24 વર્ષ બાદ આજે એવો સંયોગ આવ્યો કે ગુરુ અને શુક્ર શુભ સ્થિતિમાં ન હોવાને કારણે લગ્ન જેવા કાર્યો થશે નહીં
અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ જે દિવસે વણજોયું મુહુર્ત હોય છે. આ પાવન દિવસે કોઈ પણ શુભકાર્ય મુહૂર્ત જોયા વગર કરી શકાય છે. પણ 24 વર્ષ બાદ એવો સંયોગ આવ્યો છે કે આ દિવસે શુભ માંગલિક પ્રસંગ નહીં થઈ શકે.
હિન્દૂ ધર્મમાં અખાત્રીજને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે જે વૈશાખ મહિનામાં આવે છે. પંચાંગ અનુસાર, અખાત્રીજનો તહેવાર દર વર્ષે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ ઉજવવામાં આવે છે, આ વખતે આ તિથિ 10 મે એટલે કે આજે શુક્રવારે ઉજવવામાં આવી રહી છે.
આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને સોનાની ખરીદી પણ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે અખાત્રીજના દિવસે સોનું ખરીદવાથી ધનમાં વધારો થાય છે. આ દિવસે સ્નાન અને દાન કરવાની પણ પરંપરા છે. ઉપરાંત આજે મિલકત ખરીદવાનો પણ રિવાજ છે.
તૃતીયા 10મી મેના રોજ આવી રહી છે. અક્ષત તૃતીયાને અબુઝ મુહૂર્ત કહેવામાં આવે છે, આ દિવસે મુહૂર્ત વિના પણ લગ્ન નક્કી કરવામાં આવે છે. આ વખતે અક્ષય તૃતીયાના દિવસે ગુરુ અને શુક્ર શુભ સ્થિતિમાં ન હોવાને કારણે લગ્ન વગેરે જેવા શુભ કાર્યો થશે નહીં. લગ્નના શુદ્ધ અને શુભ સમય માટે જુલાઈ સુધી રાહ જોવી પડશે. લગ્ન માટે ગુરુ અને શુક્રના નક્ષત્રોની સ્થિતિ સારી હોવી જરૂરી છે. દરવર્ષે અક્ષય તૃતીયાને અબુઝ મુહૂર્ત માનવામાં આવતું હોવાથી આ દિવસે યુવક-યુવતીઓના લગ્ન કોઈપણ મુહૂર્ત વિના પણ કરવામાં આવે છે. પરંતુ આ માટે ગુરુ અને શુક્ર બે ગ્રહો ઉદિત હોવા જરૂરી છે.
સોના-ચાંદી તથા મિલકતની ખરીદી અને
ગૃહ પ્રવેશ સહિતના શુભકાર્યો માટે આજનો દિવસ શ્રેષ્ઠ
જ્યોતિષશાસ્ત્રોમાં અક્ષય તૃતીયા તિથિને સ્વયં સિદ્ધ અબુઝ શુભ મુહૂર્ત ગણવામાં આવ્યું છે. એટલે કે આ તિથિએ શુભ સમયને ધ્યાનમાં લીધા વિના તમામ પ્રકારના શુભ કાર્યો પૂર્ણ કરી શકાય છે. આ દિવસે લગ્ન, ગૃહપ્રવેશ, સોના-ચાંદીના દાગીની ખરીદી જેવા કોઈપણ શુભ કાર્ય કરી શકાય છે. મકાન, પ્લોટ કે વાહન વગેરેની ખરીદીને લગતા કામ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે આ અબુઝ મુહૂર્તની તિથિએ વેપારની શરૂઆત, ગૃહપ્રવેશ, વૈવાહિક કાર્યો, અનુષ્ઠાન, દાન, પૂજા વગેરે કરેલાં કાર્યો અવિનાશી રહે છે એટલે કે તેનો ક્યારેય નાશ થતો નથી.