- 10 થી 12 જાન્યુ. દરમિયાન સત્સંગ અને જ્ઞાનવિધી કાર્યક્રમ
- સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં આધુનીક જીવનશૈલીએ અધરા બનાવેલા જીવનને સરળ બનાવવાના માર્ગદર્શન માટે આત્મજ્ઞાની દીપકભાઈના સતસંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જ્યાં જીવનને સરળ બનાવવાના હેતુથી ઊભી કરેલી આધુનિક જીવનશૈલી જ જીવનને વધારે જટિલ બનાવી રહી છે, જ્યાં પુણ્યને બદલે પૈસા કમાવાની પ્રાયોરીટી વધુ છે, સહકારનું સ્થાન સ્પર્ધાએ લીધું છે, ભણતર જ્યાં ભારરૂપ છે અને કુટુંબ એ કલેશનું કારખાનું છે. તેવા આ યુગમાં સુખી થવાના હેતુથી માણસે જે કંઈ મેળવવા દોટ મૂકી છે તે ઝાંઝવાના જળ સમાન ભાસી રહ્યું છે. જીવમાત્રની સુખની શોધનો અંત ત્યારે જ આવે છે જ્યારે શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે અને આ શાશ્વત સુખની પ્રાપ્તિ માત્ર પોતાના સાચા સ્વરૂપની ઓળખાણ થયા પછી જ શક્ય છે.
જ્ઞાની પુરુષ દાદા ભગવાને જગતના લોકો સુખ અને શાંતિને પામે એવી એકમાત્ર ભાવનાથી કળયુગમાં અજોડ એવું આધ્યાત્મિક વિજ્ઞાન ખુલ્લું કર્યું, જે અક્રમ વિજ્ઞાનના નામથી પ્રસિદ્ધ થયુ. અક્રમવિજ્ઞાન પોતાના ખરા સ્વરૂપની પ્રાપ્તિના પાયા પર આધારિત છે. જ્ઞાનીપુરુષની કૃપાથી માત્ર બે જ કલાકમાં જ્ઞાનવિધિના વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા પોતાના સાચા સ્વરૂપની ઓળખાણ શક્ય બને છે અને આત્માનો અનુભવ થાય છે. ત્યાર બાદ ગમેતેવા સંજોગોના દબાણમાં હું શુદ્ધ-આત્મા છું એ પ્રતીતિ ખસતી નથી. અને તેથી જ જીવનમાં હર્ષ કે શોકના પ્રસંગોમાં સમાધિનો અનુભવ થઈ શકે છે. આત્મ-અનુભવ સાથે સાથે આ અનોખું વિજ્ઞાન રોજબરોજના સાંસારિક પ્રશ્નો ઉકેલવા વ્યવહારિક ચાવીઓ પણ પૂરી પાડે છે, જેનાથી જીવનમાં શાંતિ અને આનંદ વર્તાય છે.
ભગવાન દીક્ષિત અને આત્મજ્ઞાની ડો. નીરુમાના સહાધ્યાયી આત્મજ્ઞાની દીપકભાઇ આ સપ્તાહના અંતમાં રાજકોટના સત્સંગ પ્રવાસે આવી રહ્યા છે. રાજકોટ મુકામ દરમિયાન તેઓ 150 ફૂટ રીંગ રોડ પર શીતલ પાર્ક ચોક નજીક આવેલ પારિજાત પાર્ટી પ્લોટના ગ્રાઉંડમાં સત્સંગ કરશે. આ સત્સંગ કાર્યક્રમ અંતર્ગત 10 અને 11 જાન્યુઆરી, શુક્રવાર અને શનિવારે સાંજે 7 થી 10 પ્રશ્નોત્તરી સત્સંગ અને 12 જાન્યુઆરી રવિવારે સાંજે 5 થી 8.30 આત્મસાક્ષાત્કાર પામવા માટેનો અદભૂત ભેદજ્ઞાન પ્રયોગ “જ્ઞાનવિધિ” યોજવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ સત્સંગ કાર્યક્રમમાં કોઈ પણ વ્યક્તિ સત્સંગના વિષયને લગતા અથવા તો પોતાને મુંઝવતા તમામ વ્યવહાર, ધર્મ કે અધ્યાત્મ સંબધિત પ્રશ્નોના સમાધાન દીપકભાઇ પાસેથી મેળવી શકે છે.
આ અમૂલ્ય સત્સંગ કાર્યક્રમ નિ:શુલ્ક છે અને તેનો લાભ દરેક ધર્મ/સંપ્રદાયના લોકો લઈ શકે છે. રાજકોટના લાખો જીજ્ઞાસુઓ માટે દીપકભાઇને પ્રત્યક્ષ જોવા-સાંભળવાનો આ એક સુવર્ણ અવસર હશે.