ભવ્ય આતશબાજી સાથે દશાનન, કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરાશે: સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર રાવણ દહનના કાર્યક્રમો નિહાળવા જનમેદની ઉમટશે: રાવણ દહન સાથે સમાજમાં વ્યકિત‚પે રહેલા દીન, હીન, લાચાર, લાલચ સહિતની ભોગવૃતિઓ થશે ભસ્મીભુત: રાજપુત સમાજ દ્વારા શાસ્ત્રોકત વિધિથી યોજાશે શસ્ત્રપૂજન: ફાફડા અને જલેબી ખાઈ લોકોએ કરી વિજયાદશમીની ઉજવણી: વિહિપ-બજરંગદળ દ્વારા રાત્રે રેસકોર્સ ખાતે ફાયરબ્રિગેડ અને સલામતી વચ્ચે રાવણદહન કાર્યક્રમ
નવલી નવરાત્રીના નવ દિન બાદ દશમા દિવસને દશેરા એટલે કે વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ પુરાતનકાળથી જ વીરતા અને શોર્યની પૂજક રહી છે. વિજયની ભાવના દરેક યુગમાં રહી છે. ભગવાન શ્રી વિષ્ણુના લીધેલા દરેક યુગના અવતારોમાં અસુરો પર પ્રભુએ વિજય મેળવીને સમાજ જીવનને દૂષિત થતો અટકાવ્યો છે. આથી જ વ્યકિતમાં અને વ્યકિત થકી સમાજમાં વીરતા પ્રગટ થાય તે માટે દશેરા-વિજયાદશમીનો ઉત્સવ ઉજવાય છે.
સતત નવ-નવ દિવસ સુધી શકિતની ઉપાસના કર્યા બાદ દશમે દિવસે શત્રુનો સંહાર કરવા શકિત પ્રેરણા આપે છે. ભગવાન શ્રીરામચંદ્રજીના યુગથી જ વિજયા દશમીનો દિવસ એ વિજયનું પ્રતિક બન્યો છે. સમાજમાં વ્યકિત‚પે રહેલા ભોગ વિલાસની વૃતિને ડામવા માટે મનના સદગુણો‚પી શકિતથી કટિબઘ્ધ થવાનો પાવન દિવસ, સમાજને પોતાના સતકાર્યોની સુગંધથી મહેકાવવાનો દિવસ, પરાક્રમને પૂજવાનો દિવસ તેમજ ભકિત અને શકિતનું મિલન કરતાવતો દિવસ એટલે પાવન વિજયા દશમીનો દિવસ. એક માન્યતા પ્રમાણે એવું માનવામાં આવે છે કે અશ્ર્વિન શુકલ દશમીના રોજ તારો ઉદય થતા એ સમય ‘વિજય’ નામનો કાળ હોય છે. આ કાર્ય સર્વકાર્ય માટે સિદ્ધિદાયક હોય છે. તેથી પણ તેને વિજયાદશમી કહેવાય છે. પૌરાણિક મહત્વ પ્રમાણે શત્રુ ઉપર વિજય મેળવવા માટે આ દિવસે પ્રસ્થાન કરવું જોઈએ. આ દિવસે શ્રવણ નક્ષત્રનો યોગ વધુ શુભ હોય છે. લગભગ ચારસો વર્ષથી ઉજવાતો આ ઉત્સવ ભારત સિવાય પૂર્વના ધણ દેશોમાં પણ ઉજવાય છે. નેપાળનો એ રાષ્ટ્રીય ઉત્સવ છે.
દશેરાએ અધર્મ પર ધર્મનો, અંધકાર પર પ્રકાશનો, અહંકાર પર સારપનો તેમજ અસત્ય પર સત્યના વિજયનો તહેવાર છે. આસો સુદ દશમના દિવસે રામે રાવણ પર વિજય મેળવ્યો હતો. મહિષાસુર નામના રાક્ષસનો પણ દશેરાના દિવસે જ સંહાર કરવામાં આવ્યો હતો. પાંડવોએ પણ વનવાસના તેરમાં વર્ષમાં ગુપ્તવાસ દરમિયાન સમી વૃક્ષ પર સંતાડેલા પોતાના હથિયારો દશેરાના દિવસે સજયા હતા અને કૌરવોને હરાવી હરણ થયેલી ગાયોને છોડાવી હતી. શિવાજીએ પણ ઔરંગઝેબને હરાવવા માટે દશેરાના દિવસે પ્રયાણ કર્યું હતું.
મહારાષ્ટ્રમાં દશેરાને ‘શિલંગણ’ તરીકે દક્ષિણીઓ તેને ‘દુસેરા’ તરીકે તેમજ તેલુગુ લોકો ‘બતકમ્વા’ તરીકે ઓળખે છે. આપણે ત્યાં વિજયા દશમીના દિવસે ગલગોટાના ફુલોનું તોરણ અને લીંબુ-મરચાનો જૂડો બાંધવામાં આવે છે. તેમજ વાહનોનું પુજન પણ કરવામાં આવે છે. ઉપરાંત ક્ષત્રિય લોકો તેમના અસ્ત્ર-શસ્ત્રોનું વિધિપૂર્વક પુજન કરે છે.
આજે આસો સુદ દશમ એટલે કે વિજયા દશમીના પાવન દિવસે ઠેર-ઠેર ભવ્ય આતશબાજી સાથે રાવણ દહનના કાર્યક્રમો યોજાશે.
ઉપરાંત લોકો મિષ્ટ ભોજન બનાવી દશેરાની ઉજવણી કરશે. રાજકોટ શહેરમાં પણ રેસકોર્સ મેદાન ખાતે ગુજરાતના સૌથી ઉંચા ૫૫ ફુટના દશાનનું દહન કરવામાં આવશે.
સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર ભવ્ય આતશબાજી સાથેના કાર્યક્રમને નિહાળવા જનમેદની ઉમટી પડશે. રાવણ દહનથી હર્ષોલ્લાસ છવાઈ જશે.