ખેડૂતોને પોતાની જણસ વેચવા માટે સ્વાયત્તતા નહીં પણ બંધિયાર બનાવતી યાર્ડ વ્યવસ્થામાં સમય, અગમચેતી અને વિકલ્પના અભાવે ખેડૂતોને પોતાનો માલ કોઈપણ સંજોગોમાં વેચવા મજબુર બનવું પડે છે
ભારતનું અર્થતંત્ર પરોક્ષ કે પ્રત્યેક રીતે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલું રહેલું છે અને કૃષિ પ્રધાન દેશની ઓળખ ધરાવતું હોવા છતાં અહીં ખેતી સંપૂર્ણપણે કુદરત આધારિત હોવાથી ખેડૂતોની આવક ક્યારેય નિશ્ર્ચિત રહેતી નથી અને દાયકામાં બે થી ત્રણ વાર દુકાળના ઘા ખાવા પડે છે. અનિશ્ર્ચીત આવકના કારણે કૃષિ ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપી શકાતો નથી. કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃષિ ક્ષેત્રમાં શરૂ કરેલા બદલાવના પ્રયાસોના ભાગરૂપે ખેડૂતોને પોતાની પેદાશ વેંચવા માટે સ્વાયતતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે અને એપીએમસી એકટમાં સુધારો કરવામાં આવતા હવે ખેડૂતોને નિશ્ર્ચિત માર્કેટીંગ યાર્ડમાં પોતાની જણસ વેંચવાની મજબૂરીમાં રહેવું નહીં પડે. જો કે, સરકારની આ કવાયતનો વિરોધ ઉઠ્યો છે ત્યારે માર્કેટીંગ યાર્ડ ખેડૂતોના હિતમાં કેટલા અંશે ઉચીત છે તે ચર્ચાનો વિષય બન્યો છે. માર્કેટીંગ યાર્ડની આ વ્યવસ્થા ‘અંગ્રેજના જમાના’ની ગણવામાં આવે છે અને
આ વ્યવસ્થા ખેડૂતોની સ્વાયતતાથી વધુ બંધીયારપણામાં ઝકડી રાખતી હોવાનું માનવામાં આવે છે.
દેશમાં માર્કેટીંગ યાર્ડની વ્યવસ્થાનો અમલનો ઈતિહાસ છેક ૧૮૮૬ અને ૧૮૯૭માં અસ્તિત્વમાં આવ્યું. ખરેખર તો આ વ્યવસ્થા ઈસ્ટ ઈન્ડિયા કંપની સંલગ્ન ખેત જણસની વિનીમય વ્યવસ્થા અંતર્ગત ઉભી કરવામાં આવી હતી અને સમગ્ર પ્રાંતના ખેડૂતો એક જગ્યાએ પોતાની જણસ વેંચવા આવે જેથી કરીને કંપનીઓને ગ્રામ્ય વિસ્તારમાંથી કૃષિ પેદાશો એકઠી ન કરવી પડે અને ખેડૂતોને અન્ય કોઈ વિકલ્પ ન મળે. આ જ વ્યવસ્થા અત્યારની એપીએમસીનું આધુનિક વર્જન છે. માર્કેટીંગ યાર્ડ ખેડૂતોના હિતમાં કાર્ય કરતી વ્યવસ્થા છે. સહકારી ધોરણે ચાલતી આ વ્યવસ્થા આમ તો ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવે છે પરંતુ આધુનિક ટેકનોલોજીનો યુગ પ્રચાર-પ્રસારની વ્યવસ્થા અને પરિવહનની ઝડપી સુવિધાથી ખેડૂતોને પોતાના જ વિસ્તારની માર્કેટીંગ યાર્ડમાં માલ વેંચવાની મજબૂરીમાં રાખવાની જરૂર નથી. વળી ખોરાકનો નાશ અને ખોરાકનો બગાડ પણ અર્થતંત્રને મોટી અસર કરે છે. અમેરિકા જેવા વિકસીત દેશમાં આ ગુણાંક ખુબ જ ઓછો હોય છે જ્યારે ભારતમાં ખેતરમાં ઉપજતું ધાન લોકોના મુખમાં જાય ત્યાં સુધી પુષ્કળ પ્રમાણમાં બગાડ અને તેનો નાશ થવાની સમસ્યા રહેલી છે. દેશના ઘઉં અને ચોખ્ખાની ખેતીમાં વેંચાણ વ્યવસ્થા, ભાવ બાંધણુ અને વિતરણની વ્યવસ્થા માટે ૧૯૬૦માં માળખુ ઉભુ કરવામાં આવ્યું હતું. હવે જ્યારે સમય અને સંજોગો બદલાવવામાં આવ્યા છે ત્યારે ખેડૂતોને પોતાનો માલ વેંચવાની સ્વાયતતા મળવાની છે અને માર્કેટીંગ યાર્ડ પર નિર્ભર રહેવાની જરૂર નથી. ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, કેરળ, ગુજરાતમાં કૃષિ માટેની માર્કેટીંગ યાર્ડની વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે.
માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને જણસ વેંચવા જવા માટે સમય અને અનિશ્ર્ચિત ભાવના કારણે મોટુ નુકશાન ભરપાઈ કરવું પડે છે. પોતાના વિસ્તારમાં યાર્ડમાં માલ લઈને ગયેલા ખેડૂતોને ગમે તેવા ભાવ આવે તો પણ માલ વેંચવાની મજબૂરી વેઠવી પડે છે. દા.ત. માર્કેટીંગ યાર્ડથી દૂર ૨૫ થી ૫૦ કિ.મી.નું અંતર ધરાવતા ગામડામાંથી ખેડૂત શાકભાજી વેંચવા યાર્ડે જાય અને સારા ભાવની આશામાં પરિવહન ખર્ચ, મજૂરી, ભરાઈ-ઉતરાઈનો ખર્ચ કરીને યાર્ડે પહોંચે ત્યારે યાર્ડમાં માલનો ભરાવો હોય તો ભાવ પુરા મળતા નથી. હવે આધુનિક ટેકનોલોજી, સમાચાર માધ્યમો અને માહિતીનો યુગ ચાલી રહ્યો છે ત્યારે ખેડૂતો પોતાના ગામમાં બેઠા-બેઠા માલના ભાવની વિગતો મેળવી શકે છે. જ્યાં વધુ ભાવ મળે ત્યાં પોતાનો માલ વેંચી શકે છે ત્યારે યાર્ડની વર્તમાન વ્યવસ્થા ખેડૂતોના હિત કરતા અહિતકારી વધુ હોય તેવા સંજોગોમાં ખેડૂતોને યાર્ડ પર નિર્ભર રહેવું ન પડે તે પ્રમાણે બદલાવો આ સમયની માંગ ગણી શકાય. માર્કેટીંગ યાર્ડની વ્યવસ્થા ખેડૂતોના હિતમાં ઉભી કરવામાં આવી છે પરંતુ હવે તેમાં આમુલ પરિવર્તનની જરૂર છે.
યાર્ડની વ્યવસ્થા ‘અંગ્રેજના જમાના’ની…!!! ખેડૂતોના હિત નહીં કંપનીના હિતમાં ઉભી કરાઈ હતી?
ભારતની આઝાદી પૂર્વે દેશમાં કાર્યરત ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું વેપાર-વ્યવસ્થાપન ભારતના ખેડૂતોના હિત કરતા કંપનીના હિતમાં વધુ કાર્યરત હોવાની વાત નવી નથી. દરેક પ્રાંત, તાલુકા અને જિલ્લા કક્ષાના એકમોના ખેડૂતો પોતાની જણસ મંડીમાં આવીને વહેંચે તો કંપનીને પોતાના ભાવે, સમયે અને પોતાના હિતમાં ખરીદી કરવાની સુગમતા રહે તે માટે ઉભી કરવામાં આવેલી વ્યવસ્થાને સહકાર ક્ષેત્રએ નવું રૂપ આપ્યું હતું. હવે જ્યારે સમય સંજોગો બદલાયા છે ત્યારે ખેડૂતોને યાર્ડમાં પોતાની જણસ વેંચવામાંથી મુક્તિ મળે તો ખેડૂતોનું આ બંધીયારણપણું દૂર થાય. અંગ્રેજોએ માર્કેટીંગ યાર્ડની રચના કંપનીના હિતમાં ઉભી કરી હતી.
સમય, સંજોગોનો બદલાવ અને ટેકનોલોજીના આવિષ્કારથી હવે ખેડૂતને બંધિયાર રાખવાની જરૂર નથી
સમય, કાળ અને સ્થિતિ ક્યારેય યથાવત રહેતી નથી. ટેકનોલોજીના આ યુગમાં હવે પરિવહન, માહિતી જેવા પરિમાણો હાથવગા બન્યા છે ત્યારે અગાઉની જેમ ખેડૂતોને પોતાનો માલ બંધીયાર પદ્ધતિ મુજબ પોતાના જ વિસ્તારના યાર્ડમાં વેંચવાની જરૂર નથી. ખેડૂતોને અગાઉથી જ માલના ભાવ, સ્થિતિની જાણકારી મેળવવાની સવલત મળી છે ત્યારે ખેડૂતોને યાર્ડમાં માલ વેંચવાની મજબૂરીમાંથી બહાર લાવવાની જરૂર છે. ખેડૂતોને પોતાની જણસ યાર્ડમાં જ વેચવાની મજબૂરીથી માલ પરિવહનમાં ભરાઇ ઉતરાયનો ખર્ચ સમયનો વ્યય અને નાસવંત જણસમાં માર્કેટીંગ યાર્ડની મજબૂરીના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડે છે હવે જ્યારે ટેકનોલોજીનો આવિષ્કાર છે ત્યારે ખેડૂતોને બંધીયાર રાખવાની જરૂર નથી.