- મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં રામકૃષ્ણ આશ્રમ ખાતે ૧૨માં રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ વિષય ક્વિઝ સ્પર્ધાનો પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો
રામકૃષ્ણ આશ્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા કેબિનેટ મંત્રી મુળુ બેરાએ જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠક પર 5 લાખથી વધુની લીડથી જીતશે તે નિશ્ચિત છે તો બીજી તરફ ઉદ્યોગો દ્વારા ફેલાતા પ્રદૂષણ બાબતે કહ્યું કે, ઉદ્યોગોના ગંદા પાણી નદી-નાળાંને બદલે દરિયામાં ઠાલવવાનો પ્રોજેક્ટ છે. જેતપુરના સાડી ઉદ્યોગોથી ફેલાતું હવાનું પ્રદૂષણ અટકાવવા ગેસ લાઇનનો પ્રોજેક્ટ અને પાણીનું પ્રદૂષણ અટકાવવા ઉદ્યોગોની દરિયા સુધીની પાઇપલાઇનનું કામ થશે.
મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં રામકૃષ્ણ આશ્રમ ખાતે ૧૨મી રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ વિષય ક્વિઝ સ્પર્ધાનો વિજેતાઓને પુરસ્કાર વિતરણ કાર્યક્રમ યોજયો હતો. જેમાં મંત્રી મુળુભાઈના હસ્તે રાજ્ય અને જિલ્લા સ્તરે વિજેતા થયેલા ખેલાડીઓને સ્મૃતિચિહ્ન, શિલ્ડ અને પુસ્તક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ૧૨મી રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ વિષય ક્વિઝ સ્પર્ધામાં ૩૩ જિલ્લાની ૫૧૬ શાળાઓના આશરે ૪૨,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં રાજ્ય સ્તરે પ્રથમ સ્થાને વડોદરા જિલ્લાની પટેલ ખ્વાહિશ, દ્વિતીય સ્થાને મોરબી જિલ્લાની વિરપરા સ્નેહા, અમરેલી જિલ્લાનો સોલંકી વૈભવ અને તૃતીય સ્થાને આણંદ જિલ્લાનો ચૌહાણ સ્નેહલ વિજેતા થયા હતા.
રાજકોટને હરિયાળું બનાવવા અર્થે મંત્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે વૃક્ષારોપણ કાર્યક્રમમાં યોજાયો હતો.
મુળુભાઈની અધ્યક્ષતામાં ઉદ્યોગ સાહસિકોના ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું હતું જેના વિશે તેમણે જણાવ્યું હતું કે, ઉદ્યોગગૃહોનું કહેવું હતું કે, નદીમાં ઉદ્યોગોનું ગંદુ પાણી ભળતું હોય તે યોગ્ય નથી પરંતુ, કલેકટર સમક્ષ જમીન નોન એગ્રિકલ્ચર કરાવી નાખી હોય, લાઈટ કનેકશન લઇ લીધું હોય અને પછી જયારે જીપીસીબીમાં જઈએ ત્યારે કહેવામાં આવે કે ઉદ્યોગની જમીન નદી-નાળાના 100 મીટરમાં છે. જે બાબતે ચર્ચા થઈ. જેતપુરનો સાડી ઉદ્યોગ પાણી પ્રદૂષિત કરતો હોવાનો પ્રશ્ન છે ત્યારે આ બાબતે ત્યાં અગાઉ જવાનું થયું હતુ. ત્યાંના એસોસિએશન સાથે ચર્ચામાં કહ્યું કે, ઉદ્યોગોની ચિમનીઓથી હવામાં પ્રદૂષણ ફેલાય છે. જેથી ગેસ આપે છે તો કામ પૂર્ણ કરો. જે બાદ ત્યાં 50 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. આ ઉપરાંત પાણીના પ્રદૂષણ બાબતે 90-10ની સ્કીમ છે. જેમાં કેન્દ્ર-રાજ્ય સરકારના 90 ટકા અને 10 ટકા એસોસિએશન દ્વારા ખર્ચવામાં આવશે. જેમાં પાઇપલાઇન માટેનું ટેન્ડર કરવામા આવ્યું છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રવાસનની મોટી સર્કિટ વિકસે એવો પ્રયાસ : મુળુભાઈ બેરા
મુળુભાઈએ પ્રવાસન સ્થળો બાબતે જણાવ્યુ કે, સાસણથી દ્વારકા સુધીની સર્કિટ, પોરબંદરમાં બોકર સાગર, બરડા સર્કિટ, બેટ દ્વારકા, તુલસી શ્યામ સહિતના ઐતિહાસિક અને હેરિટેજ સ્થાનોને વિકસાવવાનો પ્રયાસ ચાલુ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રવાસનની મોટી સર્કિટ વિકસે એવો પ્રયાસ છે.