સૌરાષ્ટ્રના ત્રણેય શહેરો અલગ -અલગ ક્ષેત્રે નિકાસની નિપુણતા ધરાવતા હોવાથી 100 એક્સપોર્ટ હબમાં તેનું નામ હોવાની પૂરેપૂરી શક્યતા
સરકાર એક્સપોર્ટ હબ જાહેર કરી જિલ્લાઓમાં ક્લસ્ટર વિક્સાવશે, એક્સપોર્ટ પ્રમોશન કમિટીની પણ રચના કરશે
સમયની સાથે તાલ મેળવવા રાજકોટ-મોરબી- જામનગરને એક્સપોર્ટ હબ તરીકે ’કેન્દ્રીત’ કરાશે તેવી પ્રબળ શક્યતા છે. સૌરાષ્ટ્રના આ ત્રણેય શહેરો અલગ -અલગ ક્ષેત્રે નિકાસની નિપુણતા ધરાવે છે. જેથી 100 એક્સપોર્ટ હબમાં તેને સ્થાન મળશે તેવું જાણવા મળી રહ્યું છે. સરકાર એક્સપોર્ટ હબ જાહેર કરી જિલ્લાઓમાં ક્લસ્ટર વિક્સાવશે સાથે એક્સપોર્ટ પ્રમોશન કમિટીની પણ રચના કરશે.
ભારત સરકારે તેની નવી વિદેશી વેપાર નીતિ 2023ની જાહેરાત કરી છે. જેનાથી વૈશ્વિક પડકારો વચ્ચે નિકાસમાં વધારો થવાની ધારણા છે. નવી વિદેશ વ્યાપાર નીતિએ 2030 સુધીમાં ભારતની માલસામાન અને સેવાઓની નિકાસને 2 ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાના વિઝન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વધુમાં આ નીતિથી રૂપિયાને વિશ્વભરમાં દોડતો કરવામાં આવશે. આ નીતિ 1 એપ્રિલ, 2023થી અમલમાં આવશે. પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે નવી નીતિ રૂપિયામાં વેપારના આંતરરાષ્ટ્રીયકરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-23માં ભારતની નિકાસ 765 બિલિયન ડોલરને વટાવી જશે. મંત્રાલયે જણાવ્યું હતું કે નવી વિદેશી વેપાર નીતિ પ્રોત્સાહનોમાંથી મુક્તિ માટેના પગલાને ચિહ્નિત કરશે. તે નિકાસકારો, રાજ્યો, જિલ્લાઓ અને ભારતીય મિશન સાથે મળીને નિકાસને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપશે અને ઈ-કોમર્સ અને નિકાસ હબ જેવા ઉભરતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
નવી વિદેશ નીતિનો ફોકસ ખર્ચમાં ઘટાડો કરીને નિકાસને વધુને વધુ પોસાય તેમ બનાવવા પર છે. નિકાસને પ્રોત્સાહન આપવા માટે જિલ્લાઓ તેમજ રાજ્યોમાં નિકાસ માટે પગલાં લેવામાં આવશે. સરકાર આ માટે નવી યોજનાઓ શરૂ કરશે. સરકાર નિકાસ પ્રોત્સાહન યોજનાઓને સંપૂર્ણપણે પેપરલેસ બનાવશે.
જો કે, નવી નીતિ 2028 સુધીમાં લાગુ થવાની ધારણા હતી, ડીજીએફટીએ જણાવ્યું હતું. એ પણ કહ્યું કે નવી વિદેશી વેપાર નીતિ માટે કોઈ છેલ્લી તારીખ રહેશે નહીં, જ્યારે જરૂર પડશે ત્યારે તેને અપડેટ કરવામાં આવશે. તેમણે કહ્યું કે વિદેશ મંત્રાલયે વિદેશી મિશન દ્વારા ભારતમાં વેપાર, ટેકનોલોજી અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી છે.
નવી વિદેશ વેપાર નીતિ હેઠળ પ્રથમ તબક્કા માટે 2200-2500 કરોડની યોજના તૈયાર કરવામાં આવી છે. મંત્રાલયે તેને પ્રમોટ કરવા માટે એક રોડમેપ તૈયાર કર્યો છે. દરેક જિલ્લામાં એક્સપોર્ટ હબ બનાવવામાં આવશે. નિકાસ વધે તે હેતુથી દરેક જિલ્લામાં એક્સપોર્ટ પ્રમોશન કમિટીની રચના કરવામાં આવી છે.
કાપડની નિકાસ માટેની જરૂરી મંજૂરીઓ એક મહિનાને બદલે એક દિવસમાં આપી દેવાશે
કેન્દ્ર સરકારે નિકાસને વેગ આપવા માટેના અનેક પગલાં સાથે નવી વિદેશી વેપાર નીતિનું અનાવરણ કર્યું હોવાથી, કાપડ ઉદ્યોગોએ રાહતનો શ્વાસ લીધો છે. ઉદ્યોગના પ્રતિનિધિઓના મતે, નવી નીતિ પરિવર્તનકારી ફેરફારો લાવીને ભારતને વૈશ્વિક પડકારો માટે તૈયાર કરશે. કાપડ અને વસ્ત્રો એ ભારતીય અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને ભારતની કુલ વેપારી નિકાસમાં લગભગ 8-9% યોગદાન આપે છે. નવી નીતિ હેઠળ, ભૌતિક દખલ વિનાની ઓનલાઈન મંજૂરીઓ પ્રક્રિયાના સમયને હાલના એક મહિનાથી ઘટાડીને માત્ર એક દિવસ કરી દેશે અને આ ક્ષેત્ર માટે ગેમ ચેન્જર તરીકે કામ કરશે,” એમ ભારતીય સંઘના અધ્યક્ષ ટી રાજકુમારે જણાવ્યું હતું.
રશિયાએ પણ તેની વિદેશ વેપાર નીતિમાં ભારતને મહત્વતા આપી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સરકારે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો છે કે તેમના માટે ભારત સાથેના સંબંધોનું મહત્વ આગામી દિવસોમાં વધુ વધશે અને તેઓ વેપાર, રોકાણ અને ટેક્નોલોજી સંબંધિત દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવાનો પ્રયાસ કરશે. રાષ્ટ્રપતિ પુતિને ગુરુવારે તેમની સરકારની નવી વિદેશ નીતિના ડ્રાફ્ટને મંજૂરી આપી હતી, જેમાં રશિયાની ભાવિ મુત્સદ્દીગીરીનું વિઝન દર્શાવવામાં આવ્યું છે.રશિયાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ચીન અને ભારત તેના બે સૌથી મહત્વપૂર્ણ ભાગીદારો હશે. આ અંગે ભારત તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયા દ્વારા દ્વિપક્ષીય વેપાર વધારવા, રોકાણ વધારવા અને ટેક્નોલોજી ક્ષેત્રે સહયોગ વધારવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે