રાજયની તમામ કચેરીઓમાં તબકકાવાર લર્નિંગ લાયસન્સની કામગીરી બંધ કરી દેવામાં આવશે. શિખાઉ લાયસન્સ મેળવવા માટે નાગરીકોને નજીકમા આવેલી સરકારની ૨૮૭ આઈટીઆઈ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં જવું પડશે. બુધવારે મોડીરાત્રે વાહન વ્યવહાર વિભાગે આ પ્રકારની નવી વ્યવસ્થા સંદર્ભે દિશા નિર્દેશો જાહેર કર્યા હતા.
ઉપરોકત વિષયે વાહન વ્યવહાર કમિશનર રાજેશ માંજુએ રોજગાર અને તાલીમ નિયામકને પત્ર લખીને જણાવ્યું છે કે, લર્નિંગ લાયસન્સની કામગીરી માટે ૧૧ ઓકટોબરથી આઈટીઆઈના તાલીમ આચાર્ય અને ઈન્સ્ટ્રકટરની ટ્રેઈનીંગ શરૂ કરવામાં આવશે.
આ કામગીરી માટે આચાર્ય અને ઈન્સટ્રકટરને આરટીઓ દ્વારા લોગીન આઈડી અને પાસવર્ડ આપવામા આવશે. તદ્ઉપરાંત મહેનતાણારૂપે એક લાયસન્સદિઠ રૂા.૧૦૦ ચૂકવવામાં આવશે. લર્નિંગ લાયસન્સની કામગીરી માટે ઓટોમોબાઈલ અને મિકેનિકલ ટ્રેડના તાલુકાઓનાં હકુમત પૂરતા ટેસ્ટીંગ ઓફીસર તરીકે કામગીરી કરવાની રહેશે. રાજયમાં નવા ટ્રાફીક રૂલ્સના અમલ બાદ આરટીઓ કચેરીઓ ઉપર લર્નિંગ લાયસન્સની કામગીરીનું ભારણવધ્યું છે. ત્યારે આઈટીઆઈ પાસે આ કામગીરી કરાવવાનો નિર્ણય લેવાયો છે.