સોના-ચાંદી, વાહનો ખરીદી માટે લોકોનો ધસારો: મંદિરોમાં લક્ષ્મીપૂજન: શ્રદ્ધાળુઓ દ્વારા શ્રીસુકત અને મહાલક્ષ્મ્યષ્ટકમ સ્તોત્રનું પઠન: આ દિવસે સુખી સ્વાસ્થ્યના ઉપાયો બતાવતા ધન્વંતરી આયુર્વેદ કહેવાયા
દિવાળીના તહેવારનો ઉલ્લાસભેર પ્રારંભ થઈ ચુકયો છે ત્યારે આજે ધનતેરસનું અનેરું મહત્વ છે. આજના દિવસે મંદિરોમાં તેમજ લોકોના પોતાના ઘરે લક્ષ્મીપૂજન કરી ધન અને આરોગ્યની સુખાકારી માટે પ્રાર્થના કરશે.
આ દિવસે સમુદ્રમંથનમાં લક્ષ્મીજી પ્રગટ થયા હતા અને વિષ્ણુજીને વર્યા હતા. મંથનમાં ધન્વંતરી પણ અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા એ રીતે ધનતેરસ ધન અને આરોગ્યમાં વૃદ્ધિ કરવાનો ઉતમ દિવસ છે.
આ દિવસે સોના-ચાંદીના દાગીના, નવા વાહનો, ઈલેકટ્રોનિકસ વસ્તુઓ વગેરેની ખરીદી શુભ મનાય છે. આજના પવિત્ર દિવસે શ્રદ્ધાળુઓ દ્વારા શ્રીસુકત અને શ્રીમહાલક્ષ્મ્યષ્ટકમ સ્તોત્રનું પઠન તેમજ શ્રીયંત્ર, કુબેરયંત્ર વગેરેનું પૂજન કરવામાં આવશે. આ દિવસે કુબેર યંત્રની સ્થાપના કરી નિયમિત પૂજન કરવાથી ભાગ્યવૃદ્ધિ અને ધનની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
આ દિવસ આરોગ્યનું સુખ પામવાનો છે. ધનતેરસે ધન્વંતરીએ સ્વાસ્થ્ય માટે ઉપાયો બતાવ્યા જેથી તેઓ આયુર્વેદ કહેવાયા. ધનતેરસના બીજા દિવસે એટલે કે કાલી લોકો કાળીચૌદશ મનાવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વે દેશવાસીઓને ધનતેરસ પર્વની હૃદયપુર્વકની શુભકામના પાઠવી છે. સૌનો સાથ સૌનો વિકાસ થકી દેશના નાગરિકો ભારતની પવિત્ર ભૂમિમાં કર્તવ્યનિષ્ઠ ફરજો બજાવી પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી સમગ્ર વિશ્ર્વમાં દેશનું ગૌરવ વધારે તેવી શુભેચ્છા આપી છે. ધન અને આરોગ્યમાં સતત વૃદ્ધિ થાય તેવી પ્રાર્થના સમગ્ર દેશવાસીઓ માટે કરી શુભેચ્છા આપી છે.