ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઇ ગયા છે. ત્યારે જ ગ્રૂપ મીટિંગો, સ્નેહસંમેલન અને સમાજના અગ્રણીઓની મીટિંગના દૌર શરૂ થઇ ગયો છે. જોકે તમામ તાયફા માટે રૂપિયાની તો જરૂરિયાત હોય છે માટે જ હવે રાજકીય પક્ષો દ્વારા મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પાસેથી ચૂંટણી ફંડના નામે ઉઘરાણીઓ શરૂ થઇ ગઇ છે. જોકે શાણા વેપારીઓએ દ્વારા એક વખત ઉમેદવારોની પસંદગી થઇ જાય ત્યારબાદ જ ચૂંટણી ફંડ આપવાની તૈયારીઓ બતાવી છે. હવે જોવાનું એ રહ્યું કે ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ પાર્ટી વેપારીઓ પાસેથી કેટલું ફંડ ઉઘરાવી શકે છે.

એક તરફ જનતાની સુખાકારી અને સુરક્ષાની વાતોથી રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવાયો છે. ત્યારે જ બીજી તરફ પ્રચાર માટેના રૂપિયા પણ મોટા વેપારીઓ, ઉદ્યોગપતિઓ પાસેથી લેવાઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ વેપારીઓ મુખ્ય બન્ને રાજકીય પાર્ટીને પોતાની પહોંચ મુજબ ફંડ આપીને સાચવી રહ્યા છે. કેમકે વેપારીઓને તો કોઇની પણ સરકાર આવે તેમને પોતાના કામ સરળતાથી નીકળી જાય તેનાથી જ મતલબ હોય છે. ચાલુ વર્ષે વટવા અને નરોડા ઇન્ડ્રસ્ટ્રિયલ વસ્તારો, મોટા બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ પાસેથી ચૂંટણી ફંડ લેવાની કવાયત શરૂ થઇ ગઇ છે. જો કે હાલ ફંડ આપનારાઓ પણ પોતાના વિસ્તારમાં પાર્ટી કેવા ઉમેદવારને ઊભો રાખે છે. તે જોયા બાદ ફંડ આપવાના વાયદા કરી રહ્યા છે. જ્યારે કેટલાક ઉત્સાહી વેપારીઓએ અગાઉથી જ પોતાની લાયકાત મુજબનો ફંડ પાર્ટી ઓફિસ સુધી પહોંચતો કરી દીધો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.