દેશમાં કરદાતાઓની સંખ્યા વધારવા અને કરચોરી અટકાવવાના સરકારના પ્લાનના ભાગ‚પે આઈટીની મથામણ
દેશમાં ટેકસ ભરનારાઓની સંખ્યા વધારવા અને કરચોરી કરનારા ભુમાફીયાઓને ઝડપવાના સરકારના પ્લાનના એક ભાગ‚પે આવકવેરા વિભાગે વધુ ૧.૨૫ કરોડ કરદાતાઓને ખેંચી લાવવાની કવાયત હાથધરી છે. ચાલુ નાણાકિય વર્ષમાં આઈટી રીટર્ન ભરનારાઓને જોડવા આઈટી વિભાગ મથામણ કરી રહ્યું છે.
ધી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ (સીબીડીટી)એ આઈટી વિભાગ માટે પોલીસી ઘડી છે.
જેમાં ડાયરેકટ ટેકસ ભરનારા કરદાતાઓને વધુને વધુ આ હેઠળ લાવવાની કવાયત હાથ ધરાઈ છે. જે અંતર્ગત આ ચાલુ નાણાકીય વર્ષ ૧.૨૫ નવા આઈટી રીટર્ન ભરનારાઓને ખેંચી લાવવાના પ્રયાસો છે. આ નવા આઈટી રીટર્ન ભરનારા એટલે એવા કરદાતા કે જે ગયા વર્ષે આઈટી રીટર્ન ભરતા ન હતા પરંતુ નવા કાયદા હેઠળ તે આ વર્ષે રીટર્ન ભરવા સક્ષમ છે અને આઈટી વિભાગ આવા નવા સક્ષમ કરદાતાઓને જોડવા મથામણ કરી રહ્યું છે.
હૈદરાબાદ આવકવેરા વિભાગે આ માટે ૧૨.૮ લાખ કરદાતાઓને જોડવાનો લક્ષ્યાંક સેવ્યો છે તો પુણેએ ૧૧.૮ લાખનો લક્ષ્યાંક સેવ્યો છે. જયારે ચેન્નઈએ ૧૦.૪૭ લાખ અને ચંદીગઢે ૧૦.૪૧ લાખ નવા રીટર્ન દાતાઓને જોડવાનો હેતુ રાખ્યો છે. આ તમામ માહિતી આઈટી અધિકારીઓની એક કોન્ફરન્સ દરમિયાન મળી આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૧૬-૧૭માં ૫.૪૩ કરોડ રીટર્ન ભરનારા કરદાતાઓ હતા. જે વર્ષ ૨૦૧૫-૧૬ની સરખામણીએ ૧૭.૩ ટકા વધુ છે અને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં ૩૦ જુન સુધીમાં ૧.૨૬ કરોડ નવા કરદાતાઓ નોંધાયા છે.