પેડક રોડ સ્વિમિંગ પૂલના ફિલ્ટર પ્લાન્ટ અને એરેશન પ્લાન્ટ વ્યવસ્તિ રીતે કાર્યરત્ત રાખવા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીની તાકિદ
ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “વન-ડે થ્રી વોર્ડ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે અને તેમાં શહેરના ત્રણેય ઝોનમાં મહાનગરપાલિકાની સંબંધિત શાખાઓ તમામ વોર્ડમાં સફાઈ કામગીરી, વોંકળા સફાઈ, મચ્છર ઉત્પતિ નિવારણ માટે આરોગ્ય શાખા અને તેના મેલેરિયા વિભાગની કામગીરી, ડ્રેનેજની કામગીરી તેમજ જ્યાં જ્યાં આવશ્યકતા જણાય ત્યાં બાંધકામ શાખા સહિતની ટેકનિકલ શાખાઓ પોતપોતાની જવાબદારીઓ સંભાળવામાં વધુ સતર્ક રહી લોકોના પ્રશ્નો અને અસુવિધાઓ સત્વરે દૂર કરે તેવો આશય છે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, આજે આ ઝુંબેશ અનુસંધાને તેમણે વોર્ડ નં.૪ માં વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને જાહેર સ્વછતા અને જાહેર આરોગ્ય સંબંધી કામગીરી અંગે જે તે શાખાઓને સતર્ક રહેવા ખાસ સૂચના આપી હતી. દરમ્યાન આજી નદી પર ભગવતીપરા ખાતે આવેલ ધોરિયા પૂલ અને પેડક રોડ પર સ્થિતિ મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પૂલની પણ કમિશનરે ખાસ વિઝિટ કરી હતી.
મ્યુનિ. કમિશનરે કહ્યું કે, ધોરિયા પૂલના સ્થળની મુલાકાત દરમ્યાન એ બાબતનો સ્થળ પર પરામર્શ કરવામાં આવ્યો હતો કે, ધોરિયા પૂલનો રાહદારીઓ માટે ઉપયોગ કરી શકાય એમ છે કે કેમ? ધોરિયા પૂલને વધુ મજબુત બનાવવા તેના પર રેલીંગ લગાવવા સહિતના કામો હાથ ધરી તેને સેલ્ફ એન્ડ સિક્યોર બનાવવા માટે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. ધોરિયો પૂલ રાહદારીઓ માટે આવાગમન કરવા શક્ય બને તો લોકોને એક વિશેષ સુવિધા મળી શકે તેમ છે.
આ માટે સંબંધિત અધિકારીઓને પૂલ સંબંધી જરૂરી તમામ શક્યતા ચકાસવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ધોરિયા પૂલનો ડ્રેનેજના પાણીણી મદદી સિંચાઇના કામો માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય તે અંગે પણ વિચારણા કરવામાં આવી હતી.
વિશેષમાં આજે કમિશનર પેડક રોડ પર આવેલ સ્વિમિંગ પૂલની મુલાકાત દરમ્યાન પૂલના પાણીની ગુણવતા અંગે માહિતી મેળવી હતી. સ્વિમિંગ પૂલમાં આવતા લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા મ્યુનિ. કમિશનરે પૂલના વોટર ફિલ્ટર પ્લાન્ટ અને પાણીમાં ઓક્સિજનની ઘટની પૂર્તિ કરતા એરેશન પ્લાન્ટ સુવ્યસ્તિરીતે કાર્યરત્ત રહે
તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.