સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અગ્રગણ્ય એવી સવ્યસાચી એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત ટી.એન.રાવ કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી ડો.નિદત બારોટના માર્ગદર્શન હેઠળ ટી.એન.રાવ કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા કેરાલાના પૂરપીડીતોને આર્થિક મદદ કરવામાં આવી. કેરાલામાં થયેલ પૂરના કારણે ખુબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે કેરાલાના મુખ્યમંત્રી દ્વારા સમગ્ર દેશમાં ટહેલ કરવામાં આવી હતી કે લોકો કેરાલાના પૂરપીડીત લોકોને સહાય કરે. વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે રાજકોટમાં છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત ટી.એન.રાવ કોલેજ પણ આ ટહેલનો પડઘો આપતા આ કોલેજના સંચાલક મંડળે ૧ લાખ રૂપિયાની સહાય પૂરપીડીતો માટે કરી છે.
હાલમાં કોલેજ ખાતે વિદ્યાર્થીઓએ યોજેલ ફનફેરમાંથી થયેલ બચતના ૫૦૦૦/- રૂપિયા વિદ્યાર્થીઓ દ્વારા પૂરપીડીતોને સહાયરૂપે મોકલવામાં આવ્યા. વિદ્યાર્થીઓની અંદર રાષ્ટ્રપ્રેમ અને માનવપ્રેમના ગુણનો વિકાસ થાય તે માટે સંચાલક મંડળે વિદ્યાર્થીઓનું પ્રતિનિધિ મંડળ કુલ રકમ સાથે સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની રાણી ટાવર બ્રાંચમાં મોકલ્યું હતું.
વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના પ્રતિનિધિઓએ બેન્કના મેનેજરને તમામ રકમ આપી અને મુખ્યમંત્રી રીલીફ ફંડમાં જમા કરાવી હતી. આ વખતે કોલેજના અધ્યાપક સર્વે આસીફખાન યુસુફઝાઈ, બંકીમભાઈ ત્રિવેદી, પ્રશાંતભાઈ દવે, અદિતિબેન જોશી, ચાંદનીબેન લાઠીયા તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેન્કના કર્મચારી અને જાણીતા લોકસેવક અનુપમભાઈ દોશી પણ ટી.એન.રાવ પરિવારના મિત્રો સાથે હાજર રહી વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને પ્રોત્સાહિત કર્યા હતા.