના પૂજારી શ્રી દ્વારા હોલિકા પૂજન અને પછી હોલિકા પ્રજ્વલિત કરવામાં આવશે.આ રીતે વૈદિક હોલિકા દહન સાથે વિજ્ઞાન જોડાયેલ છે. ગીર ગાય ના છાણા અને ઘી પ્રજ્વલિત કરાતા ઓક્સિજન વાયુ ની શુદ્ધિ થાય છે. સાથે કપુર અને જડીબુટ્ટી ગાયના ઘી અને છાણા સાથે પ્રજ્વલિત થતા જીવાણુ જન્ય રોગો ની ઉત્પતિ અટકે છે. સાથે  હોલિકાની પ્રદક્ષિણા કરતા વાત પિત્ત અને કફ ત્રણ દોષોનું શમન થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.