વિજ્ઞાન ભવનમાં આજે 31મી જીએસટી કાઉન્સિલની બેઠક નાણાપ્રધાન અરુણ જેટલીની અધ્યક્ષતામાં મળી રહી છે.
વિજ્ઞાન ભવનમાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં સૌથી વધુ 28 ટકાના ટેક્સ સ્લેબને જેને તર્કસંગત બનાવવાની ચર્ચા ચાલી રહી છે. અગાઉ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 1,200 થી વધુ વસ્તુઓ અને સેવાઓમાં 99 ટકાથી વધુ જીએસટીમાં 18 ટકા અથવા ઓછુ GST લાગશે.
વાહનના ટાયર પર 28 ટકા જીએસટી સામાન્ય માણસને અસર કરે છે. આ રીતે, જીએસટી કાઉન્સિલની બેઠકનો મુખ્ય હેતુ સામાન્ય માણસ પરના જીએસટીના બોજને ઘટાડવાનો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ૨૨૬ વસ્તુઓ અને સેવાઓ 28 ટકાના ઊંચા ટેક્સ સ્લેબ હેઠળ આવે છે. અહેવાલ અનુસાર હવે જીએસટીના આ ટોપ સ્લેબમાં ૨૨૬ આઇટમની જગ્યાએ માત્ર ૩૫ આઇટમ જ રહેશે.
સોફ્ટ ડ્રિંક, સિગારેટ, પાન મસાલા અને તમાકુ પ્રોડક્ટ પણ તેમાંથી બહાર થઇ જશે, જ્યારે વિમાન, રિવોલ્વર અને પિસ્તોલ જેવી ચીજવસ્તુઓ 28 ટકાના સ્લેમાં રાખવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સિમેન્ટ અને ટાયર જેવી પ્રોડક્ટ પર કાઉન્સિલ ટેક્સ ઘટાડી શકે છે. આ ઉપરાંત ઘરેલુ વપરાશની ચીજવસ્તુ પર પણ ટેક્સ ઘટી શકે છે.
આ નિર્ણયના કારણે સરકારની આવકમાં રૂ. ૨૦ હજાર કરોડ સુધીનો ઘટાડો થઇ શકે છે. જીએસટી કાઉન્સિલ ૬૮ સે.મી. સુધીના કમ્પ્યૂટર મોનિટર પર જીએસટી ઘટાડી શકે છે. પાવર બેન્ક પણ ૧૮ ટકાના ટેક્સ સ્લેબમાં આવી શકે છે.
વીડિયો ગેમ કન્સોલ, ટ્રેક્ટર ટ્રોલી, ડિશ વોશર, વીડિયો કેમેરા રેકોર્ડર, મોપેડ પર પણ જીએસટી ઘટી શકે છે. જીએસટી કાઉન્સિલમાં ફૂડ પ્રોસેસિંગ મંત્રાલયે અથાણાં, ટોમેટો પ્યુરી જેવી ચીજો પર પણ જીએસટી હટાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.