ત્વરિત બદલાવ અનિવાર્ય…વૈશ્વિક પ્રવાહોને લક્ષમાં લઈને પુનવિચારણા નહિ કરાય તો મુર્ખામી લેખાવાનો સંભવ ! ચાણકય-નીતિનાં અભ્યાસીઓને સલાહકારો નિમવામાં જ ડહાપણ !

કોરોનાગ્રસ્ત બનેલા અને અર્થતંત્રની બેહાલી સામે ઝઝૂમીને હાંફી રહેલા દેશને નવાજૂનીઓના ડોઝ આપી શકે એવા માઈના પૂતની તાતી જરૂર ! હાર્યા જુગારી બમણા રમે અને સર્વસ્વ ખોઈ બેસે એવા તબકકે ઉભેલો આપણો આખો દેશ…. વધુ સાવધાની અનિવાર્ય !

આપણો દેશ અત્યારે બધી રીતે એટલો બધો સમસ્યાઓથી ઘેરાયેલો છે કે એ હવે માત્ર ગલ્લાંતલ્લાં કરીને ચલાવી લઈ શકે તેમ નથી.

આપણા દેશને અત્યારે કૃષ્ણ અને ચાણકયની નીતિરીતિની જરૂર છે.

આપણો દેશ કોરોનાગ્રસ્ત બન્યા પછી એની સામે આર્થિક, રાજકીય અને સામાજિક, આંતરિક સમસ્યાઓની હારમાળા સર્જાઈ છે.

દેશવાસીઓ જાણે કદાવર સુકાનીઓ વગરનાં બની ગયા હોવાના અતિ કડવા અનુભવો થાય છે.

એક સામાન્ય બ્રાહ્મણને ઘરે જન્મ ધારણ કરીને મગધના મહાન સામ્રાજયનાં ભાગ્યવિધાતા બનનારા ચાણકયનાં નીતિશાસ્ત્રમાં કોઈ પણ કાર્યમાં સિધ્ધી કેવી રીતે પ્રાપ્ત કરવી તેના સચોટ નિયમોનું વર્ણન કર્યું છે. આ નિયમોનાં ઉપયોગ કરીને જ ચાણકયે મગધની રાજગાદી ઉપર ચંદ્રગુપ્ત મૌર્યને બિરાજમાન કરવાનું પોતાનું સપનું સાકાર કયુર્ં હતુ. આજે આપણે પણ જો ચાણકયના સૂત્રોનો સહારો લઈએ તો અધરામાં અધરૂ કાર્ય આસાન બનાવી શકીએ છીએ. આજકાલ કારકિર્દીના તમામ ક્ષેત્રોમાં પ્રગતિ કરવા માટે ‘ગોલ’ સેટ કરવો અને તેને હાંસલ કરવો જરૂરી ગણાય છે. મેનેજમેન્ટ માટેની આધુનિક કોલેજોમાં લક્ષ્યને કેમ હાંસલ કરવું તેની વિધા જ શિખવવામાં આવે છે. આ દ્રષ્ટિએ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ પણ ચાણકયનાં નીતિશાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ.

આ બધુ એવો જ ખ્યાલ ઉપસાવે છે કે, આપણા દેશે અને દેશવાસીઓએ ધીરજ અને હિંમત ખોયા વગર અવનવી તમામ નવાજૂનીઓ તથા ઉથલપાથળોના સામના માટે તૈયાર રહેવાનું છે અને વધુને વધુ સાવધાન પણ રહેવાનું છે.

અહી એવી ટકોર પણ કરવી જ પડે તેમ ચે કે આપણો દેશ હજુ કેટલી હદ સુધી હાલના સંકુચિત તથા છીછરા રાજકારણને વળગી રહેશે અને પીછેહઠ ઉપર પીછેહઠ કર્યા કરશે?

વાસ્તવિકતાતો હાલની નીતિ રીતિઓ અને ચૂસ્ત ઢાંચાઓમાં ત્વરિત બદલાવ લાવવાનો છે.

વૈશ્ર્વિક રાજદ્વારી પ્રવાહોને લક્ષમાં લઈને અત્યારની સ્થિતિગતિ અંગે પૂન: વિચારણા નહિ કરાય અને વધુ ચુનંદા સલાહકારોને કાર્યાન્વિત નહિ કરાય ત્યાં સુધી આપણો દેશ ગોટે ચઢવાનું જોખમ વ્હોરશે એમ કહ્યા વિના છૂટકો નથી.

ધર્મસજા જેવા યુધિષ્ઠિર જુગારના વિષચક્રમાં ખુદ દ્રોપદીને હારી ગયા હતા એ ભૂલવા જેવું નથી.

‘ઝાઝા હાથ રળિયામણા’ની કહેવત’ અને ’ઘરડા જ ગાડા વળે’ની કહેવત પણ ભૂલવા જેવી નથી…

આપણા સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીને શોકાંજલી અર્પતાં અર્પતાં પણ એમની વિવિધ યુકિત-પ્રયુકિતને આપણે યાદ કરીએ તે આપણા દેશના વર્તમાન રાજકારણમાં સહુને શાતા આપે તેવી લેખાશે !

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.