વારાણસી પંથકના ‘ખેડૂત’નો અનોખો ‘દેશપ્રેમ’
અખાડા ફરતે દિવાલ બાંધવા ખેડૂતે વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી યોગીની મદદ માગી
કેટલાક લોકો એવા હોય છે જે પોતાના ગામ માટે કંઈકને કંઈક નવું કરતા હોય છે કે જરૂરી સુવિધા ન હોય તો એ સુવિધા ગામલોકોને મળે તે માટે પ્રયાસ કરતા હોય છે. વારાણસી પંથકના એક ખેડુતે પોતાના ગામમાં બાળકોને કુસ્તી શીખવા મળે અને એમાં દેશનું નામ ‘રોશન’ કરે એટલા માટે પોતાના ખેતરને ગિરવે મુકી ખેતરમા જ ‘અખાડો’ બનાવી બાળકોને સુવિધા પુરી પાડી છે.
વારાણસીનાં સેવાપુરી બ્લોકનાં અદમાપૂરીના મહનાગ ગામમાં બાળકોને કુસ્તી શીખવા માટે સુવિધા ન હતી કે જગ્યા પણ ન હતી આથી ગામના સુબેદાર યાદવને ગામના બાળકોને કુસ્તી શિખવા મળે અને કુસ્તી ક્ષેત્રે ગામનું અને દેશનું નામ રોશન કરે એ હેતુથી કંઈક કરવાનું નકકી કર્યું.
તેણે પોતાની બે વિઘા જમીન ગિરવી રાખી અને એ નાણાથી ખેતરમાં જ ‘અખાડા’નું નિર્માણ કર્યું આ અખાડામાં ગામના ૩૦ થી વધુ બાળકો કુસ્તીના દાવપેચ શીખવા આવે છે. આ ઉપરાંત આસપાસનાં ગામોનાં લોકો કસરત કરવા પણ આવવા લાગ્યા છે.
શત્કેશગઢમાં સ્વામી અડગડાનંદનો અખાડો જોઈને સૂબેદાર યાદવને પ્રેરણા મળી અને પોતાના ગામમાં અખાડો શરૂ કર્યો હતો.
ગામમાં અખાડા બનાવવા માટે તેણે પોતાની પાસે નાણા ન હોવાથી પોતાનું ખેતર જ ગીરવે રાખ્યું અને કેટલાક સગા સ્નેહીઓ પાસેથી નાણાં પણ ઉછીના લીધા અને પોતાના જ ખેતરમાં અખાડો બનાવી દીધો.
તેણે હવે આ અખાડાનો ઉપયોગ ગામલોકો અને આસપાસનાં ગામોનાં લોકો તરફથી વધવા લાગતા અખાડા ફરતે દિવાલ બાંધવા તથા અન્ય સુધારા વધારા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે.
રાજયકક્ષાના કુસ્તીના ખેલાડી શું કહે છે?
કુસ્તીના રાજયકક્ષાના ખેલાડી અભય રાયે જણાવ્યું હતુ કે ગામમાં અખાડો ન હોવાથી ગામના યુવાનો કુસ્તીની તાલીમથી વંચિત રહેતા હતા પણ હવે જયારથી ગામમાં જ અખાડો શરૂ થયો છે. ત્યારથી ગામના યુવાનો કુસ્તીની તાલીમ મેળવી રહ્યા છે. અને હવે તો રાજયકક્ષાની કુસ્તી સ્પર્ધામાં પણ ભાગ લઈ રહ્યા છે. આગામી સમયમાં હવે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવાની પણ તૈયારી કરી રહ્યા છે.
ઈચ્છા હોય તો માર્ગ મળી જાય
જો વ્યકિતની ઈચ્છા હોય તો માર્ગ મળી જાય છે. તેવી કહેવત છે. આ કહેવતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં મત વિસ્તાર વારાણસીના એક ખેડુતે સાચી પાડી છે. જેણે પોતાના ગામના બાળકોને કુસ્તીક્ષેત્રે આગળ વધારવા માટે પોતાનું ખેતર ગિરવે રાખી દીધું છે.