આજની ઘડી તે રળીયામણી, ર્માં લક્ષ્મી આવ્યાની વધામણી રે……..
શહેરમાં રોશનીનો ઝળહળાટ, ભારે ભીડની ભભક, ગ્રાહકો અને વેપારીઓમાં ખુશીનો માહોલ: આજે માં લક્ષ્મી અને ભગવાન ધન્વતરીની સાધના કરવાનો અમૂલ્ય અવસર
અબતક-રાજકોટ
પ્રકાશનું પંચ પર્વ ‘દિવાળી’ની ઉજવણીની શરૂઆત આશોવદ-11 એટલે કે રમા એકાદશીથી થાય છે. જ્યારે આશો વદ-30 (અમાસ) એટલે કે દિપાવલી એ વિક્રમ સંવત પ્રમાણે વર્ષનો અંતિમ દિવસ ગણાય છે.
ભારતીય પરંપરામાં ‘દિપાવલી’ પર્વનું અનેરૂં મહત્વ છે અને તેમાં પણ આજે ધનતેરસ એટલે ભગવાન ધનવંતરી જયંતિ. આરોગ્યના દેવ ભગવાન ધનવંતરીનું આજે પૂજન-અર્ચન કરવામાં આવે છે અને આરોગ્ય સુખાકારી માટે કામના, પ્રાર્થના કરવામાં આવે છે. તેવી પણ એક માન્યતા છે. ઉપરાંત ધનતેરસ અંગે જુદી-જુદી માન્યતાઓ પ્રચલીત છે. એક માન્યતા પ્રમાણે ધન ને શુદ્વ કરવાનો દિવસ એટલે ધનતેરસ. જેમાં માતા લક્ષ્મીજીનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. જ્યારે મનુષ્યને મળેલ ધનને સતકર્મોમાં વાપરવામાં આવે તે પણ ધનની શુદ્વિ થતી હોવાનું તજજ્ઞો માને છે. પરંતુ ધનતેરસે ખરીદીનું પણ એટલું જ મહત્વ છે.
જો કે કોરોના કાળ બાદ એટલે કે આ વર્ષે સરકાર દ્વારા મળેલી થોડી છૂટછાટથી લોકોમાં દિવાળી ઉત્સવ ઉજવણી કરવામાં બળ મળ્યું છે. ઉપરાંત નાના-મોટા વેપારીઓમાં પણ ઉમંગ જોવા મળે છે.
શહેરની બજારો છેલ્લાં ત્રણ-ચાર દિવસથી દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેર ઠેર-ઠેર રોશનીથી ઝળહળી રહ્યું હોય તેવો માહોલ સર્જાયો છે અને લોકો ખરીદી માટે તક્ષપીડ કરી રહ્યાં હોય તેમ દુકાનોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. આજે ધનતેરસના દિવસે સોના-ચાંદીના વેપારીઓમાં પણ મોટા પ્રમાણમાં ખરીદી થશે તેવી વેપારીઓ પણ આશા રાખી રહ્યા છે. જ્યારે દેવમંદિરોમાં પણ ભક્તોની ભીડ જામે છે અને આજે ઠેર-ઠેર ભગવાન ધનવંતરીનું પૂજન-અર્ચન થશે.
જ્યારે આવતીકાલે બુધવારે કાળી ચૌદશ એટલે કે હનુમાનજી મહારાજની ઉપાસના કરવાનો શ્રેષ્ઠ દિવસ છે.જો કે હિન્દુ ધર્મ પંચાગ અને જ્યોતિષીઓના મતે આવતીકાલે પણ ધનતેરસ અને કાળી ચૌદશ સાથે મનાવવામાં આવશે. આજે ધનતેરસ છે જે આવતીકાલે સવારે 9:02 મીનીટ સુધી રહેશે ત્યારબાદ કાળી ચૌદશની તીથી રહેશે. શહેરની બજારોમાં બાળકો, યુવાનો તેમજ વૃદ્વો માટેની વિવિધ ખરીદીઓ માટે જામતી ભારે ભીડથી વેપારીઓ પણ આનંદમાં આવ્યા છે. ધર્મેન્દ્ર રોડ પરના એક વેપારીએ ‘અબતક’ને જણાવ્યું હતું કે દિવાળી પર્વ પૂર્વે તમામ બજારોમાં થોડી નીરાશાના વાદળો છવાયા હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ છેલ્લા ત્રણેક દિવસથી ખરીદી અને વેપારમાં પણ ધાર્યા કરતા વધારે વૃદ્વિ દેખાઇ રહી છે અને લોકો આનંદભેર દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. આવતીકાલે બુધવારે ચિત્રા નક્ષત્રમાં કાળીચૌદશ ઉત્તમ છે. આસો વદ તેરસને બુધવારે તા.3 નવેમ્બર સવારે 9:00 વાગ્યા સુધી તેરસ તિથિ છે. ત્યારબાદ ચૌદશ તિથિનો પ્રારંભ થાય છે આથી બુધવારે આખો દિવસ અને રાત કાળી ચૌદશ છે તેમજ કાળી ચૌદશના દિવસે ચિત્રા નક્ષત્ર આ વર્ષે ઉત્તમ છે.
કાળી ચૌદશને રૂપચતુદર્શી નરક ચતુદર્શી, વૈકુંઠચતુદર્શી અને કાળ ચતુદર્શી પણ કહેવામાં આવે છે.
કાળી ચૌદસના દિવસે સવારે નિત્ય કર્મ કારી તલનું તેલ શરીરે ચોપડી ત્યારબાદ સ્નાન કરવાની અભ્યગ સ્નાન કહેવાય છે, ત્યારબાદ પિતૃતર્પણ કરી શકાય, કાળી ચૌદશના દિવસે દરેક તેલમાં મહાલક્ષ્મીનો વાસ હોય છે અને જળમાં ગંગાજીનો વાસ હોય છે. આથી તેલ ચોપડી સ્નાન કરી અને તર્પણ કરવાથી પિતૃઓના આશિર્વાદ મળે છે.
કાળી ચૌદશના દિવસે સુરાપુરા અને કુળદેવીને નેવેદ્ય ધરાવાનું પણ મહત્વ છે. કાળી ચૌદશના દિવસે કરેલ મંત્ર ઉપાસના જલદી સિદ્ધ થાય છે. કાળી ચૌદશના દિવસે હનુમાન ચાલીસાના 11 પાઠ કરવા અથવા તો સુન્દરકાંડના પાઠ કરવા જોઈએ તે ઉપરાંત કાલ ભૈરવ ઉપાશના બગલામુખી ઉપાસના કરવી ઉત્તમ છે.
આ વખતે કાલી ચૌદશના દિવસે નૈવેધ ધરવા માટે આખો દિવસ અને રાત્રી શુભ
કાળી ચૌદસના દિવસે સાંજના સમયે ઘરમાં મંદિર પાસે યમદેવના 14 તેલના દીવા કરવા પ્રાર્થના કરવી તમારા પરિવારજનોને અને મને યમ યાતનાનો મળે આમ કરવાથી યમ યાતના મળતી નથી અને રક્ષા પણ થાય છે અને આરોગ્ય પણ સારું રહે છે, ધન, મકર, કુંભ રાશીના લોકોને સાડા સાતી ચાલી રહી છે . તેમણે હનુમાનજીની ઉપાસના કરવી જેનાથી પનોતીમાં રાહત મળે છે. શાસ્ત્રી રાજદીપ જોષી ( વૈદાંત રત્ન)