અબતક-રાજકોટ
કોરોના કાળમાં કોર્પોરેશનની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ જવા પામી છે. ટેક્સની આવકનો 340 કરોડના લક્ષ્યાંક સામે 6 મહિનામાં માત્ર 140 કરોડની આવક થવા પામી છે. તિજોરી તળીયા ઝાટક થઈ ગઈ છે. હવે પગારના પણ ફાંફાં પડે તેવા દિવસો આવીને ઉભા રહી ગયા છે. ત્યારે બજેટમાં રાખવામાં આવેલા 300 કરોડના જમીન વેંચાણના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે ટીપી બ્રાંચ દ્વારા ન્યુ રાજકોટમાં સોનાની લગડી જેવા 8 પ્લોટનું 22 થી 28 ઓકટોબર દરમિયન ઈ-ઓકશન કરી 300 થી 400 કરોડ ભેગા કરવામાં આવશે.
આ અંગે ટીપી શાખાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ 300 કરોડ રૂપિયા ભેગા કરવા માટે 8 કોમર્શીયલ હેતુ માટેના પ્લોટનું વેંચાણ કરવામાં આવશે. જેમાં ટીપી સ્કીમ નં.3 (નાના મવા)ના કોમર્શીયલ હેતુ માટેના ફાઈનલ પ્લોટ નં.202 અમીન માર્ગ અને અમીન માર્ગના કોર્નર અને 150 ફૂટ રીંગ રોડ પર પ્રગતિ કોમ્લેક્ષ સામે આવેલા 4669 ચો.મી.નો પ્લોટની 22મીએ ઈ-ઓકશન કરવામાં આવશે જેની અપસેટ પ્રાઈઝ પ્રતિ ચો.મી. રૂા.1.56 લાખ નિયત કરવામાં આવી છે.
અમીન માર્ગ પર 150 ફૂટ રીંગ રોડના છેડે, બાલાજી હોલ પાછળ, ધોળકીયા સ્કૂલ પાસે, કેરાલા પાર્ક મેઈન રોડ પર, ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર, બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ પાછળ, રૈયા રોડ પર કોમર્શીયલ હેતુના 8 પ્લોટનું 22 થી 28 ઓકટોબર દરમિયાન ઈ-ઓકશન
આ ઉપરાંત ટીપી સ્કીમ નં.7 નાના મવામાં 150 ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલની પાછળ પાઠક સ્કૂલ નજીક કોમર્શીયલ હેતુના ફાઈનલ પ્લોટ નં.22/એનો 6143.19 ચો.મી.નો પ્લોટનું 25મી ઓકટોબરના રોજ ઈ-ઓકશન કરવામાં આવશે જેની અપસેટ પ્રાઈઝ પ્રતિ ચો.મી. રૂા.92100 નિયત કરવામાં આવી છે. ટીપી સ્કીમ નં.7 (નાના મવા)માં 150 ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલની પાછલ ધોળકીયા સ્કૂલ નજીક કોમર્શીયલ હેતુના અનામત એવા ફાઈનલ પ્લોટ નં.3/3/એનો 5067.24 ચો.મી.નો પ્લોટની 25મી ઓકટોબરે ઈ-ઓકશન કરવામાં આવશે જેની અપસેટ કિંમત રૂા.85000 રાખવામાં આવી છે.
આ ઉપરાંત ટીપી સ્કીમ નં.16 (રૈયા)માં કેરાલા પાર્ક મેઈન રોડ પર શિલ્પન ઓનેકશ એપાર્ટમેન્ટ પાછળ કોમર્શીયલ હેતુના ફાઈનલ પ્લોટ નં.16/એનો 10445 ચો.મી.નો પ્લોટની 26મીએ ઈ-ઓકશન કરવામાં આવશે. ટીપી સ્કીમ નં.16 (રૈયા)માં ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર સિલ્પન ઓનેક્સ એપા.
પાછળ કોમર્શીયલ હેતુના ફાઈનલ પ્લોટ નં.42/એના 4538 ચો.મી.ના પ્લોટની 26મીએ ઈ-ઓકશન યોજાશે જેની અપસેટ કિંમત રૂા.85000 નિયત કરવામાં આવી છે. ટીપી સ્કીમ નં.16 (રૈયા)માં ગંગોત્રી પાર્ક મેઈન રોડ પરના ખુણે બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ યુનિવર્સિટી રોડ નજીક આવેલા કોમર્શીયલ હેતુના પ્લોટ નં.86/સીના 6973 ચો.મી.ના પ્લોટની 27મી ઓકટોબરે હરરાજી કરાશે. જેની અપસેટ કિંમત રૂા.85000 નિયત કરવામાં આવી છે.
ટીપી સ્કીમ નં.16 (રૈયા)માં તોરલ પાર્ક મેઈન રોડ પર આલાપ એવન્યુ નજીક કોમર્શીયલ હેતુના ફાઈનલ પ્લોટ નં.86/એનો 4776 ચો.મી.ના પ્લોટની 27મી ઓકટોબરે ઈ-ઓકશન યોજાશે. જેની અપસેટ કિંમત રૂા.85000 નિયત કરવામાં આવી છે. આ ઉપરાંત ટીપી સ્કીમ નં.4 (રૈયા)માં રૈયા રોડ પર સવન સરફેશની સામે કોમર્શીયલ હેતુના ફાઈનલ પ્લોટ નં.769ના 3221 ચો.મી.ના પ્લોટની 28મી ઓકટોબરે ઈ-ઓકશન હાથ ધરાશે. જેની અપસેટ કિંમત રૂા.75000 નિયત કરાઈ છે. જ્યારે ટીપી સ્કીમ નં.4 (રૈયા)ના રૈયા રોડ પર સાધુ વાસવાણી રોડના કોર્નર પર પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ પાસે આવેલા કોમર્શીયલ હેતુ માટેના અનામત એવા ફાઈનલ પ્લોટ નં.882 પૈકીના 2985 ચો.મી.ના પ્લોટનું 28મીએ ઈ-ઓકશન હાથ ધરાશે.