મોંઘવારીને નાથવા સરકારે અનાજ, કઠોળ, મસાલા, તેલીબિયાં, ડુંગળી સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓ ભારત બ્રાન્ડ હેઠળ વેચવાનો પાયલોટ પ્રોજેકટ શરૂ કર્યો છે. હવે આ પ્રોડક્ટના સ્ટોરની ફ્રેન્ચાઇઝી આપવા સરકારે વિચારણા હાથ ધરી છે.
ભારત બ્રાન્ડ હેઠળ સરકાર અનાજ, કઠોળ, મસાલા, તેલીબિયાં, ડુંગળી સહિતની વસ્તુઓ રાહતભાવે વેચશે
સરકારે દિલ્હીના રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર તેના પ્રથમ બે સ્ટોર ખોલ્યા હતા જેથી ત્યાં વિશાળ સંખ્યામાં લોકો તેનો લાભ ઉઠાવી શકે. નેશનલ કોઓપરેટિવ ક્ધઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાની માલિકી હેઠળ ભારત બ્રાન્ડના અનાજ, કઠોળ, મસાલા, તેલીબિયાં, ડુંગળી જેવી કૃષિ કોમોડિટી ગ્રાહકોને વ્યાજબી દરે વેચવામાં આવે છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સરકાર ભારત બ્રાન્ડની પ્રોડક્ટ્સને સીધા ગ્રાહકોને વેચવા માટે ફ્રેન્ચાઇઝી માર્ગનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે સમગ્ર દિલ્હીમાં 50 સ્ટોર્સ ખોલવાનું વિચારી રહ્યા છીએ,” તેમણે ઉમેર્યું કે સરકાર આ સ્ટોર્સની રોજિંદી કામગીરીનું સંચાલન કરવા માટે ફ્રેન્ચાઇઝીના માર્ગની શોધ કરી રહી છે.
દિલ્હીમાં પ્રોજેક્ટની સફળતાના આધારે, સરકાર મુંબઈ, ચેન્નાઈ અને બેંગલુરુ જેવા શહેરોમાં આવા સ્ટોર્સ ખોલી શકે છે, જેમાં મેટ્રો રેલ નેટવર્ક પણ છે. અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર ગ્રાહક જાગૃતિ વધારવા રેડિયો અને મેટ્રો સ્ટેશનો પર જાહેરાતો પણ કરશે.
આ સ્ટોર્સ સાથે, સરકાર મોટી સંખ્યામાં ગ્રાહકો સુધી પહોંચવા અને ખાદ્ય ફુગાવાને ઘટાડવા માટે તેની કિંમત દરમિયાનગીરી યોજનાના ભાગ રૂપે ઓફર કરવામાં આવતી સબસિડીનો લાભ મેળવવામાં મદદ કરવા માંગે છે.