ખાદી ગ્રામોદ્યોગ કમિશન દ્વારા ખાદી સંસ્થાઓના આગેવાનો સાથે સમિક્ષા બેઠક યોજાઈ
અબતક,રાજકોટ
ભારત સરકારના ખાદી ગ્રામોદ્યોગ કમિશનના ચેરમેન વિનયકુમાર સકસેનાએ રાજકોટના સરકીટ હાઉસ ખાતે સૌરાષ્ટ્રના ખાદી ગ્રામોદ્યોગ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓના વડાઓ સાથે સમિક્ષા બેઠક યોજી હતી.ખાદી ગ્રામોદ્યોગ કમિશનનો એક માત્ર ઉદેશ્ય રાષ્ટ્રપિતા પૂ.બાપૂ દ્વારા ગ્રામીણ કારીગરોને ઘરઆંગણે રોજગારી પુરી પાડી તેઓના આર્થીક અને સામાજીક ઉત્થાનન સ્વપ્નને પરીપૂર્ણ કરવાનો છે, તેમ જણાવતાં કમિશનના ચેરમેન વિનયકુમાર સકસેનાએ આ માટે હાલ વડાપ્રધાન નરેન્દ્રશભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા થઇ રહેલા પ્રયાસોને વર્ણવતા વધુમાં ઉમેર્યું હતું કે દેશની તમામ મીલીટરી અને પેરા મીલીટરી ફોર્સીસના 11 લાખથી વધુ જવાનો માટેના ગણવેશ અને આનુષંગીક દરી, ચાદરો, ધાબળા જેવી ઉપયોગી વસ્તુઓ માટે સરકારે ખાદી ગ્રામોદ્યોગને ઓર્ડરો આપી પ્રોત્સાહિત કર્યા છે. એટલું જ નહીં પણ નવા ક્ષેત્રે કાર્ય કરવાની નીતીઓ જેવી કે લેહ લડાખના માઇનસ ડીગ્રીની ઠંડી ધરાવતા પ્રદેશમાં પણ પશ્મિનાની અવનવી શાલ અને અન્ય વસ્તુઓના ઉત્પાદન માટેની કાર્યવાહી કરાઇ છે. જેથી ઠંડી મોસમમાં પણ ત્યાંના સ્થાનિક કારીગરોને ઘર બેઠા રોજગારી મળી રહે. આમ, ખાદી ગ્રામોદ્યોગની પ્રવૃતિ દેશના તમામ વિસ્તારોમાં સ્થાનિક કારીગરોને રોજગારી આપવા સક્ષમ છે.ખાદીના વ્યાપક પ્રસાર માટે ખાદીને “લોકલ ટુ વોકલ” નહીં પણ “લોકલ ટુ ગ્લોબલ” બનાવવાની નેમ સાથે આધુનિક ટેકનોલોજી સાથે કદમ મિલાવી સહિયારા પ્રયાસો માટે અનુરોધ કર્યો હતો.આ બેઠકમાં દેવજીભાઇ રાઠોડ અને ચેરમેન વિનયકુમાર સકસેના અને સ્ટેટ ડાયરેકટરશ્રી નિતેશ ધવનનું સુતરની આંટી પહેરાવી સ્વાગત કરવા સાથે ખાદી પ્રવૃતિના ઉત્તેજન માટે કમિશનના પ્રયાસો અને કામગીરીને બિરદાવી હતી આ બેઠકમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કિશોર મોરી, ખાદી કમિશનના સ્ટેટ આસીસ્ટન્ટ ડાયરેકટર કનૈયાલાલ માલી, રાજકોટ ખાદી ગ્રામોદ્યોગ સંસ્થા ઉપસ્થિત રહ્યા હતા.