અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આંતરિક ખટરાગ પણ ચરમસીમાએ પહોંચ્યો હોવાની ચર્ચા : દેશની સ્થિતિ અસ્થિર
અબતક, નવી દિલ્હી : અફઘાનમાં બિનઅધિકૃત સાશન સ્થાપનાર તાલિબાનમાં આંતરિક ખટરાગ હોવાની ચર્ચા જોર પકડી રહી છે. આ દરમિયાન તાલિબાનના વડાનું મોત થયું હોવાનું અને અને નાયબ વડાપ્રધાન બરાદરને બંદી બનાવવામાં આવ્યા હોવાના અહેવાલો પણ વહેતા થયા છે. ત્યારે હવે અફઘાનને કોણ સંભાળશે તેવો પ્રશ્ન સર્જાયો છે.
અફઘાનિસ્તાનના વડા હૈબતુલ્લાહ અખૂંદજાદાનું મોત થયું છે અને નાયબ વડાપ્રધાન મુલ્લા બરાદરને કંધારમાં બંધક બનાવવામાં આવ્યા છે તેવા અહેવાલો મળી રહ્યા છે. જો કે આ આંતરિક ખટરાગને ગુપ્ત રાખવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની હક્કાની સાથે થયેલી હિંસક અથડામણ બાદ બરાદર ભાગ્યે જ જોવા મળ્યા છે. જો કે તેઓએ વીડિયો સંદેશ જાહેર કરી પોતે ઘાયલ થયા હોવાના અહેવાલો ઉપર પૂર્ણવિરામ મુક્યો હતો. જો કે બ્રિટનમાંથી એક અહેવાલ એવો આવ્યો કે આ વીડિયો સંદેશ એવું દર્શાવે છે કે તેઓને બંધક બનાવ્યા છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવા દરમિયાન બરાદરને સૌથી વધુ નુકસાન થયું હતું. પહેલા બરાદરને વડાપ્રધાન બનાવવાની વાતચીત ચાલી રહી હતી. પણ બાદમાં તેમને નાયબ વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. હૈબતુલ્લા અખૂંદજાદાના ઠેકાણાનો હજુ સુધી કોઈ પતો મળ્યો નથી. તાલિબાને અનેકવાર એવો દાવો કર્યો છે કે હૈબતુલ્લા અખૂંદજાદા ટુક સમયમાં જ બધાની સામે આવશે. પણ હજુ સુધી આ દાવો સાબિત થઈ શક્યો નથી. કાબુલ ઉપર કબજો કર્યાને એક મહિના જેટલો સમય થઇ ગયો છે. પણ હજુ તેઓ સામે આવ્યા નથી. બ્રિટનના એક અહેવાલમાં જણાવાયુ છે કે હૈબતુલ્લા અખૂંદજાદાનું મોત નીપજ્યું છે.
બરાદરને રાજકીય અન્યાય, વડાપ્રધાનને બદલે નાયબ વડાપ્રધાન બનાવાયા હતા
અફઘાનમાં તાલિબાની રાજ સ્થપાયું ત્યારે મુલ્લા બરાદર વડાપ્રધાનની રેસમાં સૌથી આગળ હતા. તેઓને વડાપ્રધાન બનાવવામાં આવનાર હતા. પણ અંતે તેઓને નાયબ વડાપ્રધાનનું પદ સોંપવામાં આવ્યું હતું. આમ તેઓની સાથે રાજકીય અન્યાય પણ થયો હતો. એક અનુમાન મુજબ આ જ કારણે આંતરિક ખટરાગ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.