ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણનું પ્રદૂષણ વિનાશક અસરો હવે દેખાવા લાગી છે. સૂર્ય પ્રકાશને સંજીવની માનવમાં આવે છે. પરંતુ હવે હિટવેવ પ્રાણ ઘાતક પૂરવાર થઇ રહી છે. ગરમી અને લૂ ના પ્રકોપથી 1971થી અત્યાર સુધીમાં ભારતમાં 17,000થી વધુ લોકોના જીવન થંભાવી દીધા છે. તાજેતરમાં પ્રસિધ્ધ થયલા એક લેખમાં હકિકત બહાર આવી છે કે 1971 થી 2019 દરમિયાન 706 જેટલાં લૂ ના વાયરાની ઘટનામાં 17,000થી વધુ લોકોના મોત નિપજ્યા છે.
ટોચના હવામાન શાસ્ત્રીઓની ટીમના અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે 1970 થી 99 દરમિયાન ભારતમાં લૂ ના વાયરાની ઘટનાઓનું વિશ્ર્લેષણ કરવામાં આવ્યું હતું. 1971થી કુલ મૃત્યુના 1,41,308ના કિસ્સામાં 17,362 મૃત્યુ માત્રને માત્ર લૂ લાગવાથી થયાં હતાં. છેલ્લા 50 વર્ષમાં થયેલા કુલ મૃત્યુમાં સૂર્ય પ્રકોપના કારણે થયેલાં મૃત્યુનું પ્રમાણ 12% જેટલું છે.
ભારતમાં સૌથી વધુ સૂર્યપ્રકોપ, આંધ્રપ્રદેશ, તેલગણાં અને ઓરિસ્સામાં થતો હોય તેમ સૌથી વધુ મૃત્યુ લૂ ના કારણે થયાં હોય તો આ ત્રણેય રાજ્યોના નામ આવે છે. બ્રિટન અને કેનેડા જેવા ઠંડા ગણાતા પ્રદેશોમાં પણ લૂ નું પ્રમાણ હવે દેખાવા લાગ્યું છે. ભારતમાં તો મેદાની વિસ્તારમાં અને પહાડો સામાન્ય ગરમીનો પારો પણ 40 ડીગ્રીથી ઉપર રહે છે. સૂર્ય પ્રકાશને જીવન દાતા ગણવામાં આવે છે. પરંતુ ભારતમાં 17,000 લોકો માટે સૂર્ય જ કાળ બન્યો છે.
છેલ્લા કેટલાક વર્ષોથી તાપમાનમાં સતત વધારો થતો હોવાનું પર્યાવરણમંત્રી હર્ષવર્ધનસિંહે સંસદીય પ્રશ્નોતરીમાં જવાબ આપ્યો હતો. ગ્લોબલ વોર્મિગના કારણે વાતાવરણમાં બદલાવ આવવાની સ્થિતિએ 2017માં 30 હીટવેવ આવ્યા હતા જેમાંથી આંધ્રપ્રદેશ અને પશ્ર્ચિમ બંગાળમાં 1, ઝારખંડ 2, મહારાષ્ટ્રમાં 6, ઓરિસ્સા 6, તેલગણાં 12 છે. 2019માં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 15 વાયરા મુકાયા હતા. ભારે ગરમી અને લૂ નો પ્રકોપથી આરોગ્યનું જોખમ વધે છે. ડાયરીયા, સખત તાવ, શરીરમાંથી પાણી ઉડી જવું અને લૂ ના કારણે મોત સુધીનું જોખમ ઉભું થાય છે. ગરમીથી પેટની સમસ્યા ફૂટ પોઇઝનીંગ અને તાવ જ્યારે જીવલેણ બને છે. અનિંદ્રા, માનસિક અસ્થિરતા અને સખત તાવ જેવી સમસ્યા લૂ ના કારણે થાય છે અને તેમાં જો યોગ્ય સારવાર ન મળે તો મોત પણ થાય છે.