કાલે વોર્ડ નં.૯ (પાર્ટ), ૧૦ (પાર્ટ), ૧૭ (પાર્ટ) અને ૧૮ (પાર્ટ)માં પાણી વિતરણ બંધ
દિવાળીના તહેવાર ટાઈમે જ નર્મદાના ધાંધીયા સર્જાવાના કારણે શહેરમાં પાણીની હોળી સર્જાય છે. આજે પાંચ વોર્ડમાં પાણી કાપ ઝીંકવામાં આવ્યો છે તો આવતીકાલે શનિવારે ૪ વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેશે તેવી જાહેરાત મહાપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવી છે.
ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ દ્વારા નર્મદા કેનાલની ૩૩ પાઈપલાઈન ઉપર સ્કાવર વાલ્વ રીપેરીંગ માટે આકસ્મિક શર્ટ ડાઉન લેવામાં આવ્યું છે જેના કારણે મહાપાલિકાને રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ ખાતે આજે પુરતા પ્રમાણમાં નર્મદાના નીર ન મળવાના કારણે રૈયાધાર ફિલ્ટર આધારીત ગાંધીગ્રામ વિસ્તારમાં વોર્ડ નં.૧ (પાર્ટ) અને વોર્ડ નં.૨ (પાર્ટ) જયારે ચંદ્રેશનગર હેડ વર્કસ આધારીત અને મવડી (પુનિતનગર) હેડ વર્કસ આધારીત વોર્ડ નં.૧૧ (પાર્ટ) અને વોર્ડ નં.૧૩ (પાર્ટ)ના એવા વિસ્તારો કે જયાં બપોરે ૨ વાગ્યા પછી પાણી વિતરણ કરવામાં આવે છે
ત્યાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું. દરમિયાન ગઈકાલે માત્ર ઉકત ૪ વોર્ડમાં પાણીકાપ જાહેર કરવામાં આવ્યો હતો. આજે સવારે વોર્ડ નં.૧૮માં કોઠારીયા ગામ વિસ્તારમાં ઓચિંતો પાણી જાહેર કરી દેવામાં આવતા લોકોમાં જબરો દેકારો બોલી ગયો હતો.
દરમિયાન આવતીકાલે રૈયા ફિલ્ટર આધારીત ૧૫૦ ફુટ રીંગ રોડ પરના વોર્ડ નં.૯ (પાર્ટ) અને વોર્ડ નં.૧૦ (પાર્ટ)ના વિસ્તારો જયારે વિનોદનગર હેડ વર્કસ આધારીત વોર્ડ નં.૧૭ (પાર્ટ) અને વોર્ડ નં.૧૮ (પાર્ટ)ના વિસ્તારોમાં કાલે પાણી વિતરણ બંધ રહેશે તેવી જાહેરાત મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે.
દિવાળીના તહેવાર નજીક આવી રહ્યા છે ત્યારે ગૃહિણીઓ દ્વારા ઘરની સાફ-સફાઈની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. આવામાં પાણીની જરીયાત વધુ પ્રમાણમાં રહેતી હોય તે સ્વાભાવિક છે ત્યારે દિવાળીના તહેવારમાં જ પાણીની હોળી સર્જાય છે.
થોડા દિવસ પહેલા પાઈપલાઈનમાં ભંગાણ સર્જાવાના કારણે જયુબેલી ઝોન હેઠળ આવતા ત્રણ વોર્ડમાં પાંચ કલાક પાણી વિતરણ મોડુ કરવામાં આવ્યું હતું. જયારે આજે નર્મદાના ધાંધીયાના કારણે પાંચ વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવતા લાખો લોકો પાણી વિનાના રહ્યા હતા. ત્યારે કાલે ચાર વોર્ડમાં વિતરણ બંધ રહેશે.