પોઈન્ટમાં બંને ટીમ સરખી રહી પણ હૈદ્રાબાદની ટીમ વધુ મજબૂત ટીમ હોવાનો દાવો

ચાહર અને લુન્ગી નિદીનીના પુનરાગમન બાદ ધોનીની ટીમની બોલિંગ વધુ વેધક બની

મેચ આજે એક કલાક વહેલો શરુ થવાથી સાંજે ૭ વાગે જીવંત પ્રસારણ

બે ભૂતપૂર્વ ચેમ્પિયન ટીમોમાં પોઈન્ટ-કોષ્ટકમાં મોખરાના સ્થાને રહેતી સનરાઈઝર્સ હૈદરાબાદ (એસ. એચ.) અને બીજા ક્રમની ચેન્નઈ સુપર કિંગ્સ (સી. એસ. કે.) વચ્ચે આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની ટ્વેન્ટી-૨૦ સ્પર્ધાની અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે મંગળવારે રમાનારી ક્વોલિફાયર-૧ મેચમાં મુંબઈના ક્રિકેટરસિકોને રસાકસીભર્યો અને રસપ્રદ મુકાબલો જોવા મળવાની આશા રખાય છે.સ્પર્ધાના લીગ તબક્કાની મેચોની સમાપ્તિ પછી બંને ટીમ વચ્ચે નેટ રન-રેટનો સહેજનો તફાવત રહે છે અને આગામી મેચની વિજેતાને ફાઈનલમાં સીધો પ્રવેશ અપાશે, જે પણ વાનખેડે સ્ટેડિયમ ખાતે ૨૭મી મેએ યોજાનાર છે. પરાજિત ટીમને ૨૫મી મેએ કોલકાતા ખાતે ક્વોલિફાયર-૨ મેચમાં રમવાનો મોકો મળશે.

ચેન્નઈની ટીમને મેચમાં રમવા ઊતરવા પહેલા થોડો લાભ રહેલો છે કે તેણે લીગ તબક્કામાં હૈદરાબાદની ટીમને બે વેળા હરાવી છે અને વિજયના વેગમાં તે રમી રહી છે.ચેન્નઈની ટીમે રવિવારે રાતે પુણેમાં પોતાના સ્વીકારાયેલા ઘરઆંગણેના નવા મથકે કિંગ્સ ઈલેવન પંજાબને હરાવી સ્પર્ધામાં આગેકૂચ કરી છે.

બીજી તરફ, હૈદરાબાદની ટીમ ગઈ ૧૦મી મેએ દિલ્હી ડેરડેવિલ્સ (ડી. ડી.) સામે જીતી સ્પર્ધામાં નોક-આઉટ તબક્કામાં પ્રવેશ મેળવી લીધા પછી તેની છેલ્લી ત્રણ મેચ હારી ગઈ હતી અને સ્પર્ધામાં લીગ હિસ્સાની છેવટની મેચોમાં તે બહુ પ્રભાવશાળી રમત દેખાડી શકી નથી તથા અમુક અંશે તેનું બહુ પંકીત બોલિંગ આક્રમણ પણ છેલ્લી ત્રણ મેચમાં નબળું દેખાયું હતું.હકીકતમાં, ચેન્નઈની ટીમે ગઈ ૧૩મી મેએ પુણે ખાતે વિજય મેળવી હૈદરાબાદની ટીમની છ મેચની વિજયકૂચને અટકાવી દીધી હતી

.હૈદરાબાદની ટીમનો આધાર બિલકુલ તેના કેપ્ટન કેન વિલિયમસન ઉપર રહ્યો છે, જે હાલ તેના શ્રેષ્ઠ બેટિંગ ફોર્મમાં રમતા મેચ દીઠ ૬૦ રનથી પણ વધુની સરેરાશ સાથે કુલ ૬૬૧ રન નોંધાવી સ્પર્ધામાં સૌથી વધુ રનકર્તાઓમાં બીજા ક્રમે રહે છે. ફક્ત વિલિયમસન અને ઝળકવામાં થોડો સમય લીધેલ શિખર ધવન (૪૩૭)એ હૈદરાબાદની ટીમ વતી સતત સારો બેટિંગ દેખાવ કર્યો છે અને તેની બોલિંગ માટે છેલ્લી થોડી મેચને બાકાત કરતા બહુ ચર્ચા થઈ હતી.હૈદરાબાદની ટીમ તેના મધ્યમ ક્રમના અને ખાસ કરીને મનીષ પાંડે તરફથી ચેન્નઈની બોલિંગ સામે વધુ જવાબદારી સંભાળી લેવાની આશા કરે છે.હૈદરાબાદની ટીમનો બોલિંગમાં મુખ્ય આધાર ભુવનેુશ્વરકુમર સિદ્ધાર્થકો્લા;જેવા તેના બોલરોેરહેલા અને તેનું સ્પિન બોલિંગનું આક્રમણ રશીદ ખાન તથા શકિબ અલ હસન જેવા વિદેશી ખેલાડીએ સંભાળ્યું છે.પણ, હૈદરાબાદના બોલરોએ હરીફ ટીમના બેટધરો અને ખાસ કરીને હાલ પોતાના સારા ફોર્મમાં રમી રહેલા અંબાતી રાયડુને કાબૂમાં રાખવા માટે યોજના પ્રમાણે ગોલંદાજી કરવાની રહેશે.

રાયડુએ બંને ટીમ વચ્ચે રમાયેલી છેલ્લી મેચમાં ઝમકદાર સદી ફટકારી પોતાની ટીમને જીતાડી હતી. તેણે બંને પક્ષ વચ્ચેની પહેલી મેચમાં પણ અણનમ ૭૯ રન કર્યા હતા.ચેન્નઈની ટીમની સફળતાનો મુખ્ય મુદ્દો એ છે કે તેણે ફક્ત એકાદ-બે બેટ્સમેન ઉપર પોતાનો આધાર રાખ્યો નથી, પણ રાયડુ કુલ ૫૮૬ રન કરી ટીમનો મુખ્ય રનકર્તા રહ્યો છે.૧૩ મેચમાં રમી કુલ ૪૩૮ રન કરી શેન વોટસને પણ સુકાની મહેન્દ્રસિંહ ધોની જોડે સારું બેટિંગ ફોર્મ દાખવ્યું છે તથા પંજાબ સામે રવિવારની મેચમાં ભવ્યપણે અણનમ ૬૧ રન કરેલ ટીમના મુખ્ય બેટધર સુરેશ રૈનાનું ફોર્મ પણ ટીમ માટે પ્રોત્સાહનકારક રહ્યું છે

.રવિવારની મેચમાં ૧૦ રનમાં ચાર વિકેટ ઝડપી મેન ઑફ ધ મેચનો એવોર્ડ મેળવેલ દક્ષિણ આફ્રિકાના યુવાન ખેલાડી લુન્ગી નિદીનું ઝડપી બોલિંગનું પ્રદર્શન પણ ચેન્નઈની ટીમ માટે સમયસર લાભદાયી બન્યું હતું.ચેન્નઈ માટે શાર્દુલ ઠાકુર, દીપક ચહર અને ડ્વેઈન બ્રાવોનો પણ ફાસ્ટ બોલિંગમાં થોડો ફાળો રહ્યો છે અને પીઢ હરભજન સિંહ તથા રવીન્દ્ર જાડેજા મધ્યમની ઓવરોમાં સ્પિન બોલિંગનું આક્રમણ સંભાળશે.નોક-આઉટ તબક્કાની મેચો માટે રમતનો સમય એક કલાક વહેલો કરવામાં આવ્યો છે અને મેચ સાંજે ૭ વાગ્યાથી રમાશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.