પીડીયુ સીવીલોસ્પિટલ અને મેડીકલ કોલેજના કાઉન્સેલર જયંત ઠાકર દ્વારા સીવીલ અધિક્ષક ડો. મનીષભાઈ મહેતાને લેખીત પત્ર દ્વારા રજુઆત કરી જણાવ્યું છે કે પીડીયુ સીવીલ હોસ્પિટલ અને રસુલખાન ઝનાના હોસ્પિટલમાં શહેર તેમજ આસપાસના ગામોમાંથી રોજ અસંખ્ય દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે.
હોસ્પિટલ કમ્પાઉન્ડ ખાતે દિવસ રાત પડયા પાથર્યા રહેતા લુખ્ખા તત્વો સેવાના નામે માત્ર વહીવટ કરતા હોવાનું સીવીલ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આવા આવારા તત્વો હોસ્પિટલ સ્ટાફ આગળ રોફ જમાવવો, દર્દીઓની સેવા કરવા કરતા મેવો ખાવાની વૃત્તી ધરાવતા હોય આવા તત્વોને કાયદાકીય રીતે સબક શીખડાવી હોસ્પિટલ કમ્પાઉન્ડમાંથી બહાર ખસેડી મૂકવા જયંત ઠાકરે માંગ કરી છે.
તેમજ સીવીલ હોસ્પિટલ તેમજ ઝનાના હોસ્પિટલમાં આવતા જતા અજાણ્યા શખ્સોનું સઘન ચેકીંગ કરી સુરક્ષાવ્યવસ્થા સઘન બનાવવા, ટ્રાફીક,પાર્કિંગ વ્યવસ્થાજાળવી શકે તેવા સક્ષમ સીકયુરીટી ગાર્ડ મૂકવા તેમજ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેના પરિવારજનોના જાન માલનું રક્ષણ તથા કાયદો અને વ્યવસ્થા જળવાય અને હોસ્પિટલ કમ્પાઉન્ડમાં સુલેહ શાંતીનું વાતાવરણ જળવાઈ રહે અને લોકો નિશ્ર્ચિત રહી શકે એ માટે હોસ્પિટલ મેઈન ગેઈટ પાસે પોલીસ ચોકીનું નિર્માણ કરવા અને રાઉન્ડ ધી કલોક પોલીસ બંદોબસ્ત ફાળવાય તેવી વ્યવસ્થા ગોઠવાય એવી જયંત ઠાકરે અંતમાં રજૂઆત કરી છે.