લોકસભા ચૂંટણીની જાહેરાત પૂર્વે એઈમ્સ સંકુલનું ખાતમુહૂર્ત થાય તેવી શકયતા: પીડબલ્યુડીને ફોરલેન રોડ બનાવવા તેમજ પીજીવીસીએલને હાઈ વોલ્ટેજ લાઈનનું સ્થળાંતર કરાવવાની સુચના
રાજકોટ નજીક આવેલા પરાપીપળીયા ગામ પાસે એઈમ્સ સંકુલ બનાવવાની તાજેતરમાં જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આ એઈમ્સ સંકુલનું ખાતમુહૂર્ત લોકસભા ચૂંટણીની જાહેરાત પૂર્વે કરી નાખવાનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે. જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૮ એકર ખાનગી જમીનના સંપાદનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પીડબલ્યુડીને ફોરલેન રોડ બનાવવા તેમજ પીજીવીસીએલને હાઈ વોલ્ટેજ લાઈનનું સ્થળાંતર કરવાની સુચના પણ આપી દેવામાં આવી છે.
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા એઈમ્સ રાજકોટને ફાળવવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે જિલ્લા વહીવટી તંત્રએ કેન્દ્ર સરકારને ૩૦૬ એકર જમીનનો રિપોર્ટ કર્યો હતો જેમાં ૮ એકર જમીન ખાનગી હતી અને ૨૯૮ એકર જેટલી જમીન સરકારી હતી. પરાપીપળીયા નજીક નિર્માણ પામનાર એઈમ્સ સંકુલનું આગામી લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પૂર્વે જ ખાતમુહૂર્ત કરવાનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એઈમ્સના નિર્માણ પૂર્વેની કાર્યવાહી પુરઝડપે કરવામાં આવી રહી છે.
ખંઢેરી સર્વે નં.૨૭ની ૧૦૩૧૯ ચો.મી., પરાપીપળીયાની સર્વે નં.૧૭૦ની ૨૧૩૪૭ ચો.મી. તેમજ પરાપીપળીયાની સર્વે નં.૧૬૭ની ૨૯૩૪ ચો.મી. જમીન મળીને કુલ ૩૪૬૦૦ ચો.મી. એટલે કે, ૮ એકર જેટલી ખાનગી જમીન એઈમ્સ સંકુલને ફાળવવા માટે સંપાદનની પ્રક્રિયા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. જંત્રી દર મુજબ આ ૮ એકર જમીનની અંદાજીત કિંમત રૂ.૨.૫૧ કરોડ આંકવામાં આવી રહી છે.
આ ઉપરાંત એઈમ્સ સંકુલ માટે ૨૯૮ એકર સરકારી જમીન પણ ઉપયોગમાં લેવામાં આવનાર છે. ખંઢેરી સર્વે નં.૧૬ પૈકી ૩ની ૬,૬૫,૯૦૮ ચો.મી. તેમજ પરાપીપળીયા સર્વે નં.૧૯૭ પૈકીની ૫૪૩૫૯૨ ચો.મી. સરકારી જમીન એઈમ્સ સંકુલને આપવા માટે વહીવટી તંત્ર દ્વારા સરકારમાં દરખાસ્ત પણ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરાપીપળીયાથી હાઈવે સુધી ફોરલેન રોડ બનાવવા પીડબલ્યુડીને સુચના આપી દેવામાં આવી છે. આ સાથે પરાપીપળીયા નજીક પસાર થતી રેલવે લાઈન પર ઓવરબ્રિજ બનાવવા માટે પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. એઈમ્સ સંકુલ માટે જે જગ્યા ફાળવવામાં આવી છે તેમાંથી હાઈ વોલ્ટેજ વીજલાઈન પસાર થઈ રહી છે. આ વીજ લાઈન નડતરરૂપ હોવાથી તેનું અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા પીજીવીસીએલને સુચના આપવામાં આવી છે. આ સાથે વહીવટી તંત્ર દ્વારા ૩૯૮ એકર જમીનની ઝીણવટભરી માપણી પણ શરૂ કરી દેવામાં આવી છે.