દરરોજ ૨ વોર્ડમાં સઘન ઝુંબેશ: પાણી સંગ્રહના પાત્રોની નિયમિત સફાઈ કરવા મનપાની સલાહ
ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો મચ્છર કરડવાથી ફેલાઈ છે. ચાલુ વર્ષે ડેન્ગ્યુ પોઝીટીવ કેસોમાં વધારો નોંધાયેલ છે. જે અન્વયે તહેવારો પહેલા રોગચાળા અટકાયતી માટે આરોગ્ય શાખા દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવાનું આયોજન કરેલ છે. જેમાં દરરોજ ૨ વોર્ડમાં સઘન ફોગીંગ ઝુંબેશ હાથ ધરેલ છે.
આ ઝુંબેશ અંતર્ગત રોગચાળા અટકાવતી કામગીરી અન્વયે ચેપી મચ્છરના નાશ માટે વોર્ડ નં.૩માં ફોગીંગ તથા વાહક નિયંત્રણની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. જેમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન દ્વારા વોર્ડના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવેલ.
આ ઝુંબેશમાં મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વીનભાઈ મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકર અને આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ હાજર રહ્યા હતા.
આ કામગીરી હેઠળ વોર્ડ નં.૩માં જયુબેલી ગાર્ડન પાછળ, કૃષ્ણપરા, જુની લોધાવાડ, તીલકપ્લોટ, મુસ્લીમલાઈન, મોચીબજાર, ભીડભંજન, ચમડીયા ખાટકીવાસ, બેડીનાકા, પરાબજાર, નરસંગપરા, ખડીયા મદ્રાસી ખાડો, ખડીયા રજીવનગર, ખડીયા અતુલનો ખાડો, લાલ બહાદુર શાસ્ત્રીનગર, સિંધી કોલોની, પરસાણાનગર, સ્લમ હુડકો કવાટર્સ, લાખાબાપાની વાડી, સ્લમ કવાટર્સ બે માળિયા, ભીસ્તીવાડ, ગાયકવાડી, જંકશન પ્લોટ, કૈલાસવાડી, તોપખાના, વાલ્મીકીવાડી, જામનગર રોડ, કિટીપરા આવાસ યોજના, સરકારી પ્યુન કવાટર્સ, ભીસ્તીવાડ, શીતલ પાર્ક, રાધે પાર્ક, ગંગોત્રી પાર્ક, અર્પણ પાર્ક, રામેશ્વર પાર્ક, ક્રિષ્ના પાર્ક, લોર્ડ ક્રિષ્ના સીટી, શિવમ પાર્ક, પરમેશ્વર પાર્ક, ભકિતપાર્ક, સમર્પણ પાર્ક, નાથદ્વાર સોસા., નાથજી સોસા., ડો.હેડગેવાર આવાસ વગેરે વિસ્તાર ફોગીંગ કામગીરી હેઠળ આવરી લીધેલ છે.
એડીસ ઈજીપ્તી મચ્છર ડેન્ગ્યુ રોગ ફેલાવે છે. માદા એડીસ મચ્છર જયાં પણ બંધિયાર ચોખ્ખું પાણી ભરેલું મળે એમાં ઈંડા મુકે છે. આથી લોકોએ પાણી ભરેલ દરેક પાત્રને હવાચુસ્ત ઢાંકીને રાખવું. જુના ટાયરો, ટીન, પ્લાસ્ટીકના ડબલા કે છોડના કુંડામાં પાણી ન ભરાય તેની તકેદારી રાખવી, ડેન્ગ્યુ માટે કોઈ ચોકકસ દવા કે રસી નથી પરંતુ પૂરતો આરામ લેવાથી અને પુરતુ પ્રવાહી પીવાથી દર્દીને રાહત રહે છે.
એડીસ મચ્છર સામાન્ય રીતે દિવસના સમયે કરડે છે. આથી દિવસે આરામ દરમ્યાન પણ મચ્છરદાની ઉપયોગ કરવો. મચ્છર ઉત્પતિ અટકાવવા લોકોને પાણીના સંગ્રહના તમામ પાત્રો હવાચુસ્ત બંધ રાખવા, સીડી નીચેના ટાંકા હવાચુસ્ત બંધ થઈ શકતા નથી અને દર અઠવાડીયે સાફ પણ થઈ શકતા ન હોવાથી તેમાં દર અઠવાડીયે કેરોસીન નાખવું અથવા મોટા ટાંકા હોય તો તેમાં પોરાભક્ષક માછલી મુકવી, પાણી ભરવાની કુંડી પાણી ગયા બાદ કપડાથી કોરી કરી સાફ કરવી, ટાયર, ડબ્બા-ડુબ્લી તથા અન્ય ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરવો અને પક્ષીકુંજ, પશુને પાણી પીવાની રાખેલ કુંડી/ અવાડા નિયમિત સાફ કરવા જણાવવામાં આવ્યું છે.