હજારો પશુઓને શાતા પમાડવા 11 અર્હમ એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ બેમિસાલ માનવતાની સાક્ષી બની રહ્યું
માનવતારૂપી પેનથી આત્મારૂપી પાર્સલને પ્રભુના એડ્રેસ પર ડિલિવર કરી દેવાના મહામંગલકારી વિશ્વ વ્યાપી સંદેશને પ્રસારીને કચ્છના પુનડી ગામમાં ઉજવાયેલો માનવતાપ્રેમી વિશ્વવંદનીય રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના 52મો જન્મોત્સવનો માનવતા મહોત્સવ લાખો દુ:ખી જીવોને શાતા-સમાધિ પમાડતી માનવતાના મોતી વેરી ગયો હતો.
પરમ ગુરુદેવને જન્મોત્સવની અભિવંદના અર્પણ કરવા દિવસોથી આતુર બની રહેલા સમગ્ર મુંબઈ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, ગુજરાત દિલ્હી, ચેન્નઈ, બેંગ્લોર આદિ દેશના ખૂણે ખૂણેથી તેમજ વિદેશના 156થી વધુ ક્ષેત્રોના મળીને 25 લાખથી વધુ ભાવિકો પુનડી ગામમાં પ્રત્યક્ષ તેમજ લાઈવના માધ્યમે આ માનવતાના મહોત્સવમાં જોડાઈને ગુરુ જન્મોત્સવના વધામણા કરીને ધન્ય બન્યા હતા.
અનેક ક્ષેત્રોના જૈન જાગૃતિ સેન્ટર્સના ભાવિકો, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નિમાબેનઆચાર્ય, “તેરી મિટ્ટી મેં મિલ જાવા” લોકપ્રિય દેશભક્તિ ગીતના રચયિતા મનોજભાઈ મુંતશિર આદિ, ગોંડલ સંપ્રદાયના પ્રવીણભાઈ કોઠારી, ચંદ્રકાંતભાઈ શેઠ, તેરા ગામના રાજવી પરિવારના ઉષ્મેન્દ્રસિંહજી, વિરાયતના શિલાપીજી, આદિ મહાનુભાવોની સાથે અનેક સંઘ શ્રેષ્ઠીવર્યોએ વિશેષરૂપે પુનડીમાં ઉપસ્થિત રહીને આ મહોત્સવની અનુમોદના કરી હતી.હજારો હૃદયનીભીની ભક્તિની વચ્ચે લહેરાતા ધર્મ ધ્વજ, સ્વાગત નૃત્ય, અષ્ટમંગલના માંગલ્ય અને પારંપરિક છત્રની છાયામાં પરમગુરુદેવના ડુંગર દરબારમાં આગમન વધામણા કરીને સૌએ ગુરુભક્તિના અદભુત દર્શન કરાવ્યા હતા.
પરમ ગુરુદેવે સમજાવ્યું હતું કે, આ જીવનને શક્ય હોય તો સાધનાથી શુદ્ધ કરવું અને સાધના શક્ય ન હોય તો જીવનને માનવતાથી વિભૂષિત કરવું તે જ માનવ ભવની સાર્થકતા છે.માનવતાના આ મધુર બોધની સાથે ઉપસ્થિત દરેક હૃદય પરમ ગુરુદેવની કરુણા ભાવનાને વંદી રહ્યા જ્યારે એક્સીડેન્ટ કે દુર્ઘટનામાં ઘાયલ થયેલા વેદનાથી પીડાતા હજારો પશુઓને તાત્કાલિક સારવારની પ્રાપ્તિ અર્થે 11 અર્હમ એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યુ. કરૂણા ફાઉન્ડેશનને 21 લાખ રૂપિયા ડોનેશન જાહેર કરવામાં આવ્યા હતા.
સમગ્ર કચ્છની 52 ગૌશાળાઓને આ અવસરે અર્હમ યુવા સેવા ગ્રુપના ઉપક્રમે 52000/- રૂ.ની ઘાસચારાની સહાય ઘોષિત કરવામાં આવી હતી. એની સાથે પુનડી ગામની સેંકડો ગાયોને 32 પકવાન સાથેનું રજવાડી ભોજન કરાવીને જન્મોત્સવના વધામણા કરવામાં આવ્યા હતા.
વિશેષમાં સંઘ, સમાજ, સંપ્રદાય અને રાષ્ટ્ર માટે અનન્ય સેવા બજાવીને અનેરા યોગદાન દ્વારા જીવનને પરમાર્થમય બનાવનારા એવા કચ્છના નવનીત પરિવાર, લીલાવતી હોસ્પિટલના કાયમી ટ્રસ્ટી રેખાબેન શેઠ, શ્રી વર્ધમાન જીવદયા કેન્દ્ર લુણીના ટ્રસ્ટી વસનજીભાઈ પ્રેમજી સોની, બિદડા સર્વોદય ટ્રસ્ટના લક્ષ્મીચંદભાઈ રાંભિયા- બચુભાઈ, સમાજસેવક તારાચંદભાઈ જગશી છેડાને જીવન સાર્થક સન્માન તેમજ યસ બેન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અતુલભાઇ ભેદા, કારગીલ યુદ્ધના વીર લડવૈયા સહદેવસિંહજી ઝાલા, વિરાયતનના આચાર્ય ચંદનાજીના શિષ્યા શિલાપીજી, અબોલ જીવોની રક્ષા કરવા તત્પર હિતભાઈ રિપુલભાઈ શાહ તેમજ નિકુલભાઈ માલવણિયાને ગૌરવવંતા પરમ એવોર્ડ એનાયત કરીને એમની સેવાને બિરદાવવામાં આવી હતી.
આ અવસરે શિલાપીજીએ જન્મોત્સવની શુભેચ્છા અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેને પરમ ગુરુદેવ પ્રત્યે અહોભાવ અર્પણ કરીને જન્મોત્સવની શુભેચ્છા અર્પણ કરી હતી. ગોંડલ સંપ્રદાયના પ્રવીણભાઈ કોઠારી અને ચંદ્રકાંતભાઈ શેઠે પરમ ગુરૂદેવને સર્વત્ર ધર્મની વસંત સર્જી દેનારા સંત અને પગલે પગલે પુણ્ય તેમજ સંસ્કારોના ઢગલા સર્જી દેનારા સંત સ્વરૂપે ઓળખાવીને જન્મોત્સવની શુભેચ્છા આપી હતી.