આપણે ત્યાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ફૂલની ખેતી બહુ ઓછી થાય છે ત્યારે વડોદરા જિલ્લાના ખેડૂતોમાં ફૂલોની ખેતીનું પ્રમાણ પણ સારૂ છે. તાજેતરમાં જિલ્લાના  સાયર ગામના ખેડૂતોની ગુલાબના ફૂલની ખેતીની વાત જાણી હવે બૂકે બનાવવા, લગ્ન મંડપની સજાવટમાં ઉપયોગમાં લેવાતા રજનીગંધા તથા કામિની અને ગલગોટાની ખેતીની વિગતો જાણીએ.

વડોદરા જિલ્લાની ખેતીમાં ફૂલોની ખેતી એટલે કે પુષ્પકૃષિ સારી અગત્યતા ધરાવે છે.એની વિવિધતાની વાત કરીએ તો જ્યાં કરજણ તાલુકા ના સાયર ના ખેતરો ગુલાબ થી મહેંકે છે તો ડભોઇ તાલુકાના નાના ફોફળિયા ગામના ત્રણ કૃષિ સાહસિકો ના ખેતરો રજનીગંધાની સાત્વિક સોડમથી મઘમઘે છે. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આ ગામે ફૂલોની ખેતીની વિવિધતા ઉમેરી છે.

આ ગામમાં ટ્યુબરોઝ અથવા રજનીગંધા, કામિની તથા ગલગોટાની ખેતી કરવામાં આવે છે. નાના ફોફળિયામાં જીતુભાઈ, ભોગીભાઈ અને દીપકભાઈ મુખ્યત્વે ટ્યુબરોઝની એટલે કે રજનીગંધાની ખેતી કરે છે.  જીતુભાઇ એ જણાવ્યું કે તેઓ તેમની 5 થી 8 વીઘા જમીનમાં છેલ્લા 18 વર્ષથી ફક્ત ટ્યુબરોઝની ખેતી કરે છે.તેઓ કહે છે કે વર્ષો થી આ ખેતી કરું છું. હકીકતમાં મને રજનીગંધા સિવાય બીજી ખેતી ફાવતી જ નથી.

તેઓ દિલ્હીથી દોઢ થી બે રૂપિયામાં ટ્યુબરોઝના  બિયારણ માટેની ગાંઠ મંગાવે છે. આ કંદમાં થી ઊગતું ફૂલ હોવાથી તેને કંદફુલ પણ કહેવામાં આવે છે જે બુકે બનાવવામાં, લગ્ન મંડપની સજાવટમાં ખૂબ ઉપયોગી છે. આ ફૂલની છૂટી ડાળીઓ નો પણ જન્મ દિવસે ભેટ આપવામાં ઉપયોગ થાય છે.

તેના ઉત્પાદનને વડોદરા તથા અમદાવાદના ફૂલ બજારમાં વેચાણ કરે છે. 10 ફૂલોની એક ઝૂડી બનાવવામાં આવે છે અને વેપારીઓને પૂરી પાડવામાં આવે છે.

yu 1

વધુમાં જીતુભાઇ એ જણાવ્યું કે ટ્યુબરોઝમાં સિંગલ, ડબલ અને સેમી સ્ટીક એમ ત્રણ પ્રકાર આવે છે. સિંગલ ટ્યુબરોઝની સુગંધ વધુ સારી આવે છે તેથી તેનું વેચાણ વધુ થાય છે. ચોમાસામાં ટ્યુબરોઝનું ઉત્પાદન વધુ થાય છે જેનાથી તેના ભાવમાં ઘટાડો થાય છે. જ્યારે બાકીની મોસમમાં માંગ સામે ઉત્પાદન ઓછું હોવાથી ઊંચા ભાવ મળે છે.

ટ્યુબરોઝ સિવાય જીતુભાઈ એ ગુલદસ્તો બનાવવામાં બેઝ તરીકે જેની ડાળીઓ અને પાંદડીઓ નો ઉપયોગ થાય છે તેવી કામિની નું પ્રથમવાર વાવેતર કર્યું છે. તેમણે અગાઉ એકાદ વિંઘામાં તેનું પ્રાયોગિક વાવેતર કર્યું હતું જેમાં સફળતા મળતાં હવે વધુ વાવેતર કરવાના છે.

કામિનીના છોડ આમ તો સ્થાનિક નર્સરીમાં મળે જ છે પરંતુ સારી ગુણવત્તા ની ખાત્રી માટે  પૂનાથી મંગાવવામાં આવે છે. કામિનીના વાવેતર માટે એક છોડ 15 રૂપિયામાં લાવવામાં આવે છે.

રાજ્યના બાગાયત ખાતાની યોજના હેઠળ રજનીગંધા ની ખેતી માટે પ્લાન્ટિંગ મટીરીયલ સબસિડી એટલે કે વાવેતર સહાય મળી શકે છે તેવું બાગાયત અધિકારી યોગેશ ખાંટ નું કહેવું છે.

રજનીગંધામાં વાવેતર સહાય મળી શકે છે

બાગાયત ખાતા દ્વારા ફળ ખેતી અને ફૂલ ખેતીને ઉત્તેજન આપવા સહાયની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ગુલાબની ખેતી કરનારા ખેડૂતો તેનો લાભ લઈ રહ્યાં છે.

આ અંગે જાણકારી આપતાં નાયબ બાગાયત નિયામકની કચેરીના બાગાયત અધિકારી યોગેશ ખાંટે જણાવ્યું કે આ વર્ષે પહેલીવાર નાના ફોફડિયાના ત્રણ ખેડૂતોએ રજનીગંધા ની ખેતી માટે વાવેતર સહાય એટલે કે પ્લાંટિંગ મટીરીયલ સબસિડી મેળવવા અરજી કરી છે.

ગુલાબની ખેતી કરતા રજનીગંધાની ખેતી માટે સબસિડીનું ધોરણ ઊંચું છે. આ કંદ ફૂલની ખેતી માટે નાના અને સીમાંત ખેડૂતોને હેકટરે રૂ.60 હજાર અને અન્ય મોટા ખેડૂતોને હેકટરે રૂ.37500ની સહાય યોજના હેઠળ શરતો પ્રમાણે મળી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.