અબતક, રાજકોટ
કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જૂનાગઢ ખાતે રૂરલ મીડિયા વર્કશોપનું આયોજન કરાયું હતું. આ વર્કશોપનો ઉદેશ પત્રકારો સાથે સીધો સંવાદ અને સંપર્ક સાધવાનો તેમજ તેમને માહિતી મેળવવામાં પડતી સમસ્યાઓ અંગે યોજાયો હતો. ભારત સરકારના પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો દ્વારા યોજાયેલા રૂરલ મીડિયા વર્કશોપનો પ્રારંભ નિવાસી કલેક્ટર એલ. બી. બાભણિયાએ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા રૂરલ મીડિયા વર્કશોપ યોજાયો
બાભણિયાએ આ પ્રસંગે કહ્યું હતું કે સમાજમાં જાગૃતિ લાવવા અને લોકોને સત્યની નજીક લઈ જવા માટે સમાચાર માધ્યમોએ જવાબદારીપૂર્વક કાર્ય કરવું જરૂરી છે. આ પ્રકારન વર્કશોપ્સ યોજાતા રહેવા જોઈએ જેનાથી સમાજના લોકોને અને સાથે મીડિયા જગતના લોકોને પણ સાચી દિશા અને સત્યનિષ્ઠ સમાચારોની જાણકારી મળશે.
જૂનાગઢ જિલ્લાના પત્રકારો માટે યોજાયેલ વર્કશોપ-વાર્તાલાપમાં ફુલછાબના તંત્રી કૌશિક મહેતાએ પત્રકારોને સમાચારમાં નીતીમત્તા અને વિશ્ર્વસનીયતા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પત્રકાર માટે સમાચાર મેળવવાનું હાર્દ ગામડું છે.
લોકપ્રિય અને લોકલક્ષી પત્રકારત્વની સમતુલા જાળવવી પડશે: કૌશિક મહેત
જેમાં ગામડાના ખેડૂતો, શ્રમિકો, વેપારીઓની સમસ્યાને સરકાર સુધી પહોંચાડવી જરૂરી છે. જેમાં વધુમાં હાલના અખબારો અને ઇલેક્ટ્રોનિક મીડિયા અંગે માહિતી આપી આઝાદી પહેલાના દૈનિક અખબારો અને હાલના દૈનિક અખબારો અંગે આંકડાકીય માહિતી આપી હતી. તે ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં ઝડપી ફેલાતા સમાચાર અંગે પણ માહિતી આપી તેમના ફાયદા અને ગેરફાયદા જણાવ્યા હતા.તેમણે પત્રકારત્વમાં નીતિમત્તા, સભ્ય સમાજની અપેક્ષા અંગે માર્ગદર્શન આપતા કહયુ કે, લોકપ્રિય અને લોકલક્ષી પત્રકારત્વની સમતુલા જાળવવી પડશે.
આ વર્કશોપ-વાર્તાલાપમાં ચોથી જાગીર સતત બદલાતા સ્વરૂપો અંગે લેખક અને મોટિવેશનલ સ્પીકર જય વસાવડા દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. જેમાં તેમણે ડિજિટલ ક્રાંતિ પર ભાર આપતા જણાવ્યું કે, આજે ડિજિટલ ક્રાંતિનો યુગ છે. તેમણે પુસ્તકોના વાંચન ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું કે, જેમ ફાઇટર પ્લેનમાં ચશ્મા ન ચાલે તેવી જ રીતે પુસ્તકોના વાંચન, ચિંતન વગર શ્રેષ્ઠ પત્રકાર ન બની શકાય. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વાંચનમાં નિરીક્ષણ, ચોક્કસાઇ તેમજ ખરાઇ કરવી ખુબ જ જરૂરી છે. જેથી માહિતીપ્રદ સમાચાર બની શકે છે. તેમણે સમાચાર લેખન અન્વયે ગેરસમજને દૂર કરતા કહ્યું હતું કે, સિડીંગ અને ફીડીંગનો તફાવત સમજવો આવશ્યક છે. જેથી સમાચારના કારણે ઉત્પન્ન થતા મતભેદો અટકી શકે છે.
આ તકે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના અપર મહાનિદેશક ડો.ધીરજ કાકડિયાએ મીડિયા લો અંગે માહિતી આપી, પત્રકારો સાથે વાણી, સ્વાતંત્ર્ય અભિવ્યક્તિ, સ્વાતંત્ર્યને લગતી બંધારણીય જોગવાઇ, સીઆરપીસી અને આઇપીસીની કલમ, આરએનઆઇ ડિકલેરેશન અંગે ચર્ચા કરી હતી. કાર્યક્રમના આરંભે ડો.ધીરજ કાકડિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની ભૂમિકા અંગે પત્રકારોને માહિતગાર કર્યા હતા.