હેન્ડમેડ ફર્નીચર, પ્લાસ્ટીક પ્રોડકટસ અને રોજીંદા વપરાશની વસ્તુઓ પર જીએસટી ભારણ ઓછુ થશે: નાના અને મધ્યમ ઉદ્યોગને પણ રાહત અપાય તેવી અપેક્ષા
જીવન જરૂરીયાતની કેટલીક વસ્તુઓમાં જીએસટીના કારણે ટેકસનું ભારણ વધ્યું છે જેની સીધી અસર મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારો ઉપર થઈ છે. સરકાર જીએસટીના કારણે પડેલી મુશ્કેલીઓમાં રાહત મળે તે માટે પગલા લઈ રહી છે. આગામી તા.૧૦ નવેમ્બરે જીએસટી કાઉન્સીલની બેઠક નાણા પ્રધાન અ‚ણ જેટલીની અધ્યક્ષતામાં મળશે જેમાં ફર્નીચર, પ્લાસ્ટીક પ્રોડકટ અને રોજીંદા ઉપયોગમાં આવતી વસ્તુઓ પર જીએસટીનો દર ઘટાડાશે તેવી આશા સેવાઈ રહી છે.
આ ઉપરાંત નાના અને મધ્યમ ઉદ્યોગોને પણ જીએસટીમાં રાહત મળે તે માટે ટેકસ માળખામાં સુધારા કરવામાં આવે તેવી શકયતા છે. જયારથી જીએસટીની અમલવારી શ‚ થઈ છે ત્યારથી લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા અને છટકબારીઓ શોધવા માટે નાણામંત્રાલય સહિતના મંત્રાલયોની કાઉન્સીલ બેઠક દર મહિને મળે છે. ૨૮ ટકાના સ્લેબમાં આવતી અનેક વસ્તુઓને નીચેના સ્લેબમાં લઈ આવવામાં આવે તેવી શકયતા છે. હાલ તમામ પ્રકારના ફર્નીચરને ૨૮ ટકાના સ્લેબમાં મુકવામાં આવ્યા છે. વુડન ફર્નીચર અનઓર્ગેનાઈઝ સેકટરમાં હાથ બનાવટના ગણવામાં આવે છે. જેમાં કલાત્મક કારીગરી પણ હોય છે. આ ક્ષેત્રમાં અનેક પરિવારોનું ભરણપોષણ થાય છે. માટે ફર્નીચરને ૨૮ ટકાના સ્લેબમાંથી હટાવી કરભારણ ઓછુ થાય તેવું શકયતા છે. સરકાર આ ઉપરાંત ઘરેલું વપરાશમાં દરરોજ ઉપયોગમાં આવતી ચીજ વસ્તુઓ પર જીએસટીમાં રાહત આપવાની છે. ૨૮ ટકામાં આવતી ચીજ વસ્તુઓને હટાવી ઓછા સ્લેબમાં નાખવામાં આવશે. નાના અને મધ્યમ ઉદ્યોગના ક્ષેત્રમાં આવતી ચીજ-વસ્તુઓને પણ જીએસટીમાં રાહત આપવામાં આવશે. સરકાર આ માટે આયોજનબધ્ધ પગલા લેશે તેવી આશા સેવાઈ રહી છે.