તાજેતરમાં કેરીની સીઝન શરૂ થઇ ગઇ છે. સૌરાષ્ટ્ર – કચ્છમાં કેરીઓનું ખુબ ઉત્પાદન થાય છે અને દેશ વિદેશમાં આપણી કેશર કેરીઓ અને કાચી અથાણાની કેરીઓની નિકાસ થતી હોય છે. કેરીઓનું ઉત્પાદન વધે, તે માટે રાજય સરકાર દ્વારા ખેડૂતોને પ્રોત્સાહનરૂપે સહાય ચૂકવવામાં આવે છે.
સૌરાષ્ટ્ર કચ્છમાં આંબાના પાકનો 47,176 હેકટર પૈકી સૌથી વધુ ગીર સોમનાથમાં 14,300: સૌથી ઓછું બોટાદમાં 4 હેકટરમાં આંબાનું વાવેતર
મદદનીશ બાગાયત નિયામક બ્રિજેશ જેઠલોજાએ આપેલ માહિતી મુજબ આબાંના એક હેકટર દીઠ વાવેતર માટે રૂ. 40 હજારની સહાય ચૂકવવામાં આવે છે. વધુમાં વધુ 25 વીઘા(4 હેકટર)ની સહાય આંબાના ઘનિષ્ઠ વાવેતર માટે સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે. આંબાના વાવેતરનો વ્યાપ વધારવા બાગાયત ખાતાની, કૃષિ યુનિવર્સિટીઓની નર્સરી(રોપ ઉછેર કેન્દ્રો), કૃષિ સંશોધન કેન્દ્રોમાં આંબાની કલમનો ઉછેર થાય છે, જેનું વિતરણ ખેડૂતોને વિનામુલ્યે કરાય છે.
આ વર્ષે કમોસમી વરસાદની આગાહી સંદર્ભે આંબાના પાકને થનાર સંભવિત નુકશાનથી બચવા સૌરાષ્ટ્રના ખેડૂતોએ કૃષી વિભાગ દ્વારા અપાતી સૂચનાઓનો અમલ કરી જરૂરી સાવચેતી રાખવી જોઇએ. માવઠું અને હવામાન બદલાવાના કિસ્સામાં વૈજ્ઞાનિક ઢબે આંબા પાકમાં પુષ્પવિન્યાસ અને ફળ ધારણ-ઉત્પાદનની તકેદારી રાખવી જોઈએ.
બાગાયત સારથી, નવસારી કૃષિ યુનિવર્સિટી-નવસારીના જણાવ્યા અનુસાર આંબામાં જુદી જુદી અવસ્થાએ કેરી ખરવાનું કારણ કુદરતી જ છે. પુષ્પવિન્યાસમાં સરેરાશ 2000 ફુલો હોય છે. જે પૈકી 400 ઉભયલિંગી અને 1600 નર ફુલો જોવા મળે છે. 400 ઉભયલિંગી ફુલો પૈકી 100 ઉભયલિંગી ફુલોમાં જ જુવારના દાણા જેવડી કેરી બેસે છે. આમાંથી 30 કેરી જ વટાણા જેવડી થાય, 10 કેરી જ લખોટી જેવડી થાય, 3 કેરી જ ઇંડા જેટલા કદની થાય. જાત પ્રમાણે 1 અને વધુમાં વધુ 2 થી 3 કેરી પુર્ણ વિકાસ પામે. આમ, સામાન્ય પુષ્પવિન્યાસ દીઠ 1 કેરી જ મળી શકે અ હિસાબે 1000 પુષ્પવિન્યાસ દિઠ 200 કેરી જ મળવાની શકયતા રહે. જેમાંથી 40-50 કિગ્રા કેરીનું ઉત્પાદન થાય. આમ, ફુલવાડીમાંથી વધારાની કેરી ખરી જવી એ કુદરતી પ્રક્રિયા છે. પણ વધુ પ્રમાણમાં કેરી ખરી જાય તો તેને સમસ્યા ગણી શકાય. સંપુર્ણ ફુલ (પુષ્પવિન્યાસ) ના 0.1 ટકા જ પરિપક્વ કેરી બને છે. ખેડૂતોને જે કોઇ પણ ફળાઉ પાકના રોપા જોતા હોય તો તેઓએ આઈ-ખેડૂત પોર્ટલ www.ikhedut.g ujarat.gov.in ઉપર જોઇતા રોપાની સંખ્યા સાથે ઓનલાઇન અરજી કરવાની રહે છે.
રાજકોટના સંયુક્ત બાગાયત નિયામકશ્રી આર.એચ. લાડાણીના જણાવ્યા અનુસાર આંબામાં કેરીને ખરતી અટકાવવા માટેના 2% યુરીયાનો છંટકાવ કરવો, નિયમીત પીયત આપવું, હોર્મોન 20 પીપીએમ નેપ્થેલીક અસેટીક એસીડનો છંટકાવ કરવો, ફુગજન્ય રોગો અટકાવવા શોષક પ્રકારની ફુગનાશક સલ્ફર 1 લિટર પાણીમાં 3 ગ્રામ મુજબનો ઉપયોગ કરવો, ચુસીયા પ્રકારની જીવાત અને મઘીયાના નિયંત્રણથી કેરીનું ખરવાનું અટકાવી શકાય છે. કણી બેસવાની (જુવારના દાણા) અવસ્થાએથી લખોટા જેવી કેરી અવસ્થાએ આવતો મઘીયો, ડુંખ કોરી ખાનાર ઇયળ તથા ભુકી છારો કાલવ્રણ, સુટી મોલ્ડના જૈવિક નિયંત્રણ માટે બિવેરીયા બેઝીયાના 20 ગ્રામ + મેટારીઝીયમ એનીસોયલી 20ગ્રામ + ગૌમુત્ર 300-500 મીલી પ્રતી પંપ દીઠ છંટકાવ કરવો.