ચેક રિટર્નના કેસમાં અદાલતે સજા ફટકારી આરોપી જાહેર કરતા ફરાર થયેલા શખ્સે સ્યુસાઇડ નોટ લખી વ્યાજખોરના ત્રાસના આક્ષેપ કરી પોલીસને ધંધે લગાડવા પ્રયાસ
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાજના ધંધાર્થીઓ પર પોલીસ દ્વારા ધોસ બોલાવવામાં આવી રહી છે. કમ્મર તોડ વ્યાજ વસુલ કરતા શખ્સો સામે કાયદાકીય કાર્યવાહી કરવી અનિવાર્ય છે ત્યારે કાયદાનો દુર ઉપયોગ કરી સંકટ સમયે સંબંધના દાવે કુટુંબીજનો પાસેથી મેળવેલી આર્થિક મદદ કરનારને વ્યાજખોરીમાં ખપાવી મારી મચડી ગુનો નોંધાવવાના થઇ રહેલા હીન પ્રયાસનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ મવડી બાયપાસ પાસે આવેલા રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતી સરોજબેન જયેશભાઇ ધીભાઇ મેઘાણીએ પોતાના પતિ જયેશભાઇ મેઘાણી ગત તા.૧૭-૯-૧૭ના રોજ ઘરેથી કોઇને કહ્યા વિના જતા રહ્યા અંગેની ગુમ નોંધ તાલુકા પોલીસમાં નોંધાવી છે.
ગુમ નોંધ બાદ ઘરમાંથી સ્યુસાઇડ નોટ મળ્યાની અને દસ જેટલા વ્યાજના ધંધાર્થીના ત્રાસના કારણે જતા રહ્યાનો ઉલેખ સાથેની સરોજબેન દ્વારા તાલુકા પોલીસમાં સ્યુસાઇડ નોટ રજૂ કરવામાં આવી છે.
જયેશભાઇ મેઘાણીએ કારખાનાનો વ્યવસાય શ કરવા માટે પોતાના સગા-સંબંધી અને મિત્રો પાસેથી આર્થિક મદદ મેળવી હતી અને તે પેટે આપેલા ચેક રિટર્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધાતા અદાલતે જયેશભાઇ મેઘાણીને તકસીરવાન ઠેરવી એક કેસમાં બે વર્ષ અને એક કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારી દંડ સહિતની રકમ ચુકવવા હુકમ કર્યો છે.
જયેશભાઇ મેઘાણી આર્થિક ભીસ વધી જતા અને ધંધાને મંદિની અસર થતા આર્થિક સંકડામણ અનુભવતા અને બીજી તરફ કાયદાકીય ભીસ વધતા ઘર છોડી જતા રહ્યાનું તેના લેણદારો દ્વારા જણાવવામાં આવ્યું છે.
તેમજ લેણદારોને ફસાવવા તેમજ તેને રકમ ન ચુકવવા ઘર છોડીને જતા રહ્યાનો લેણદારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.