તલબ બુઝાવવા તરફડતા વ્યસનીઓ
એજન્સીધારકો મનમાની કરીને ઊંચા ભાવે વેપલો કરતા હોવાની નાના દુકાનદારોની રાવ : ઓચિંતી માંગ વધી, ઉપરથી જ માલની અછત હોવાનો એજન્સીધારકોનો બચાવ
છૂટ મળ્યાને ૧૦ દિવસ થયા છતાં સ્થિતિ થાળે ન પડી: માવા, તમાકુ અને બીડીના વ્યસનીઓની હાલત કફોડી, ઉંચા ભાવ ચૂકવવા મજબૂર
લોકડાઉન-૪માં ઘણી છૂટ મળી છે. જેને ૧૦ દિવસ વીત્યા છતાં હજુ પણ પાન, બીડી, તમાકુની સ્થિતિ થાળે પડી નથી. હજુ પણ કાળાબજાર થતી હોવાની બુમરાળ ઊઠી છે. વ્યસનીઓ પોતાની તલબ બુઝાવવા માટે વધુ પૈસા દેવા મજબુર બન્યા છે. ત્યારે આ કાળાબજારને નાવા માટે તંત્રએ મૂળ સુધી પહોંચવાની જરૂર છે. નહિતર પરિસ્થિતિમાં કોઈ સુધારો નહિ થાય તેવુ જણાઈ રહ્યું છે.
લોકડાઉન -૪ ગત તા. ૧૯ મેના રોજથી અમલમાં આવ્યું છે. જેમાં પાન-બીડી-માવાના ગલ્લાઓને અને એજન્સીઓને છૂટ આપવામાં આવી છે. જો કે આ છૂટ શરતોને આધીન તેમજ ઓડ- ઇવન પદ્ધતિના આધારે આપવામાં આવી છે. બે મહિના પાન,બીડી, તમાકુ, માવા અને સિગરેટ માટે વલખા મારતા વ્યસનીઓ લોકડાઉન-૪મા છૂટછાટની જાહેરાતી ખુશખુશાલ થઈ ગયા હતા.
બાદમાં બેથી ત્રણ દિવસ સુધી ધીરજ રાખ્યા બાદ પણ પરિસ્થિતિમાં કોઈ બદલાવ ન આવતા વ્યસનીઓ નારાજ થયા છે. લોકડાઉનમા છૂટછાટ મળ્યાને આજે ૧૦મો દિવસ છે. છતાં હજુ પણ માલની પહેલા જેવી જ અછત જોવા મળી રહી છે.
શહેરમા હવે વ્યસનીઓને માલ તો મળી રહ્યો છે. પરંતુ તેના માટે વધુ પૈસા ચૂકવવા પડે છે. બીજી બાજુ નાના દુકાનદારોએ એવા આક્ષેપો કર્યા છે કે એજન્સીઓ વાળા પોતાની દુકાનો બંધ રાખીને છાનીછુપી રીતે કાળા બજાર કરી રહ્યા છે. સામે એજન્સીઓ વાળા બચાવમાં જણાવે છે કે માલની ડિમાન્ડ અચાનક વધી છે. ઉપરથી જ માલની અછત સર્જાઈ છે. ઉપરાંત અનેક વસ્તુઓમાં તો ઉપરથી જ માલના વધુ પૈસા લેવામા આવી રહ્યા છે. હાલ વર્તમાન પરિસ્થિતિ જોઈએ તો વ્યસનીઓ પોતાની તલબ બુઝાવવા તરફડિયા મારી રહ્યા છે. જો કે માલ મળી તો જાય છે પરંતુ વધુ પૈસા લેવાતા હોવાની રાવ ઉઠી છે. હાલ આ મામલે તંત્રએ ઊંડાણપૂર્વક તપાસ કરવાની જરૂર જણાય રહી છે. ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં તો મામલતદારોએ આ મામલે ઝંપલાવ્યું છે અને પરિસ્થિતિ સામાન્ય કરવા માટે એજન્સીધારકો સાથે બેઠકો પણ યોજી છે.