વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ સામેની જંગ અત્યારે પૂર જોશમાં ચાલી રહી છે. આ જંગ જીતવા માટે મહત્વની બાબત છે રોગપ્રતિકારક શક્તિ વધારવી. ગુજરાતમાં નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આરોગ્ય વિભાગ અને આયુષ આયુર્વેદ વિભાગને વ્યાપક ઉપાયો અને તેના અમલીકરણ માટે ચર્ચા કરી છે.

આ હેતુસર ગુજરાતમાં 60 હજાર કિલોગ્રામ આયુર્વેદ દવાઓ તેમજ 10 લાખ હોમિયોપેથી ઔષધિ-દવાઓના ડોઝ માટે ઓર્ડર આપ્યો છે. આ દવાઓ ત્વરિત મેળવી તેનું રાજ્યવ્યાપી વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઔષધિઓ મેળવવા માટે આયુષ અને આરોગ્ય તંત્રને સુચનાઓ અપાય ગઈ છે.

આ દવાઓ મેળવવા માટે આયુષ વિભાગે ઓર્ડર આપ્યા.

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આયુર્વેદ દવાઓનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે, અને આ દવાઓના અનેક સારા પરિણામો મળ્યા છે. મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણની આ બીજી લહેરમાં પણ આયુર્વેદ-હોમિયોપેથી ઔષધિઓના ઉપયોગથી કોરોના સામેની જંગ જીતવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

આ નિર્ણય અનુસાર રાજ્યભરના 33 જિલ્લાઓ માટે 29,700 કિ.ગ્રામ અમૃત પેય ઊકાળાનો જથ્થો, સંશમની વટીનો 30 હજાર કિ.ગ્રામનો જથ્થો તેમજ ઓર્સેનિક આલ્બમ-30 ના કુલ 10 લાખ ડોઝ રાજ્ય સરકાર વિવિધ સંસ્થાઓ,સંગઠનો અને, કેન્દ્ર સરકાર પાસેથી મેળવશે.

આ આયુર્વેદ દવાઓની વિતરણ વ્યવસ્થા પણ જિલ્લા-તાલુકા અને ગ્રામીણ સ્તર સુધી સુદ્રઢ બનાવવા તલાટીઓ, સરપંચો, આશાવર્કર બહેનો અને સેવા સંસ્થાઓ મારફતે જન-જન સુધી તેનું વિતરણ કરવાની વ્યૂહ રચના ઘડવામાં આવી છે.

કોરોનાથી સંક્રમિત દર્દીઓને સારવાર ઉપરાંત તેમનામાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની બાબતને પણ વિશ્વસ્તરે સ્વીકૃતિ મળી છે ત્યારે માનવ શરીરમાં ઇમ્યુનિટી બૂસ્ટ કરતી આયુર્વેદીક દવાઓનો વપરાશ વધ્યો છે.

ગુજરાતમાં કોરોનાની પ્રથમ લહેરમાં 90 લાખ પરિવારો માટે ઓર્સેનિક આલ્બમના ડોઝ, 78 હજાર કિ.ગ્રામ અમૃત પેય ઊકાળા અને 85 હજાર કિ.ગ્રામ સંશમની વટી લોકોને પૂરી પાડવામાં આવેલી છે

સમગ્ર રાજ્યમાં ગયા વર્ષ 6 માર્ચ 2020થી આ ઔષધિઓના વિતરણ દ્વારા 22 એપ્રિલ 2021 સુધીમાં 10.77 કરોડ અમૃત પેય ઊકાળાનો ડોઝ, 82.70 લાખ સંશમની વટીના અને 6 કરોડ 35 લાખ ઓર્સેનિક આલ્બમ-30ના લાભાર્થીઓને આવરી લઇ રોગપ્રતિકારક શક્તિ વધારવાનો સફળ પ્રયોગ હાથ ધરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.