બિન અનામત વર્ગોના શૈક્ષણિક અને આર્થિક વિકાસ આયોગની રચના, હાઈકોર્ટના નિવૃત જજના અધ્યક્ષ સ્થાને તપાસ પંચ નિમવું અને આંદોલન દરમિયાનના કેસો પાછા ખેંચવા સહિતની માંગણીઓ સ્વીકારાઈ
વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે રાજય સરકારે પાટીદાર અનામત આંદોલનને ઠંડુ પાડવા માટે મંત્રી મંડળની બેઠકમાં બિન અનામત વર્ગોના શૈક્ષણિક અને આર્થિક વિકાસ આયોગની રચના, બિન અનામત સમાજની અન્ય જ્ઞાતિઓ માટે કાયદાની જોગવાઈ મુજબ નવું નિગમ, પોલીસ દમનની તપાસ માટે હાઈકોર્ટના નિવૃત જજના અધ્યક્ષ સ્થાને તપાસ પંચ નિમવું, આંદોલન દરમિયાન જે કેસો પાછા ખેંચવાની સત્તા સરકાર હસ્તક છે તે પાછા ખેંચવા અને ખેતરોની ફરતે કાંટાળા તારની વાડની સહાય માટે લઘુતમ મર્યાદા ૨૦ હેકટરથી ઘટાડી ૧૦ હેકટર કરવી જેવી પાંચ મુખ્ય માંગણીઓને સ્વીકારવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ આયોગની રચના કરાશે. જેના હેઠળ વિધાર્થીઓને શૈક્ષણિક સહાય અને યુવાનોને રોજગારી માટે સહાય પણ અપાશે. વિદેશમાં અભ્યાસ માટે જવા લોન માટેની સહાય મળશે. ખેતી માટે વિવિધ સહાય, ઓછા વ્યાજની લોન અપાશે. વ્યવસાય કરવો હશે, વાહન ખરીદવા હશે તો ઓછા વ્યાજની લોન જેવી સવલતો આયોગ દ્વારા મળી રહેશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજ્યમાં એકરૂપતા જળવાઈ રહે તે માટે પાટીદાર સમાજની સાથે અન્ય સમાજ પણ સમૃદ્ધ થાય તે માટે જો રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત કરવાની થતી હશે તો તેના માટે કાયદાકીય જોગવાઈ મુજબ નવું નિગમ પણ સ્થપાશે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ તમામ પરિવારો સુધી પહોંચે તે માટે રાજ્ય સરકાર વિચારણા કરશે એ આ બંને બોડી સ્વતંત્ર રીતે કામ કરશે. તેને પણ કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. સરકારી યોજનાઓનો લાભ તમામ પરિવારો સુધી પહોંચે તે માટે સરકાર અને આયોગ ચોક્કસ મદદરૂપ થશે.
પાટીદારોની અન્ય મુખ્ય માંગણી મુજબ પોલીસ દમનની તપાસ કરીને તેમાં જે ગુનેગાર હોય તેની સામે પગલાં ભરાવવા. આ માંગણીને પણ મંત્રીમંડળની બેઠકમાં બહાલિ અપાઈ છે. જેમાં એમ નક્કી થયું છે કે, હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષ સ્થાને તપાસપંચની રચના કરાશે. અન્ય માંગણી એવી હતી કે આંદોલન દરમિયાન પાટીદારો સામે જે કેસ કરાયા છે તે પાછા ખેંચાવા જોઈએ. તેના સંદર્ભમાં મંત્રીમંડળની બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે, આંદોલન દરમિયાન જે કેસો થયા છે તેમાંથી જે કેસો પાછા ખેંચવાની સત્તા રાજ્ય સરકાર હસ્તક હશે તેના તમામ કેસો પાછા ખેંચી લેવાશે. આ માટે ગૃહ અને કાયદા વિભાગના પરામર્શમાં રહીને યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યસચિવ જે.એન.સિંઘ અને ગૃહ સચિવને સૂચનાઓ પણ આપી દેવાઈ છે