અબતક-રાજકોટ
ખેડ, ખેતર ને પાણી… લાવે સમૃદ્ધિ તાણી… ભારતમાં પરંપરાગત ખેતીનો અનુભવ અને વિશાળ ખેતી લાયક ફળદ્રુપ જમીનો, પુરતા માનવબળ છતાં વિશ્ર્વના વિકસીત દેશોની સાંપેક્ષમાં ભારતની ખેતીનો વિકાસ હજુ ગાડા યુગની ઝડપે આગળ વધી રહ્યો છે.
ઈઝરાયલ, અમેરિકા, ડેનમાર્કની ખેતી ક્રાંતિ ભારતના મુળભૂત સિદ્ધાંતો પર શક્ય બની છે ત્યારે ભારતમાં ટેકનોલોજી અને આધુનિક વિચારધારા પ્રધ્ધતી અને કાયદાકીય અવરોધાના કારણે ખેતી અને ખેડૂતની પ્રગતિની એક સીમા બંધાયેલી છે. આધુનિક યુગમાં સમગ્ર વિકસીત દેશોના સમૂહ ખેતીનો ભારે વિકાસ થઈ રહ્યો છે ત્યારે ભારતમાં 1960ના જમીન ટોચ મર્યાદાના કારણે ખેડૂતો માટે સીમીત ક્ષેત્રફળમાં ખેતી કરવાનું બંધીયારપણુ રાષ્ટ્રીય કૃષિ ઉત્પાદનમાં મોટો અવરોધ બની રહ્યું છે. અત્યારે મોટા ખેડૂતોની સંખ્યા ઘટતી જાય છે. 1960માં 60 વિઘા જમીન ધરાવતો ખેડૂત પરિવાર અત્યારે વારસાઈ ભાગના લીધે 2 થી 5 વિઘાની જમીન પર ખેતી કરવા મજબૂર થયો છે.
દુનિયામાં દવા છાંટવા માટે વિમાનનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આપણે અહીં ટૂંકી ખેતીના કારણે ખેડૂતો માટે ટ્રેકટર લેવું પડે તેવું પણ પરવડે તેમ નથી. આધુનિક યુગમાં ટેકનોલોજી અને ટાઈમ મેનેજમેન્ટની સાથે સાથે ખેડૂતોને તૈયાર માલના પુરા ભાવ આવે તે માટે માલની સાચવણીની વ્યવસ્થામાં પણ મોટાપાયે સંશાધનોના અભાવનો મુદ્દો સહન કરવો પડે છે. ઈઝરાયલ અને અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન જેવા દેશોમાં કૃષિની નાશવંત જણસની ટકાવારી એક ટકાથી પણ ઓછી છે જ્યારે ભારતમાં ખેડૂતોના ખેતરથી વપરાશકાર સુધી પહોંચે તે પહેલા નાશ થઈ જતી જણસની ટકાવારી 30 ટકા જેટલી થવા જાય છે. જો કોલ્ડ સ્ટોરેજથી લઈ ગોડાઉન અને પ્રોસેસીંગ યુનિટ તૈયાર કરવામાં આવે તો ભારતમાં ખેતી અને ખેડૂતની આવકમાં અનેકગણો વધારો કરી શકાય.
આધુનિક ટેકનોલોજી ભારતની ખેતીને વિશ્ર્વ સમોવડી બનાવી દેશે
ખેતીની ઔદ્યોગીક ક્રાંતિ માટે કૃષિમાં હવે ડિજીટલ ક્રાંતિ અને ટેકનોલોજીના ઉપયોગનો વધતો જતો વ્યાપ ખેતી અને ખેડૂતને સદ્ધર બનાવશે કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ કરવો હવે ડિજીટલ એગ્રીટેક, સ્ટાર્ટઅપ માટે સરકારે 15 કરોડ ખેડૂતોને નવા સ્ટાર્ટઅપ માટે પ્રોત્સાહન કરવાનું બિરુદ આપ્યું છે. ગયા વર્ષે વૈભવ અરીંગલે મહારાષ્ટ્રના નાસીક જિલ્લામાં તેની 9 એકર જમીનમાં સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું અને બેંગ્લોરની કંપનીમાં એગ્રીટેક ફસલ ડીવાઈસના નિર્માણથી ખેડૂતોને સમયસર હવામાનની માહિતી, જમીન ચકાસણી, ખાતર અને પાણીનો કેટલો અને ક્યારે ઉપયોગ કરવોની માહિતી આપતું ડિવાઈસ તૈયાર કર્યું હતું. હવે આ ડિવાઈસના કારણે ફસલ ખેડૂતોને સમયસરની માહિતી આપશે, ક્યાં પાકની ખેતી કરવી, કેટલું પાણી આપવું અને તૈયાર માલ ક્યાં અને કેવી રીતે વેંચવો તેની માહિતી ફસલ સોફટવેર દ્વારા આપવામાં આવશે.
ભારતમાં કૃષિ ક્ષેત્રમાં હજુ ખુબ મોટો વિકાસનો અવકાશ રહેલો છે. એક જમાનો હતો કે, પાણીની મોટર ચલાવવા માટે ખેડૂતોને ખેતરમાં હાજર રહેવું પડતું હતું પરંતુ હવે મોબાઈલ કનેકશનથી ઘરબેઠા મોટર ઓપરેટ થાય છે. આધુનિક ટેકનોલોજી, દવા, ખાતર અને ડિજીટલ ટેકનોલોજીને લઈને ખેતીનો ખર્ચ ઘટી રહ્યો છે અને આવકના સ્ત્રોતો વધી રહ્યાં છે. એગ્રીટેક અને એગ્રીફૂડ સ્ટાર્ટઅપની ખુબજ મોટી તકો ભારતમાં રહી છે. કૃષિ ક્ષેત્રમાં રહેલા અવરોધો અને પડકારોને દૂર કરવાના સારી રીતે પ્રયાસો થઈ રહ્યાં છે. એક જમાનો હતો કે, શાકભાજી, ફળફળાદીથી લઈ અનેક કૃષિ પેદાશો ખેડૂતોના ખેતરમાં તૈયાર થયા બાદ તરત બગડી જતી હતી. હવે કોલ્ડ સ્ટોરેજ, પરિવહન અને ફૂડ પ્રોસેસીંગ યુનિટથી ખેડૂતોને નાશવંત જણસની ટકાવારીમાં ઘણો ઘટાડો થઈ રહ્યો છે. જો કે, કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીના ઉપયોગ માટે ઘણા પડકારો રહેલા છે. આર્થિક સંકળામણ અને ટેકનોલોજી અંગેની માહિતીનો અભાવ ખેડૂતોને ઘણા પાછળ રાખી દે છે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતોની આવક અને ખેતીની પદ્ધતિ બદલાઈ રહી છે. વિશાળ કૃષિ ક્ષેત્રમાં યુવાનોને વધુને વધુ શિક્ષીત અને દિક્ષીત બનાવી ખેતીને હજુ આધુનિક બનાવી શકાય તેવા સંજોગોમાં ખેતીને ઉત્તમ નહીં પરંતુ સર્વશ્રેષ્ઠ બનાવવા માટે ભારતમાં વિશાળ તકો રહેલી છે.
ખેડૂતોની કોઠાસુઝને હવે આધુનિકતા જરૂરી
ભારતમાં કુલ વસ્તીના 80 ટકા લોકો ગામડામાં વસે છે અને મોટાભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે. પરંતુ પરંપરાગત ખેતી પદ્ધતિ અને ટૂકડા જમીનના કારણે જોઈએ તેવી આવક થતી નથી. ખેડૂતોને આધુનિક ટેકનોલોજી વાપરતા કરવા જોઈએ.
ખેડૂતોએ ક્યારેય દેવાળુ ફૂંક્યું નથી, તે હંમેશા સમાજની ભૂખ સંતોષે છે
ખેતીને ઉત્તમ માનવામાં આવે છે. અન્ય ઉદ્યોગ ધંધા તરફ આગળ વધી રહેલા અર્થતંત્રમાં વેપારી-ઉદ્યોગપતિઓ દેવાળા કાઢી નાદાર બની જાય પણ ખેડૂતો ક્યારેય દેવાળુ ફૂંકતા નથી. આર્થિક મુશ્કેલી, વ્યાપક છેતરપિંડી, માલના પુરા ભાવ ન આવે, દુકાળ, અતિવૃષ્ટિ છતાં ખેડૂત, અનાજની જરૂરિયાતો પૂરી પાડે છે. ખેતી અગાઉ પણ ઉત્તમ હતી આજે પણ છે અને કાયમ રહેશે.
કાયદામાં ફેરફાર કરવા જરૂરી
ભારતમાં કૃષિ અને કૃષિકારો માટે ખુબજ વિશાળ તકો રહેલી છે. પરંતુ 1960ના સિલીંગ એકટ ટોચ મર્યાદા ધારા જેવા નિયમોથી સમૂહ ખેતીને પ્રોત્સાહન મળતું નથી. જમીનના વારસાઈ ભાગના કારણે 1960માં 60 વિઘા જમીન ધરાવતા પરિવારના બાળકોને 3-3 વિઘાના ખેતરમાં કામ કરવું પડે છે. ખેતીનો ખર્ચ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી શકતા નથી. દુનિયામાં સમૂહ ખેતીના કારણે જંતુનાશક દવાઓ માટે પણ વિમાનો વાપરવામાં આવે છે. જ્યારે ભારતમાં નાના ખેતરમાં ટ્રેકટર ચલાવવું પણ પોસાતું નથી.
નાશવંત જણસની ટકાવારી ઘટાડવી જોેઈએ
ભારતમાં કૃષિની પદ્ધતિમાં હજુ પરંપરાગત થીયરી મુજબ કામ કરવામાં આવે છે. ઓપનર અને આધુનિક થ્રેસર હોવા છતાં હજુ ઘઉં અને ડાંગરને સુંડામાં વાવલીને સાફ કરવામાં આવે છે. ભારતમાં નાશવંત જણસની ટકાવારી 30 થી 35 ટકા છે. ઈઝરાયલ અને અમેરિકા, ફ્રાન્સમાં ખેડૂતોને ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ અને પરિવહનની પુરતી સુવિધા હોવાથી માંડ 1 ટકો જણસ બગડે છે. ભારતમાં નાશવંત જણસની ટકાવારી ઘટાડવી જરૂરી.
ખેડ, ખેતર ને પાણી… લાવે સમૃદ્ધિ તાણી…
ભારતમાં કૃષિનો અનુભવ ઋષિકાળથી ચાલતો આવ્યો છે, ખેતીનો અનુભવ, મૌસમની જાણકારી અને પાકની પસંદગીમાં ખેડૂતો ખુબજ કોઠાસુઝથી કામ કરે છે પરંતુ જૂની પદ્ધતિના કારણે ખેતીમાં ખાતર અને પાણીનું પ્રમાણ કેટલું રાખવું તે જૂની પદ્ધતિમાં ખાતર અને પાણીનો વધુ ઉપયોગ કરવામાં આવતો હતો અને હવે કરકસરનો અભિગમ અપનાવવો જોઈએ. જૂના જમાનામાં પાકને ધોરીયામાં પાણી આપીને ડુબાડીને સિંચાઈ કરવામાં આવતી હતી. પુષ્કળ ખાતર નાખવામાં આવતું હવે સપ્રમાણ સમયસર ખાતર અને ટપક સિંચાઈ પદ્ધતિથી 1000માં ભાગના પાણીથી ખેતીમાં સારી આવક લઈ શકાય છે.
ખેતીમાં કૌશલ્યવાન યુવાનોને સાંકળવાની જરૂર
ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને…ના સામાજીક સુત્રમાં અત્યારે જે પરિવાર પાસે ખેતી હોય તે પરિવારની એવી વ્યક્તિ ખેતી સંભાળે કે જે પ્રમાણમાં ખુબજ ઓછા કૌશલ્યવાન અને વધારાની વ્યક્તિ હોય તે ખેતીનું સંચાલન કરે છે. જો ભણેલ-ગણેલ યુવાન અને કૌશલ્યવાન ખેડૂત પરિવારના યુવાનો ખેતીનો કારભાર હાથમાં લઈ લે તો આ વ્યવસાય સૌથી વધુ આવક આપનારો વ્યવસાય છે.