340 કરોડના લક્ષ્યાંક સામે 262 કરોડની આવક
ચાલુ નાણાકીય વર્ષમાં ટેક્સ બ્રાન્ચને રૂ.340 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જેની સામે આજ સુધીમાં 262 કરોડની વસૂલાત થવા પામી છે. નાણાકીય વર્ષ પૂરૂં થવાના આડે હવે માત્ર 36 દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે ટેક્સનો ટાર્ગેટ પૂરો કરવા દૈનિક બે કરોડથી પણ વધુની વસૂલાત કરવી ફરજિયાત બની જવા પામી છે.
જકાત નાબૂદી બાદ કોર્પોરેશનની પોતીકી કહી શકાય તેવી ટેક્સ સિવાય કોઇ મોટી આવક રહી નથી. ટેક્સની આવકમાંથી પગાર ખર્ચ પણ નીકળતો નથી. ચાલુ નાણાકીય વર્ષમાં કુલ 340 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જેની સામે આજ સુધીમાં 3.20 કરદાતાઓએ કોર્પોરેશનની તીજોરીમાં મિલકત અને પાણી વેરા પેટે રૂ.260 કરોડ જમા કરાવ્યા છે. ટેક્સનો ટાર્ગેટ હજુ 78 કરોડ રૂપિયા છેટો છે. હવે કોર્પોરેશન પાસે માત્ર રોકડા 36 દિવસ જ હાથમાં બચ્યાં છે. આવામાં ટેક્સનો ટાર્ગેટ જો પૂરો કરવો હશે તો રોજ બે કરોડથી પણ વધુની વસૂલાત કરવી પડશે. આ વખતે ટેક્સની આવક પાછલા તમામ રેકોર્ડબ્રેક કરે તેવી શક્યતા પણ જણાઇ રહી છે. છેલ્લાં ઘણા દિવસથી બાકીદારો સામે ધોક્કા પછાડવામાં આવી રહ્યાં છે.
આજે વેરા વસૂલાત શાખા દ્વારા હાથ ધરવામાં આવેલી ટેક્સ રિક્વરીની કામગીરી અંતર્ગત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 10 મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે 28 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવી છે. વેસ્ટ ઝોનમાં એક મિલકત સીલ કરાઇ હતી અને 12 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવી છે. જ્યારે ઇસ્ટ ઝોનમાં ત્રણ મિલકતોને તાળા લગાવી દેવામાં આવ્યા છે અને 7 મિલકતો ટાંચમાં લેવામાં આવી હતી. બપોર સુધીમાં રૂ.51.37 લાખની વસૂલાત થઇ છે.