- તાંત્રિક વિધી માટે છઠ્ઠા નોરતે 14 વર્ષની પુત્રીને વાડીએ લઇ જઇ સતત ચાર દિવસ સુધી અત્યાચાર ગુજાર્યો
- નવરાત્રિમાં તરૂણીને માઁ ભગવતીનું સ્વરૂપ માનવાના બદલે બંને ભાઇએ અગ્ની પાસે ઉભી રાખી, વાળને લાકડી સાથે બાંધી ત્રણ દિવસ સુધી ખાવા-પીવા ન આપ્યું
- સગીર પુત્રીની તાંત્રિક વિધી કરવા ક્રુરતાથી હત્યા કર્યાનો નોંધાતો ગુનો
21મી સદીના ડિજીટલ યુગમાં 18મી સદીની પ્રતિતિ કરવાતી અંધશ્રધ્ધાની ઘટના પ્રકાશમાં આવતા હાહાકાર મચી ગયો છે. 14 વર્ષની પુત્રીના શરીરમાંથી વડગાડ કાઢવા પિતા અને મોટા બાપુએ સતત ચાર દિવસ સુધી અમાનુષી અત્યાચાર ગુજારી મોતને ઘાટ ઉતાર્યાની ચોકાવનારા બનાવની તાલાલાગીર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે મૃતકના પિતા અને તેના મોટા ભાઇ સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે. તાંત્રિક વિધી કરાવવા બંને ભાઇની સાથે કોઇ ભુવાની મદદ લીધી હતી કે કેમ તે અંગે પોલીસ દ્વારા સઘન તપાસ હાથધરી છે.
તાલાલાગીરના ધાવા ગામે બનેલી અંધશ્રધ્ધાની ઘટના અંગે તાલાલા તાલુકાના માધુપુર ગામે રહેતા વાલજીભાઇ ઉર્ફે વાલભાઇ દામજીભાઇ ડોબરીયાએ મુળ ધાવા ગામે રહેતા અને સુરત ખાતે એલ્યુમિનિયમ સેકશનનું કામ કરતા જમાઇ ભાવેશ ગોપાલ અકબરી અને તેના મોટા ભાઇ દિલીપ ગોપાલ અકબરીએ અંધશ્રધ્ધાના કારણે 14 વર્ષની દોહિત્રી ધૈર્યની હત્યા કરી બારોબાર અંતિમ સંસ્કાર કરી પુરાવાનો નાશ કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.
અંધશ્રધ્ધાના કારણે સગી પુત્રી ધૈર્યને અતિશય પિડા દઇ કરાયેલી હત્યા અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગતો અનુસાર ધૈર્યને વડગાડ હોવાથી તેણીને એકાદ વર્ષ પહેલાં ભાવેશ પોતાની પુત્રી વતન ધાવા ગામે પોતાના માતા-પિતાને ત્યાં મુકી ગયો હતો. ધૈર્યને ઉમિયા સંકુલમાં ધોરણ નવમાં એડમીશન પણ લીધું હતુ. દરમિયાન ધૈર્યના શરીરમાં વડગાડ છે તે કાઢવા માટે તાંત્રિક વિધી કરવા અંગે ભાવેશ અકબરીને કહેતા તે સુરતથી ધાવા ગામે આવ્યા હતો.
ભાવેશ અકબરીએ પોતાના મોટા ભાઇ દિલીપ અકબરીને ધૈર્યના શરીરમાંથી વડગાડ કાઢવા અંગે તાંત્રિક વિધી કરવા અંગે વાત કર્યા બાદ તા.1 ઓકટોમ્બરના રોજ પોતાની ચકલીધાર તરીકે ઓળખાતી વાડીએ ધૈર્યને લઇ ગયા હતા. ત્યાં ધૈર્યના જુના કપડા સહિતની ચીજ વસ્તુને આગ ચાપી તેના પર માસુમ પુત્રી ધૈયને ઉભી રાખી હોવાથી કુમળી બાળકીના શરીરે દાઝવાના કારણે ફોડલા થઇ ગયા હતા.
શરીરે દાઝેલી ધૈર્યને લાકડી અને વીજ વાયરથી માર મારી વાળને લાકડી સાથે ગાઠ લગાવી ભાવેશ અને તેનો ભાઇ દિલીપે શેરડીના વાડમાં ખુરશી સાથે બાંધી દઇ સતત ત્રણ દિવસ સુધી ખાવા-પીવા ન આપી અત્યાચાર ગુજાર્યો હતો.
ત્રણ દિવસ સુધી શેરડીના વાડમાં બાંધેલી ધૈર્યને થોડી થોડી વારે ભાવેશ અને દિલીપ જોવા જતા હતા. તા.5ના રોજ ધૈર્ય ભુખ અને તરસના કારણે પડી ગયેલી જોવા મળતા તેને ફરી જીવતી કરવા માટે તાંત્રિક વિધી કરી હતી પરંતુ ધૈર્યનું મોત નીપજ્યું હોવાથી તેણીને ચેપી રોગ થયો હોવાથી પોતાના સગા-સંબંધી અને ગામમાં કોઇને જાણ ન થાય તે રીતે તા.7 ઓકટોમ્બરના રોજ મૃતદેહને પ્લાસ્ટીકમાં વીટાળી કારની ડેકીમાં રાખી રાતે ત્રણ વાગે સ્મશાને લઇ જઇ અંતિમ વિધી કરી હતી. કોઇને શંકા ન જાય તે માટે ધૈર્યને ચેપી રોગ હોવાનું ભાવેશ અકબરી અને દિલીપ અકબરીએ જાહેર કર્યુ હતુ પંરતુ ચેપી રોગ અંગે સારવાર લીધી હતી કે કેમ તે અંગે મૃતક ધૈર્યના નાના વાલજીભાઇ ડોબરીયાને શંકા જતા પોતાના જમાઇ અને તેના ભાઇની પૂછપરછ કરતા ભાંડો ફુટયો હતો અને બંને ભાઇઓ સામે તાલાલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. બાટવાએ ભાવેશ અને તેના ભાઇ દિલીપની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે.
તરૂણ પુત્રીને નિર્દય પિતાએ ત્રણ દિવસ ભુખી-તરસી રાખી
તલાલાના ધાવા ગામના પટેલ પરિવારની એકની એક પુત્રીના શરીરમાં વડગાડ હોવાની અંધશ્રધ્ધાના કારણે વડગાડ કાઢવા માટે પિતા ભાવેશ અને મોટા બાપુ દિલીપ અકબરીએ નિર્દય બની માત્ર 14 વર્ષની બાળકીના જુના કપડા સહિતની ચીજ વસ્તુ સળગાવી અગ્નીમાં ઉભી રાખતા શરીરે દાઝી જવાથી ફોડલા થઇ હતા. ત્યાર બાદ બંને ભાઇઓએ લાકડી અને વીજ વાયરથી માર મારી ધૈર્યના વાળને લાકડી સાથે બાંધી શેરડીના વાડમાં ત્રણ દિવસ સુધી ખાવા-પીવા ન આપતા મોત નીપજ્યાની ઘટનાથી પાશણ હૃદયના માનવીનું હયુ હચમચી જાય તેવી ક્રુરતાથી મોતને ઘાટ ઉતારી દીધી છે.
વિજ્ઞાન જાથા તાલાલાના ધાવા ગામે પહોચ્યું
ડિજીટલ યુગમાં અંધશ્રધ્ધાના કારણે માસુમ બાળકીની સગા પિતાએ અતિશય યાતના આપી કરેલી કરપીણ હત્યાનો બનાવ તાલાલા પોલીસમાં નોંધાયાની વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પડંયાને જાણ થતા તેઓ પોતાની ટીમ સાથે તાલાલાગીરના ધાવા ગામે જવા નીકળ્યા છે. વિજ્ઞાન જાથા દ્વારા ભાવેશ અને દિલીપને વડગાડ અંગે કોને સલાહ આપી અને તેને કોની મદદથી તાંત્રિક વિધી કરી તેમજ કંઇ રીતે તાંત્રિક વિધી કરવામાં આવી તે અંગેની માહિતી એકઠી કરી અંધશ્રધ્ધા સામે જાગૃતિ લાવવાના પ્રયાસો કરશે તેમ જયંત પંડયાએ જણાવ્યું છે.
ભાવેશ અકબરીએ કોઇ ભૂવાની મદદ લીધી હોવાની શંકા
તરૂણ પુત્રી ધૈર્યના શરીરમાંથી વડગાડ દુર કરવા પિતા ભાવેશ અકબરી અને દિલીપ અકબરીએ તાંત્રિક વિધી કરવા માટે કોઇ ભુવાની મદદ લીધી હોવાની શંકા સાથે નિર્દય ભાવેશ અને દિલીપ અકબરીની પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથધરવામાં આવી છે. પોલીસને ઘટના સ્થળેથી કંકુ, ચંદડી અને તાંત્રિક વિધીની સામગ્રી મળી આવી છે.