ખેતી હોય એની નહીં ખેતી કરે એની ખેતી !!!
કૃષિ કાયદાના લાભા-લાભ ખેડૂતો સુધી પહોંચાડવા ખેડૂત ઉત્પાદક સંઘ ઉભા કરવા સરકાર ૭૦૦ કરોડ ઠાલવશે
ભારતના અર્થતંત્રને ૫ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાના મહત્વકાંક્ષી આયોજનમાં દેશના આર્થિક વૃદ્ધિદરનું લક્ષ્ય અને અર્થતંત્ર માટે કમાઉ દીકરા જેવા કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે અભિયાન ચલાવાઈ રહ્યું છે. સરકારે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ૩ નવા કૃષિ કાયદાના અમલીકરણની પ્રક્રિયાની સાથે સાથે ખેતી અને ખેડૂતની આવક વધારવા માટેના તબક્કાવારના આયોજન હાથ ધર્યા છે. સરકારે ખેતી હોય એની ખેતી નહીં ખેતી કરે એની ના અભિગમ સાથે કૃષિ ક્ષેત્રની કાર્યાપલટ માટે ચક્રોગતિમાન કર્યા છે.
ખેડૂતોની આવક બમણી કરવા માટે લઘુતમ ટેકાના ભાવ અને ખેતીને આધુનિક ટેકનોલોજીથી સજ્જ બનાવવાની સાથે સાથે કૃષિ પેદાશોના જતન અને સંવર્ધન ઉપરાંત તેના મુલ્યવર્ધીત વેંચાણ માટે હવે સરકારે કમરકસી છે. નવા કૃષિ કાયદામાં ખેડૂતોને પોતાની જણસ ગમે ત્યાં વેંચવાની સ્વાયતતા આપી છે. ખેડૂત પોતાનો માલ ઘેરબેઠા ઈન્ટરનેટ કે સોશિયલ મીડિયાના મારફત ઓનલાઈન દૂર સુદૂર સુધી વેંચવા હવે આઝાદ બન્યો છે ત્યારે ખેડૂતોની જણસની નાશવંત ટકાવારી ઓછી કરવાની સાથે સાથે પોતાના માલને મુલ્યવર્ધન રીતે એકમાંથી બીજા રૂપમાં ફેરવીને માત્ર ભાવ વધારો જ નહીં મબલખ નફો લેતા કરવા માટે સરકાર ખેડૂતોને હવે હળ સાથે જોતરાઈને માત્ર કાળી મજૂરી કરનાર ખેડૂત નહીં પરંતુ ખેતરની બહાર નીકળી પોતાનો માલ ચોક્કસાઈપૂર્વક વેંચવા વેપારી બનાવવા માંગે છે.
ખેડૂત પોતાનો માલ પુરા દામથી વેંચી શકે તે માટે તેની સ્વાયતતાને કાયદાનું રૂપ આપવાની સાથે દેશ વ્યાપી ધોરણે ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ એફપીઓની રચના કરી ખેડૂતોને ખરા અર્થમાં વેપારી બનાવવાની દિશામાં સરકારે કામ શરૂ કર્યું છે.
સરકારે કરેલી જોગવાઈ મુજબ ૭૦૦ કરોડના ખર્ચે દેશવ્યાપી ધોરણે પ્રાયોગીકરૂપમાં ૨૫૦૦ જેટલા ખેડૂત ઉત્પાદક એકમ એફપીઓનું વર્ષ ૨૦૨૦-૨૧-૨૨માં નિર્માણ કરીને ૬૦,૦૦૦ જેટલા ખેડૂતોને પોતાના માલની પુરી કિંમત અને કૃષિ ક્ષેત્રના વિકાસનું નવું વાતાવરણ આપવાનું આયોજન કર્યું છે.
સરકાર દ્વારા ઉભા કરાનારા ખેડૂત ઉત્પાદક સંસ્થાનોને નાના અને સીમાંત ખેડૂતો માટે પોતાનો માલના વેંચાણ અને તેનો પુરેપુરો ભાવ અપાવીને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે મદદરૂપ થશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, સરકાર દેશમાં કુલ ૧૦,૦૦૦ જેટલા ફાર્મર પ્રોડયુશર ઓર્ગેનાઈઝેશન એટલે ખેડૂત ઉત્પાદન સંસ્થાનો ઉભી કરી ૫ વર્ષમાં ૬૮૬૫ કરોડ રૂપિયાની જોગવાઈથી ખેડૂત પોતાનો માલ અલગ અલગ રૂપમાં વેંચી શકે અને તેનું અનેકગણું મુલ્ય મેલવી શકે તેવું વાતાવરણ ઉભુ કરવામાં આવશે.
સરકારના સહયોગથી ઉભા કરવામાં આવનાર ફાર્મર પ્રોડ્યુશર ઓર્ગેનાઈઝેશન એટલે ખેડૂત ઉત્પાદન સંઘો કૃષિ ક્ષેત્રના વિવિધ પેદાશોનું ઔદ્યોગીક કલ્સ્ટર જેવું કામ કરશે. જેનાથી ખેડૂતો પોતાના માલને વિવિધ રૂપમાં બનાવીને વેંચી શકશે અને સાથે સાથે નવા કૃષિ કાયદાના અમલમાં પણ વધુમાં વધુ ખેડૂતો જોડાશે. ખેડૂતો પોતાના માલને એક કે બીજા રૂપમાં બનાવીને વેંચી શકશે જેના માટે સરકાર જમીનની ફાળવણીથી લઈને આર્થિક સહાય પણ આપશે. રાજકોટના કોઈ ખેડૂતને પોતાની મગફળીનું મુલ્ય સંવર્ધન કરી વેંચાણ કરવું હોય તો તેના માટે ખેતરમાં મગફળીનો માલ સાચવવા માટેના ગોડાઉનથી લઈને ખારી સિંગ કે માંડવી પાક જેવી વસ્તુઓ બનાવીને જે માંડવીના કિલોના ૫૦ થી ૬૦ રૂપિયા ઉપજવાના હોય આ માડવીના નવા રૂપરંગ સાથે પ્રોસેસ કરી ખેડૂત ૧૫૦ થી ૨૦૦ રૂપિયા મેળવી શકશે. આ તો એક દાખલારૂપ દાખલો છે. અત્યારે ભારતમાં નાશવંત જણસોની ટકાવારી ૩૦ ટકા જેટલી છે જે જણસો ખેતરમાં પાક્યા પછી વેપારી સુધી પહોંચ્યા સુધીમાં નાશ થઈ જાય છે. જો કે, વિદેશમાં ઈઝરાયલ જેવા દેશોમાં નાશવંત જણસની ટકાવારી માત્ર ૧-૨ ટકા જ છે. અહીં ટમેટા કે કાકડી પકવતા ખેડૂતોનો માલ વેંચાય તે પહેલા ૩૦ ટકા જેટલો બગડી જતો હોય છે. હવે નવા કૃષિ કાયદા અને ફાર્મર પ્રોડ્યુશર ઓર્ગેનાઈઝેશન એફપીઓના માધ્યમથી ખેડૂતો પોતાનો માલ સાચવી પણ શકશે અને તેને અલગ અલગ રૂપમાં બનાવીને વેંચી પણ શકશે. બીજા શબ્દમાં કહીએ તો સરકાર નવા કૃષિ કાયદા અંતર્ગત ખેડૂતોને માત્ર હળથી ખેત મજૂરી કરવાની સાથે સાથે વેપારી પણ બનાવી દેશે.
ખેડૂત પોતાની ખેત પેદાશ બજારમાં સારી રીતે વેંચી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાશે: ખેડૂતને માત્ર ખેતીકાર જ નહીં પરંતુ વેપારી બનાવીને તેની આવક વૃદ્ધિ કરાશે
ભારતમાં નાશવંત કૃષિ જણસની ટકાવારી ૩૦ ટકા ઉપર છે જ્યારે વિકસીત દેશોમાં માત્ર ૧-૨ ટકા જેટલી જ કૃષિ પેદાશો વેંચાતા પહેલા બગડી જાય છે. ભારતમાં આ ટકાવારી ઘટે તો ખેડૂતો માલામાલ થઈ જાય
સરકાર ફાર્મર પ્રોડયુશર ઓર્ગેનાઈઝેશન એટલે કે, ખેડૂત ઉત્પાદક મંડળોની રચના કરીને ખેડૂતોને પોતાનો માલ સાચવી, નવી ચિજો બનાવી તેના મબલખ વળતર મેળવતો થઈ જશે.