શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વકરી રહી છે. જેનો નિવેડો લાવવા માટે હાલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઓવરબ્રીજ બની રહ્યાં છે. દરમિયાન શહેરમાં વધુ 3 સ્થળે બ્રીજ બનાવવા માટે વર્ષ 2021-22ના બજેટમાં રૂા.18 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 6 વર્ષ પૂર્વે મહાપાલિકાની હદમાં ભણેલા કોઠારીયા વિસ્તારમાં પણ સીમેન્ટ રોડ બનાવવા 2 કરોડ ફાળવવામાં આવ્યા છે.
શહેરના 150 ફૂટ રીંગ રોડ અને કાલાવડ રોડ પર જડુસ રેસ્ટોરન્ટ પાસેના ચોક અને કેકેવી સર્કલ ઉપરાંત નાના મવા સર્કલ રામાપીર ચોકડી ખાતે હાલ કરોડો રૂપિયાના ખર્ચે બ્રીજનું નિર્માણ કામ ચાલી રહ્યું છે. શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે સોરઠીયાવાડી પાસે, 150 ફૂટ રીંગ રોડ પર રાધે ચોકડી પાસે અને કોઠારીયામાં લાપાસરી લાગુ વિસ્તારમાં ખોખડદળ નદી પર બ્રીજ બનાવવા માટે બજેટમાં 18 કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેમ સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું.
તેઓએ ઉમેર્યું હતું કે, હાલ શહેરમાં રૈયા રોડ, નાના મવા રોડ, સંતકબીર રોડ અને પેડક રોડને સીસી રોડમાં પરિવર્તીત કરવામાં આવ્યા છે. લાંબાગાળે પેવર રોડની સરખામણીએ સીસી રોડનો નિભાવ, મરામત ખર્ચ ઓછો આવે છે તેને ધ્યાને લઈ માલધારી ફાટકથી રોલેક્સ બેરીંગ થઈ કોઠારીયા ગામ સુધીના 24 મીટરના સીસી રોડ તરીકે વિકસાવવામાં આવશે. આ માટે બજેટમાં 2 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પાણી પુરવઠા નેટવર્ક સુધારણા માટે પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. શહેરમાં હયાત એસી પ્રેસર પાઈપ લાઈનનું નેટવર્ક છે. જે લાઈનો તબક્કાવાર નાખવામાં આવી હોય ઘણા વિસ્તારમાં પાણીની ફરિયાદ રહે છે અને પાઈપ લાઈન તૂટવાની ફરિયાદ રહે છે. મહાપાલિકા દ્વારા જૂની પાઈપ લાઈનના સ્થાને ડીઆઈ પાઈપ લાઈનનું નેટવર્ક બદલાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.આગામી બજેટમાં આ કામ માટે 3 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.