ચક્રવાત નિવાર તોફાનમાં ફેરવાયુ: તમિલનાડુ અને પોન્ડિચેરીના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ, સાર્વજનિક રજા જાહેર
બંગાળની ખાડીને સ્પર્શતા તામિલનાડુ અને પુડુચેરીના સમુદ્રી તટો પર આજે બપોરે સાઈક્લોન નિવાર ટકરાશે. આ દરમિયાન ૧૦૦થી ૧૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે આજે તામિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદની ચેતવણી પણ આપી છે અને રેડ એલર્ટ જારી કર્યુ છે.
સાઈક્લોન નિવાર આવવાની અસર તામિલનાડુ અને પુડુચેરીમાં દેખાવા લાગી છે. ત્યાં અત્યારથી સુસવાટા મારતો પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગના અનુસાર, ચક્રવાત નિવાર બુધવારે સાંજે ૫ વાગ્યા આસપાસ તામિલનાડુ અને પુડુચેરીના તટ પર ટકરાઈ શકે છે.
ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી બંગાળની ખાડીમાં સાઈક્લોન સિઝન રહે છે. તેમાં પણ ઓક્ટોબર અને નવેમ્બરમાં કોર એક્ટિવિટી રહે છે. આ કારણથી આ મહિનાઓમાં સાઈક્લોન આવવાની આશંકા વધુ રહે છે. ભારતમાં વર્ષભરમાં બે વાર મે-જૂન અને ઓક્ટોબર-નવેમ્બરમાં ચક્રવાત બનવાની સંભાવના સૌથી વધુ રહે છે. મે-જૂનમાં આપણે ત્યાં અમ્ફાન અને નિસર્ગ તોફાનો આવ્યા હતા.
ભારત અને દુનિયાભરના તટિય વિસ્તાર હંમેશા ચક્રવાતો સામે ઝઝૂમતા રહે છે. તટીય વિસ્તારો એટલે કે એવા વિસ્તારો કે જે સમુદ્રના કિનારે હોય. ચક્રવાતને અલગ અલગ જગ્યાના હિસાબે અલગ અલગ નામથી ઓળખ આપવામાં આવે છે. સાઈક્લોન, હરિકેન અને ટાઈફૂન, આ ત્રણેય ચક્રવાતી તોફાન હોય છે. ઉત્તરીય એટલાન્ટિક મહાસાગર અને ઉત્તર-પૂર્વ પ્રશાંતમાં આવતા તોફાનોને હરિકેન કહેવામાં આવે છે.