હાલ કોલ ઇન્ડિયા પાસે 430 લાખ ટન કોલસાનો જથ્થો ઉપલબ્ધ, તેનાથી 24 દિવસ ચાલે તેટલી વીજળી ઉત્પન્ન કરી શકાશે
હજુ ચોમાસુ સંપૂર્ણ ચાલ્યા ગયા બાદ કોલ ઇન્ડિયા પાસે કોલસાનો વધુ જથ્થો ઉપલબ્ધ બનશે
અબતક, નવી દિલ્હી : કોલસાની અછતને પગલે વીજ કટોકટી સર્જાવાની ભીતિ વચ્ચે જાહેર થયું છે કે કોલ ઇન્ડિયા પાસે 430 લાખ ટન કોલસાનો જથ્થો ઉપલબ્ધ છે. વધુમાં ચોમાસુ પૂર્ણ થતાં આ જથ્થો વધી જશે. હાલ કોલ ઇન્ડિયા કોલસાનું વિતરણ કરી જ રહી છે. હજુ 10થી 15 દિવસમાં આ વિતરણ સારી રીતે થશે.
કોલ ઇન્ડિયા અને તેની સબસીડીયરી કંપનીઓ દ્વારા પાવર સેક્ટરની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેમનું ઉત્પાદન અને ડિસ્પેચ વધારવામાં આવ્યું છે. કોલ ઇન્ડિયાની સાત પેટા કંપનીઓએ ઓક્ટોબર દરમિયાન દરરોજ 15.66 લાખ ટન કોલસો મોકલ્યો છે. તેણે શનિવારે 17.11 લાખ ટન કોલસો રોડ અને રેલવે રેક દ્વારા મોકલ્યો છે. પાવર સેકટરમાં કુલ 14.14 લાખ ટન કોલસોમોકલવામાં આવ્યો હતો. આ અંગે કોલ ઇન્ડિયાના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટરે પી.એમ. પ્રસાદે જણાવ્યું કે આગલા 10-15 દિવસમાં વિતરણ પ્રક્રિયા વધુ સારી થઈ જશે.
કેન્દ્રીય કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ રવિવારે જણાવ્યું હતું કે, દેશમાં વીજસંકટ સર્જાવાની કોઇ સંભાવના નથી. કોલ ઇન્ડિયા પાસે કોલસાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ચોમાસાનો અંત આવતાં જ કોલસાના પુરવઠામાં વધારો થશે. કોલ ઇન્ડિયા પાસે અત્યારે 430 લાખ ટન કોલસાનો જથ્થો છે જે દેશની જરૂરિયાત 24 દિવસ સુધી પૂરી કરી શકે છે. પાવર સ્ટેશનોને દરરોજ કોલસાનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે. કોલસા મંત્રાલયે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર મહિનામાં વીજ ઉત્પાદનમાં 24 ટકાનો વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રએ કોલસા મંત્રાલયના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી છે જે અઠવાડિયામાં બે વખત સ્ટોકની સમીક્ષા કરે છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી, કોલ ઇન્ડિયા લિમિટેડ, પાવર સિસ્ટમ ઓપરેશન કોર્પોરેશન, રેલવે અને પાવર મંત્રાલયની કોર મેનેજમેન્ટ ટીમ પણ બનાવવામાં આવી છે, જે દરરોજ મોનીટરીંગ કરી રહી છે.